કૉક્રૉચ જનતા પાર્ટી સાથેની બે કલાકની મીટિંગમાં બે માગણી સ્વીકારી, પણ...ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિશે આજે બપોર સુધીનો સમય માગ્યો મોદી સરકારે
CJPના સૌરવ દાસ અને આશુતોષ રાંકા સાથે જે. પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ.
શુક્રવારે કૉન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે બે કલાક સુધી મહત્ત્વની બેઠક યોજાઈ હતી. CJP તરફથી સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ કેન્દ્રીય પ્રધાનો જે. પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં CJPની ૩ મુખ્ય માગણીઓમાંથી બે માગણીઓ પર સંમતિ બનતી જણાઈ રહી છે. સરકારે પેપર-લીકને કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયાનું વળતર આપવાનું અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા FIR પાછો ખેંચવા પર સકારાત્મક વલણ અપનાવ્યું છે.
ADVERTISEMENT
જોકે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિશે મડાગાંઠ યથાવત્ છે. CJPએ સ્પષ્ટ કર્યું કે શિક્ષણપ્રધાનના રાજીનામાથી ઓછું કશું જ સ્વીકાર્ય નથી. સરકારે આ વિશે જવાબ આપવા આજે બપોર સુધીનો સમય માગ્યો છે. CJPએ એ પણ માગણી કરી છે કે પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરવા બદલ કેન્દ્ર સરકાર અને પોલીસવડા સાર્વજનિકરૂપે માફી માગે.
NEET-UG પેપર-લીક મામલે ફાસ્ટ ટ્રૅક કોર્ટની જાહેરાત
વડા પ્રધાને ગુરુવાર રાતે જાહેરાત કર્યા પછી વહેલી સવારે જ દિલ્હી અને બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા ખાસ કોર્ટ નિયુક્ત કરવાની જાહેરાત કરી દેવામાં આવી
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ-અન્ડરરગ્રેજ્યુયેટ (NEET-UG) પેપર લીકની ઘટનાઓ સામે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે પ્રથમ વખત મોટું નિવેદન આપ્યું હતું. તેમણે પેપર-લીકના દોષીઓને ઝડપીને કડક સજા સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. વડા પ્રધાને સ્પષ્ટ કર્યું કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.
વડા પ્રધાનની આ જાહેરાતના કલાકોમાં જ દિલ્હી હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. કે. ઉપાધ્યાયે રાઉઝ ઍવન્યુ કોર્ટ સંકુલ ખાતે એક ખાસ ફાસ્ટ ટ્રૅક કોર્ટની રચના કરી દીધી હતી. NEET-UG પેપર-લીક સંબંધિત કેસોની ઝડપી સુનાવણી માટે વરિષ્ઠ જજ અનુ ગ્રોવર બાલિગાની આ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત બૉમ્બે હાઈ કોર્ટે પણ ઔરંગાબાદ અને નાગપુરમાં ખાસ કોર્ટ નિયુક્ત કરી છે.
પેપર-લીક બદલ ૧૦ કરોડ રૂપિયા સુધીનો દંડ, ૧૦ વર્ષ સુધીની સજા
કૅબિનેટે કડક બિલના મુસદ્દાને આપી મંજૂરી
દિલ્હીના જંતરમંતર ખાતે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના ચાલી રહેલા આંદોલન વચ્ચે કેન્દ્રીય કૅબિનેટે ઐતિહાસિક નિર્ણય લઈને પેપર-લીકવિરોધી કડક બિલના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) ઍક્ટ, 2024માં સુધારા મંજૂર કરવામાં આવ્યા છે.
આ નવા કડક કાયદા હેઠળ સ્પેશ્યલ ફાસ્ટ ટ્રૅક કોર્ટને કાનૂની મંજૂરી મળશે, જે માત્ર ૩ મહિનામાં તપાસ પૂરી કરીને ચુકાદો આપશે. પેપર-લીકના દોષીઓ સામે આકરી કાર્યવાહી કરતાં ૧૦ વર્ષની જેલ અને ૧૦ કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. વડા પ્રધાને સ્પષ્ટ કર્યું કે પેપર-લીક એ લાખો યુવાનોના ભવિષ્યનો પ્રશ્ન હોવાથી દોષીઓ સામે કોઈ પણ સંજોગોમાં આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ મુસદ્દો સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. વડા પ્રધાને સમગ્ર મામલે આકરાં પગલાં લેવા માટે તમામ સંબંધિત વિભાગોને અગાઉ જ સૂચના આપી દીધી હતી. ઉપરાંત કાયદો પણ કડક બનાવવા માટેની તૈયારીઓ મુસદ્દાને મંજૂરી આપીને આરંભી દીધી છે.
પેપર-લીક વિવાદ વચ્ચે શિક્ષણ વિભાગનો સપાટો : NTAના ૪૭ અધિકારીઓ ટર્મિનેટ, કાનૂની કાર્યવાહીની તૈયારી
દેશની શિક્ષણવ્યવસ્થા અને પરીક્ષા-પ્રણાલીમાં પારદર્શિતા લાવવા તરફ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મોટું કદમ ઉઠાવ્યું છે. શિક્ષણ-મંત્રાલયે NTAના ૪૭ અધિકારીઓની સેવાઓ તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દીધી છે. આ ઉપરાંત ગંભીર ગેરરીતિઓમાં સંકળાયેલા કેટલાક અધિકારીઓ સામે કાનૂની અને ગુનાહિત કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ આકરી કાર્યવાહી NTAમાં મોટા સુધારા અને જવાબદારી નક્કી કરવા માટે શરૂ કરાયેલા વ્યાપક અભિયાનનો એક ભાગ છે. મંત્રાલયનું કહેવું છે કે આગામી દિવસોમાં એજન્સીની કામગીરીને સુધારવા માટે વધુ કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર-લીક અને ગોટાળાના ગંભીર આરોપોને કારણે NTA સતત વિવાદોના ઘેરામાં રહી છે. આ પરિસ્થિતિમાં એજન્સીના સમગ્ર માળખા અને કાર્યપદ્ધતિમાં સંપૂર્ણ ફેરફારો કરવાની
પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શિક્ષણ-મંત્રાલયના મતે આ કાર્યવાહી NTAના સંપૂર્ણ કાયાકલ્પની દિશામાં એક મહત્ત્વનું પગલું છે જેથી દેશની
પરીક્ષા-પ્રણાલીને વધુ પારદર્શી, વિશ્વસનીય અને જવાબદાર બનાવી શકાય.
