Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૭૫ વર્ષનાં ગુજરાતી મહિલાના સવાપાંચ કરોડ રૂપિયા ડરાવી-ધમકાવીને પડાવી લેવાયા

૭૫ વર્ષનાં ગુજરાતી મહિલાના સવાપાંચ કરોડ રૂપિયા ડરાવી-ધમકાવીને પડાવી લેવાયા

Published : 01 November, 2026 02:26 PM | Modified : 01 November, 2026 02:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાં છે એમ કહીને તેમની ડિજિટલ અરેસ્ટ કરીને તમામ જમા પૂંજી ગઠિયાઓએ આંચકી લીધી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વડાલા-વેસ્ટમાં રહેતાં ૭૫ વર્ષનાં નિવૃત્ત મેડિકલ સોશ્યલ વર્કરને ડિજિટલ અરેસ્ટ અને આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલાં હોવાની ખોટી ધાકધમકી આપીને સાઇબર ઠગોએ તેમની પાસેથી ૫,૨૬,૮૮,૩૫૦ રૂપિયાની તોતિંગ રકમ પડાવી લીધી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલે મહિલાએ ગઈ કાલે સેન્ટ્રલ સેલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મુંબઈની એક જાણીતી હૉસ્પિટલમાંથી મેડિકલ સોશ્યલ વર્કર તરીકે નિવૃત્ત થયેલાં અને એકલાં જ રહેતાં વૃદ્ધ મહિલાની નિવૃત્તિ વેતનની બચત અને સોનું ગિરવી મૂકીને મેળવેલા પૈસા ખંખેરી લેવામાં આવતાં મહિલાએ પોતાની તમામ જમા પૂંજી ગુમાવી દીધી હોવાની માહિતી પોલીસે આપી છે.

શું હતો ઘટનાક્રમ?



વડાલામાં રહેતાં અને મુંબઈની એક જાણીતી હૉસ્પિટલમાંથી સોશ્યલ વર્કર તરીકે ૨૦૦૯માં નિવૃત્ત થયેલાં ૭૫ વર્ષનાં ફરિયાદી મહિલાને ૧૪ ઑગસ્ટે સવારે વિજયકુમાર નામની વ્યક્તિએ ફોન કરી પોતે નાશિકના પંચવટી પોલીસ-સ્ટેશનનો અધિકારી હોવાનો દાવો કર્યો હતો.


વિજયકુમારે ફરિયાદી મહિલાનું નામ આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ હોવાની અને તેમની સામે FIR દાખલ થયો હોવાનો ખોટો ડર બતાવ્યો હતો. થોડી વારમાં ફરિયાદી મહિલાને સંદીપ રાવ નામના ઠગે વૉટ્સઍપ વિડિયો-કૉલ કરીને, પોલીસ યુનિફૉર્મ અને પાછળ અશોકસ્તંભ બતાવીને, ગુનાની ખોટી નકલો મોકલીને અને ફિરોજી-વાદળી રંગના વીઝા કાર્ડ દ્વારા અઢી કરોડ રૂપિયા કમિશન મળતું હોવાનું કહીને માનસિક દબાણ વધાર્યું હતું.

 આ દરમ્યાન ફરિયાદી મહિલાને અન્ય એક વ્યક્તિએ પોતાની ઓળખ વિશ્વાસ નાંગરે પાટીલ તરીકે આપી NIA, ED તથા સુપ્રીમ કોર્ટમાં તપાસ થતી હોવાનો દાવો કર્યો હતો.


 મહિલાને વૃદ્ધ હોવાને કારણે નાશિક આવવાની ના પાડીને કસ્ટડીમાં નહીં પરંતુ ઑનલાઇન ઇન્વેસ્ટિગેશન કરવાના નામે ઘરમાં જ નજરકેદ જેવા રાખીને કોઈને પણ વાત ન કરવાની તાકીદ કરી હતી. ઠગોની સૂચનાથી મહિલાએ પોતાની તમામ બચતનું સોનું ભેગું કર્યું હતું.

 ત્યાર બાદ વડાલા અને શિવડી વિસ્તારના જ્વેલર્સ તથા મુથૂટ ફાઇનૅન્સ (શિવડી અને માઝગાવ શાખા) ખાતે અંદાજે ૧૧૫૪ ગ્રામ સોનું ગિરવી મૂકીને લોન લેવા દબાણ કરવામાં આવ્યું હતું. સોનું ગિરવી મૂકીને મળેલી તોતિંગ રકમ સપ્ટેમ્બર દરમ્યાન મહિલાના બૅન્ક-ખાતામાં જમા થઈ હતી.

 ઠગોના કહેવાથી ફરિયાદી મહિલાએ પોતાનાં વિવિધ બૅન્ક-ખાતાંમાંથી સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા, સરસ્વતી બૅન્ક, ઍક્સિસ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, બૅન્ક ઑફ બરોડામાં RTGS દ્વારા કુલ ૫,૨૬,૮૮,૩૫૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

 આરોપીઓએ તપાસ બાદ તમામ પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું. જોકે તાજેતરમાં પૈસા પાછા આપવાનું વચન આપ્યા બાદ આરોપીઓના ફોન બંધ થઈ ગયા અને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. પોતાની સાથે છેતરપિંડી થયાનું સમજાતાં મહિલાએ સાઇબર હેલ્પલાઇન-નંબર 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી તેમ જ ગઈ કાલે સેન્ટ્રલ સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK