મહિલાઓને સાંજ પછી પોલીસ-સ્ટેશનમાં રાખનાર પોલીસ અને ગૃહમંત્રાલયને નોટિસ મોકલવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
શિવાજી પાર્ક પોલીસ, માહિમ પોલીસ, અન્ય પોલીસ વિભાગો અને રાજ્યના ગૃહસચિવને પાંચ કલાકથી વધુ સમય સુધી સગીરોની અટકાયત કરવા માટે, સાંજે ૬ વાગ્યા પછી મહિલાઓને પોલીસ-સ્ટેશનમાં રાખવામાં આવી હોવા માટે અને ૨૦ જુલાઈએ દાદરમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા માટે કાયદાકીય નોટિસ મોકલવામાં આવી છે. માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA) એન્ટ્રન્સની પરીક્ષા આપી રહેલી બે વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઍડ્વોકેટ સાગર દેવરેએ જણાવ્યું હતું કે ‘પોલીસની કાર્યવાહીને કારણે વિદ્યાર્થીઓ ભારે ચિંતા અનુભવી રહ્યા છે. ફક્ત અટકાયત દ્વારા જ નહીં, તેમને સવારે ૩ વાગ્યે મેસેજ તેમ જ અધિકારીઓ તરફથી પોલીસ-સ્ટેશનમાં આવવા માટે કહેવામાં આવેલા ફોન પણ મળ્યા છે.’
સાગર દેવરેએ સમજાવ્યું હતું કે ‘નોટિસમાં ફક્ત બે વ્યક્તિનાં નામનો ઉલ્લેખ છે તેઓ અટકાયતમાં લેવામાં આવેલા તમામ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યાર સુધીમાં અનેક વિરોધીઓ સામે ૯ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા છે જેમાં દરેકમાં ૧૦ કે એથી વધુ લોકોનાં નામ છે. સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર FIR પોર્ટલ પર ૨૪ કલાકની અંદર અપલોડ કરવાની જરૂર છે જે કરવામાં આવ્યો નહોતો. સંબંધિત વિભાગોને અમારી કાનૂની નોટિસ મોકલવામાં આવ્યા પછી જ FIR અપલોડ કરવામાં આવ્યો હતો. વધુમાં અટકાયતમાં લેવાયેલા ઘણા લોકોને FIRની નકલ મળી નહોતી જે પણ સાચું નથી.’
