ગઈ કાલે આઝાદ મેદાનમાં તેમની લાંબા સમયથી પેન્ડિંગ માગણીઓ માટે ધરણાં કર્યાં હતાં.
તસવીર : શાદાબ ખાન
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગના રિટાયર્ડ કર્મચારીઓએ ગઈ કાલે આઝાદ મેદાનમાં તેમની લાંબા સમયથી પેન્ડિંગ માગણીઓ માટે ધરણાં કર્યાં હતાં. ગ્રૅચ્યુઇટી, દિવાળી બોનસ, પી.એફ.નું વ્યાજ, કોવિડ ભથ્થું વગેરે કર્મચારી સ્વર્ગવાસી થયા પછી ઉપર આવીને આપશો કે કેમ એવો સવાલ તેમણે કર્યો હતો.
તમામ રખડતા શ્વાનોને રસી આપો અને ફરિયાદ માટે અલગ હેલ્પલાઇન બનાવો- રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાને રાજ્ય સરકારનો નિર્દેશ
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે ગવર્નમેન્ટ રેઝલ્યુશન (GR) બહાર પાડીને તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને રખડતા શ્વાનોના ફરજિયાત રસીકરણ અને નસબંધી માટે નિર્દેશ આપ્યો હતો. આ GRમાં લોકોની ફરિયાદો માટે એક ડેડિકેટેડ હેલ્પલાઇન શરૂ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. શ્વાનોની નોંધણી રાખવા માટે અને પકડેલા શ્વાનોને રાખવા માટે શેલ્ટર હોમ તૈયાર કરવાના નિર્દેશ પણ GRમાં છે. આ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જનાર અધિકારીઓ સામે કડક પગલાંની ચેતવણી પણ આપવામાં આવી છે.
સિંહસ્થ કુંભમેળા માટે નાશિકની બહાર રિંગ રોડને પરમિશન
નાસિક-ત્રંબકેશ્વર સિંહસ્થ કુંભમેળામાં આશરે પાંચ કરોડ શ્રદ્ધાળુઓ આવે એવી ધારણા છે. આટલી મોટી સંખ્યામાં લોકોને અહીં મૅનેજ કરવા માટે સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશને નાશિકની બહાર ૬૬ કિલોમીટર લાંબા આઉટર રિંગ રોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. શુક્રવારે એક ઑર્ડર દ્વારા આ મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી. આ રોડ બનાવવાનો કુલ ખર્ચ ૪૨૬૨.૬૪ કરોડ જેટલો થશે એમાં ૩૬૫૯.૪૭ કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે.
થાણેમાં લોખંડની પાઇપ પડવાથી એક મજૂરનું મોત
થાણે શહેરમાં બ્રિજ કન્સ્ટ્રક્શન સાઇટ પર લોખંડની ભારે વજનની પાઇપ પડી હતી, જેને લીધે એક મજૂરનું મૃત્યુ થયું હતું અને અન્ય એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો. શનિવારે ઘોડબંદર રોડ પર ગાયમુખ પાસે આ દુર્ઘટના ઘટી હતી. પોલીસે કૉન્ટ્રૅક્ટર સામે બેદરકારીના આરોપ સાથે કેસ ફાઇલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જીવ ગુમાવનાર સુજિત કુમાર હરિલાલ પ્રસાદ ૨૦ વર્ષનો હતો, જ્યારે ૨૨ વર્ષનો અભિષેક ઘાયલ થયો હતો.
પલાવામાં સૂટકેસમાં મહિલાનો મૃતદેહ મળ્યો
થાણે જિલ્લાના પલાવામાં ગઈ કાલે હેરતઅંગેઝ કરનારી એક ઘટના બની હતી. અહીં ખાડીના કિનારેથી એક સૂટકેસમાં ભરેલો મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુ પામનારી મહિલાની ઉંમર આશરે ૩૦ વર્ષની હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ મહિલાને માર મારીને હત્યા કરવામાં આવી હોવાનું અને નિકાલ માટે મૃતદેહને સૂટકેસમાં ભરીને ખાડી પાસે મૂકી દીધો હોવાનું પ્રાથમિક નજરે જણાઈ રહ્યું છે એવી માહિતી પોલીસે આપી હતી. માનપાડા પોલીસે હત્યાનો કેસ નોંધીને જીવ ગુમાવનારી મહિલાની ઓળખ કરવાના પ્રયાસ શરૂ કર્યા છે.
૨૦થી વધુ કેસમાં વૉન્ટેડ ગૅન્ગસ્ટર આખરે પકડાયો
ઉલ્હાસનગરમાં હત્યાના પ્રયાસના કેસમાં એક વૉન્ટેડ ગૅન્ગસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. ૧૮ મહિના સુધી પોલીસથી બચીને ભાગનારો વૉન્ટેડ ગૅન્ગસ્ટર અક્ષય સુરેશ ગાયકવાડ ઉર્ફે બાબુ ગયા વર્ષે એપ્રિલમાં એક વ્યક્તિ પર હુમલો કર્યા પછી અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. હુમલો, ખંડણી, હત્યાનો પ્રયાસ સહિત ઓછામાં ઓછા ૨૦ કેસ બાબુના નામે નોંધાયેલા છે. ૩૫ વર્ષના આ આરોપીને ઉલ્હાસનગરની હિલ લાઇન પોલીસે એક જગ્યાએ છાપો મારીને પકડી પડ્યો હતો.
પાંચ કરોડ રૂપિયાનો ચરસ જપ્ત, નેપાલના ડ્રગ-પેડલર્સ સાથે કનેક્શન
થાણેના માજીવાડામાંથી પોલીસે પાંચ કરોડ રૂપિયાનો ચરસ જપ્ત કર્યો હતો. પોલીસને મળેલી બાતમી મુજબ શનિવારે માજીવાડા વિસ્તારમાં છટકું ગોઠવીને આરોપી શનવર અનવર અલીને ઝડપી લેવાયો હતો. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે ‘સર્ચ-ટીમે આરોપી પાસેથી પાંચ કરોડ રૂપિયાની કિંમતનો ઉચ્ચ ગુણવત્તાનો ૫.૦૫ કિલો ચરસ જપ્ત કર્યો હતો.’ કલકત્તાના વતની શનવર અલીને નેપાલમાં ડ્રગ્સ-પેડલર્સ સાથે કનેક્શન હોવાની માહિતીના આધારે થાણે પોલીસ આખા રૅકેટનું પગેરું શોધી રહી છે.
