Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માથું કપાયેલા મૃતદેહનો કેસ ઉકેલી આપ્યો ડૉગી બેલાએ

માથું કપાયેલા મૃતદેહનો કેસ ઉકેલી આપ્યો ડૉગી બેલાએ

Published : 01 April, 2026 09:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘટનાસ્થળે CCTV કૅમેરા ન હોવાથી નાલાસોપારાના આ કેસની તપાસમાં પડકાર ઊભો થયો હતો, પરંતુ પોલીસે થાણે ડૉગ-સ્ક્વૉડની ડૉગીની હેલ્પથી બે આરોપીઓને પકડ્યા

નાલાસોપારાના હત્યાકેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ડૉગી બેલા.

નાલાસોપારાના હત્યાકેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ડૉગી બેલા.


મુંબઈ–અમદાવાદ હાઇવે નજીક આવેલા પેલ્હાર ફાટા પાસે આંબેપાડા વિસ્તારમાં ગૂણીમાં મળેલા માથું કપાયેલા યુવકના મૃતદેહના મામલે પેલ્હાર પોલીસે થાણે સિટી પોલીસની ડૉગ-સ્ક્વૉડની ડૉગી બેલાની મદદથી ૨૪ કલાકની અંદર કેસ ઉકેલીને બે આરોપીઓને પકડી પાડ્યા છે. ઘટનાસ્થળે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ન હોવાથી તપાસમાં પડકાર ઊભો થયો હતો, પરંતુ પોલીસે થાણે ડૉગ-સ્ક્વૉડની મદદ લીધી હતી. અઢી વર્ષની બેલા નામની ટ્રેઇન્ડ ડૉગીએ આરોપીઓને પકડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બેલાએ મૃતદેહ ફેંકવામાં આવેલા સ્થળેથી શંકાસ્પદ માર્ગ દર્શાવ્યો હતો અને અંતે પોલીસને એ દુકાન સુધી પહોંચાડી હતી જ્યાં હત્યા કરવામાં આવી હતી. આ કારણે તપાસને ઝડપી દિશા મળી હતી અને આરોપીઓ સુધી પહોંચવું શક્ય બન્યું હતું.

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પેલ્હાર ફાટા પાસે આંબાની વાડી નજીક ગૂણીમાં એક અજાણ્યા યુવકનો લોહીલુહાણ હાલતમાં માથા વગરનો મૃતદેહ મળતાં આ વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાયાં હતાં. મૃતદેહનું માથું કપાયેલું હોવાથી ઓળખ કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. જોકે મૃતદેહના જમણા હાથ પર અશોકસિંહ નામ અને બદામનું નિશાન ધરાવતું ટૅટૂ મહત્ત્વપૂર્ણ પુરાવો બન્યાં હતાં. ફૉરેન્સિક ટીમે સ્થળ પરથી નમૂનાઓ એકઠા કરીને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યો હતો. બીજી તરફ તપાસ માટે વિવિધ ટીમ તૈયાર કરવામાં આવી હતી. ઘટનાસ્થળે CCTV કૅમેરા ન હોવાથી ડૉગ-સ્ક્વૉડની મદદ લેવામાં આવી હતી. અંતે અમે મૃત્યુ પામેલા ૩૨ વર્ષના અશોકસિંહ રાજપૂતની ઓળખ કરી હતી. ત્યાર બાદ ટેક્નિકલ માહિતી ભેગી કરીને તેમ જ નાલાસોપારાના અન્ય વિસ્તારના ૨૦૦થી ૩૦૦ CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસીને હત્યા કરનાર ૨૭ વર્ષના દિનેશ પ્રજાપતિ અને ૩૫ વર્ષના સંદીપ તિવારી સુધી પહોંચીને તેમને કસ્ટડીમાં લીધા હતા. પૂછપરછ દરમ્યાન આરોપીઓએ સ્વીકાર્યું હતું કે તેમણે અશોકસિંહની આર્થિક વિવાદને કારણે ધારદાર હથિયારથી હત્યા કરી હતી. ઓળખ છુપાવવા માટે આરોપીઓએ મૃતદેહનું માથું શરીરથી અલગ કરી શરીર ગૂણીમાં ભરીને આંબેપાડા વિસ્તારમાં ફેંકી દીધું હતું અને માથું તાનસા નદી પાસે ફેંકી દીધું હતું. ગઈ કાલે ડ્રોનની મદદથી શોધખોળ કરીને માથું, મોબાઇલ અને અન્ય વસ્તુઓ નદીમાંથી કબજે કરવામાં આવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK