કલકત્તામાં સનાતન સંસ્કૃતિ સંસદ સંસ્થા દ્વારા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં કેસરિયા ખેસ સાથે રચાયો નવો કીર્તિમાન
ગઈ કાલે કલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પાંચ લાખથી વધુ સનાતનીઓએ ભેગા થઈને ગીતાનું પઠન કર્યું હતું.
સનાતન ધર્મના અનેક સંતોની હાજરીમાં ગીતાના શ્ળોકો વાતાવરણમાં ગૂંજી ઊઠ્યા : બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે ભારતમાં આપણને સનાતની જોઈએ છે, તનાનતી નહીં; ભારતમાં આપણને ભગવા-એ-હિન્દ જોઈએ છે, ગજવા-એ-હિન્દ નહીં
કલકત્તાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ગઈ કાલે બપોરે લાખો લોકોએ એકસાથે ગીતાનું પઠન કરીને વાતાવરણને આધ્યાત્મિક સ્પંદનોથી સભર કરી દીધું હતું. શનિવારે પશ્ચિમ બંગાળમાં અયોધ્યામાં હતી એવી બાબરી મસ્જિદના નિર્માણનો પહેલો પથ્થર મૂક્યો હતો. એ પછી સનાતન સંસ્કૃતિ સંસદ નામની સંસ્થાએ સામૂહિક ગીતાના પાઠનો કાર્યક્રમ યોજ્યો હતો. એનો ઉદ્દેશ આમ લોકોમાં સનાતન ધર્મની મૂળ ભાવના અને ગીતાનો સાર્વભૌમિક સંદેશ પહોંચાડવાનો હતો.
ADVERTISEMENT

પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ, સાધ્વી ઋતંભરા અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જેવા સનાતન ધર્મના સાધુસંતોએ ગીતાપઠનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ગઈ કાલે બપોરે યોજાયેલા ગીતાપઠનના કાર્યક્રમમાં પાંચ લાખ લોકો એકસાથે ગીતાપાઠ કરે એ માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજી મહારાજે કરી હતી. આ કાર્યક્રમમાં પદમભૂષણ સાધ્વી ઋતંભરા અને અને બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ સામેલ થયાં હતાં. સનાતન ધર્મના અન્ય અનેક સાધુસંતોએ એમાં હાજરી આપી હતી. બંગાળના રાજ્યપાલ ડૉ. સી. વી. આંનદ બોઝ તેમ જ BJPના ઘણા સંસદસભ્યો અને વિધાનસભ્યોએ પણ આ કાર્યક્રમમાં સામૂહિક ગીતાપઠન કર્યું હતું.
બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ઢોલ, ઝાંઝ અને પખવાજના તાલે ગીતાના શ્લોકોથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. પાંચ લાખ લોકોને ભેગા કરવાનું આયોજન હતું, પરંતુ મોટી માત્રામાં કેસરી ખેસ સાથે સનાતનધર્મીઓનો મહેરામણ ઊમટ્યો હતો. BJPના નેતા દિલીપ ઘોષે કહ્યું હતું કે લગભગ ૬.૫ લાખ લોકો એકઠા થયા હોવાનું અનુમાન છે.
સનાતન એકતા જ આ દેશ અને દુનિયા માટે શાંતિનું સૌથી મોટું માધ્યમ છે
બાગેશ્વરધામના આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ લાખ્ખો લોકોના કંઠે ગીતાપઠનના કાર્યક્રમના આયોજન વિશે કહ્યું હતું કે ‘આજે પશ્ચિમ બંગાળની પવિત્ર ધરતી કલકત્તામાં લાખો લોકોએ એકસાથે ગીતાનો પાઠ કર્યો. જોશ અને આસ્થાનો સૈલાબ જોઈને એવું લાગ્યું કે જાણે કલકત્તામાં મહાકુંભમેળો ભરાયો હોય. અમે પશ્ચિમ બંગાળ અને કલકત્તાના લોકોને દિલથી ધન્યવાદ કહેવા માગીએ છીએ. સનાતન એકતા જ આ દેશ અને દુનિયા માટે શાંતિનું સૌથી મોટું માધ્યમ છે. ભારતમાં આપણને સનાતની જોઈએ છે, તનાનતી નહીં; ભારતમાં આપણને ‘ભગવા-એ-હિન્દ’ જોઈએ છે, ‘ગજવા-એ-હિન્દ’ નહીં.’


