બિલ્ડિંગો પર અને ઑફિસોમાં CCTV કૅમેરા બેસાડવાની પાયધુનીના અસિસ્ટન્ટ કમિશનરની અપીલને પગલે ભારત મર્ચન્ટ્સ ચેમ્બર એના ભવનમાં ૧૪ CCTV કૅમેરા બેસાડશે, પોતાના સભ્યોને પણ કર્યો અનુરોધ
ચેમ્બર ભવનમાં પાયધુની પોલીસ-સ્ટેશનનાં અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર રેણુકા બુવા સાથે કાલબાદેવીની સમસ્યાઓની ચર્ચા કરી રહેલા ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રતિનિધિઓ અને તેમના સભ્યો.
સાઉથ મુંબઈના કાલબાદેવી રોડ પરના વેપારીઓની સુરક્ષા વધારવા અને વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના ઉદ્દેશથી ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ચેમ્બરભવનમાં પાયધુની પોલીસ-સ્ટેશનની સલાહ પ્રમાણે ૧૪ ક્લોઝ્ડ્ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાડવામાં આવશે એટલું જ નહીં, ગઈ કાલે મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી એના વેપારી-સભ્યોને પણ પરિપત્ર મોકલીને તેમનાં બિલ્ડિંગો અને ઑફિસોમાં CCTV કૅમેરા બેસાડવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી કાલબાદેવી વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને સાઇબર ક્રાઇમ વધી રહ્યા છે. અનેક વેપારીઓ આ પ્રવૃત્તિનો ભોગ બન્યા છે. આથી શનિવારે ચેમ્બરના પ્રતિનિધિઓએ પાયધુની ડિવિઝનનાં અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર રેણુકા બુવા સાથે મીટિંગ કરી હતી જેમાં ચેમ્બર તરફથી કાપડના વેપારીઓ સાથે બની રહેલા છેતરપિંડીના બનાવો તથા સામાન્ય માણસ અને વેપારીઓ સાઇબર ક્રાઇમથી ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ચેમ્બરની ફરિયાદોના જવાબમાં અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર રેણુકા બુવાએ કહ્યું હતું કે ‘ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે અને ગુનેગારોને પકડવા સરળ પડે એ માટે કાલબાદેવી અને આસપાસના વિસ્તારોનાં બિલ્ડિંગો પર રોડ તરફ અને વેપારીઓએ તેમની ઑફિસમાં CCTV કૅમેરા બેસાડવા ખૂબ જ જરૂરી છે. ગુનેગારોને પકડવામાં CCTV કૅમેરાનાં ફુટેજ બહુ જ ઉપયોગી થાય છે. ગુનાહિત પ્રવૃત્તિઓ અને સાઇબર ક્રાઇમને રોકવા આજના સમયમાં વેપારીઓએ બિઝનેસ સાવધાનીપૂર્વક કરવો જોઈએ તેમ જ વેપારીઓ સાથે કોઈ છેતરપિંડી કે લૂંટનો બનાવ બને તો તેમણે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. ફરિયાદ મોડી કરવાથી પોલીસ ગુનેગાર સુધી પહોંચી શકતી નથી કે તેને પકડવામાં મુશ્કેલી ઊભી થાય છે. આ સિવાય સાઇબર ક્રાઇમનો સામનો કરવા માટે ચેમ્બર તરફથી વેપારીઓ માટે એક સેમિનાર યોજવો જોઈએ. એનાથી વેપારીઓ અને નાગરિકો આ મુદ્દે જાગરૂક થઈ શકે.’
આ માહિતી આપતાં ચેમ્બરના વાઇસ-પ્રેસિડન્ટ વિનોદ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અસિસ્ટન્ટ કમિશનરને કહ્યું હતું કે પોલીસ વિભાગ તરફથી વેપારીઓને મળવા માટે વારતહેવારે કાર્યક્રમ આયોજિત કરતા રહેવું જોઈએ. એની સામે તેમણે અમને જણાવ્યું હતું કે વેપારી સંગઠન જ્યારે પણ ઇચ્છે ત્યારે મળવા આવી શકે છે.’


