પોતાની જ્ઞાતિમાં ચાલતા કાનૂની વિવાદો, વકીલોની મસમોટી ફી, તેમની ઑફિસની બહાર કલાકો સુધી કરવો પડતો ઇન્તેજાર... આ બધાને પગલે મુલુંડના મનોજ કોટકે સમાજને મદદરૂપ થવા પોતે જ કાયદો ભણવાનો નિર્ધાર કર્યો અને A ગ્રેડ સાથે પાસ થયા
મનોજ કોટક
સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને દૃઢ મનોબળ હોય તો ઉંમર ક્યારેય આડે આવતી નથી. આ વાતને સાબિત કરી બતાવી છે મુલુંડ-વેસ્ટમાં રહેતા ૫૮ વર્ષના મનોજ કોટકે. તાજેતરમાં જાહેર થયેલા મુંબઈ યુનિવર્સિટીના બૅચલર ઑફ લૉઝ (LLB)ની પરીક્ષાના પરિણામમાં તેઓ A ગ્રેડ (ફર્સ્ટ ક્લાસ) મેળવીને સત્તાવાર રીતે ઍડ્વોકેટ બન્યા છે.
શા માટે કર્યો નિર્ધાર?
ADVERTISEMENT
સમાજની જે રૂમમાં અમારો જન્મ થયો, લગ્ન થયાં અને બાળકો આવ્યાં એ સમાજે અમને ઘણું આપ્યું છે; હવે મારો સમાજને પાછું આપવાનો વારો છે એમ જણાવતાં શ્રી કરાચી કચ્છી લોહાણા નારાયણસરોવરિયા અને લખપતિયા મહાજન જ્ઞાતિના અગ્રણી મનોજ કોટક ‘મિડ-ડે’ને કહે છે, ‘૪ વર્ષ પહેલાં હું મારા સમાજની સેવાની ભાવના સાથે સામાજિક કાર્યોમાં સક્રિય થયો હતો. એ સમયે જ્ઞાતિમાં અનેક કાનૂની વિવાદો ચાલી રહ્યા હતા. વકીલોની મસમોટી ફી પાછળ જ લાખો રૂપિયાનો જંગી ખર્ચ થઈ રહ્યો હતો. એટલું જ નહીં, વકીલોને મળવા માટે તેમની ઑફિસની બહાર કલાકો સુધી રાહ જોવી પડતી હતી. સમાજનો આ આર્થિક અને સમયનો બોજ જોઈને મેં પોતે જ વકીલ બનીને સમાજની સેવા કરવાનો અને સમય બચાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો.’
કોરોનાકાળની એ ઘટના
કૉર્પોરેટ ટ્રેઇનર, ડિજિટલ બિઝનેસ માર્ગદર્શક તરીકેનો વ્યવસાય ધરાવતા મનોજભાઈ કહે છે, ‘મારો જન્મ મુલુંડ-વેસ્ટના જે. એન. રોડ પર આવેલા કોઠારી નિવાસ બિલ્ડિંગમાં થયો હતો. ત્યાં જ મારાં લગ્ન થયાં અને દીકરાનો જન્મ પણ ત્યાં જ થયો હતો. જોકે પાછળથી પરિસ્થિતિ સુધરતાં હું મુલુંડના અન્ય વૈભવી વિસ્તારમાં રહેવા ગયો હતો. ૨૦૧૯માં કોરોનાકાળ દરમ્યાન BMCનો પ્રૉપર્ટી ટૅક્સ ન ભરાવાને કારણે કોઠારી નિવાસ બિલ્ડિંગને નોટિસ મળી હતી અને પાણીનું બિલ બાકી હોવાથી કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. મારી પણ ત્યાં એક રૂમ હોવાથી જ્ઞાતિના લોકો સહી લેવા અને મદદની અપીલ સાથે મારી પાસે આવ્યા હતા. કોરોનાકાળ હોવાથી મારી પાસે સમય હતો એટલે મેં આ કામ હાથમાં લીધું. તપાસ કરતાં જાણવા મળ્યું કે આશરે બાવન લાખ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ અને ૮ લાખ રૂપિયાનું પાણીનું બિલ બાકી હતાં. આગળ તપાસ કરતાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી કે જ્ઞાતિની એક ઑફિસ પાણીના ભાવે વેચી દેવાઈ હતી અને જમીનો પણ ખૂબ ઓછા ભાવે વેચવા કાઢવામાં આવી હતી. ટ્રસ્ટના ૧૪થી વધુ કેસ ચાલી રહ્યા હતા અને બૅન્ક-અકાઉન્ટ્સ પણ ફ્રીઝ થઈ ગયાં હતાં. દર મહિને ચાર-પાંચ
અલગ-અલગ વકીલોની ભારે ફી ચૂકવવી અશક્ય બની રહી હતી. કાયદામાં વ્યક્તિગત રીતે હાજર થવાનો વિકલ્પ હોવાથી મેં પોતે જ કાયદો શીખવાનું અને પોતાના ટ્રસ્ટ માટે લડવાનું શરૂ કર્યું હતું. મેં ટ્રસ્ટ સાથે ખોટું કરનાર વ્યક્તિને જેલમાં મોકલી, બૅન્ક-ખાતાં પર નિરીક્ષકનું નિયંત્રણ લાવી ટ્રસ્ટને ફરી સુરક્ષિત કર્યાં.’
૩ દિવસની તૈયારી અને CET પાસ
જૂન ૨૦૨૩માં એક મિત્રના ફોન દ્વારા મનોજ કોટકને ખબર પડી કે વકીલાત માટેની કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) યોજાવા જઈ રહી છે. મનોજભાઈ કહે છે, ‘એની આખરી તારીખને માત્ર ૩ દિવસ બાકી હતા. ત્યારે મેં કોઈ પણ સંજોગોમાં પરીક્ષા આપવાનું નક્કી કર્યું. ફૉર્મ ભરીને દિવસ-રાત એક કરીને મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્ચન (MCQ) ફૉર્મેટની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયાસે જ પાસ થઈ ગયો. ત્યાર બાદ ગુજરાતી માઇનોરિટી સર્ટિફિકેટના આધારે મને જુહુની પ્રખ્યાત અડિયા કૉલેજ ઑફ લૉમાં પ્રથમ વર્ષમાં ઍડ્મિશન મળ્યું હતું.’
AI બન્યું માર્ગદર્શક
૧૯૮૯માં BCom કર્યા બાદ વ્યવસાયમાં જોડાઈ જવાને કારણે મનોજભાઈએ ક્યારેય વિચાર્યું નહોતું કે ફરી ભણવું પડશે. તેઓ કહે છે, ‘કૉલેજનો સમય સવારે ૭.૩૦ વાગ્યાથી ૧૦.૩૦ વાગ્યાનો હોવાથી હું રોજ સવારે ૬ વાગ્યે ઘરેથી કાર લઈને નીકળતો અને બપોરે ૧૨.૩૦ વાગ્યે ઑફિસ જતો હતો. હાથથી લખવાનું વર્ષોથી બંધ થઈ ગયું હોવાથી શરૂઆતમાં ખૂબ જ પરેશાની થઈ હતી. કુલ ૬ સેમેસ્ટરમાંથી ૪ સેમેસ્ટરની પરીક્ષા કૉલેજમાં અને બે ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા અન્ય કૉલેજમાં લેવાઈ હતી. ડિજિટલ બિઝનેસ સાથે જોડાયેલો હોવાથી મને ટેક્નૉલૉજીનો સારો અનુભવ હતો. અભ્યાસ દરમ્યાન કાયદાની જટિલ બાબતોમાં હું જ્યાં પણ અટકતો ત્યાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) મારી મદદે આવતું. AIએ મારા જીવનમાં એક સાચા ગુરુ તરીકેની ભૂમિકા ભજવીને પરીક્ષા પાસ કરવામાં મોટી મદદ કરી છે. રોજ કૉલેજમાં જવું, પ્રોજેક્ટ્સ પૂરા કરવા તેમ જ પોલીસ-સ્ટેશન, કોર્ટ અને અન્ય લીગલ ઑફિસોની વિઝિટ કરવી જેવાં તમામ કાર્યો મેં કોઈ પણ આળસ વિના પૂરાં કર્યાં જેના પરિણામે શુક્રવારે આવેલા મુંબઈ યુનિવર્સિટીના રિઝલ્ટમાં હું A ગ્રેડ સાથે પાસ થયો છું.’
મનોજ કોટક : સરખા નામને કારણે સર્જાતી રમૂજી ગૂંચવણ
ઈશાન મુંબઈના સંસદસભ્ય રહી ચૂકેલા BJPના જાણીતા નેતા મનોજ કોટક સાથે નામની સમાનતા ધરાવતા મનોજ ભાઈલાલ કોટકે પોતાનો અનુભવ ‘મિડ-ડે’ સાથે શૅર કરતાં કહ્યું હતું કે ‘મનોજ કોટક અને મારું નામ બિલકુલ સરખું હોવાથી ઘણી વાર અમારા બન્નેના પરિચિતો ભારે મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. તેમના જન્મદિવસ નિમિત્તે કેટલાક લોકો ભૂલથી મને વૉટ્સઍપ પર મેસેજ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ મોકલે છે.’
એક ખૂબ જ મજાનો કિસ્સો યાદ કરતાં મનોજ ભાઈલાલ કોટકે ઉમેર્યું હતું કે ‘એક વાર મારી ઑફિસ પર BMCના કેટલાક અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા. તેમણે આવીને પૂછ્યું કે આ ઑફિસ કોની છે? ત્યારે મારા મૅનેજરે સહજતાથી જવાબ આપ્યો કે આ મનોજ કોટકની ઑફિસ છે. આ સાંભળતાં જ અધિકારીઓ (મને સંસદસભ્ય મનોજ કોટક સમજીને) ગભરાઈને ઊંધા પગે પાછા ફરી ગયા હતા. જોકે પાછળથી મેં પોતે જઈને આ આખી ગેરસમજ દૂર કરી દીધી હતી.’
હવે ચૅરિટી સંસ્થાઓને વિવાદોમાંથી બહાર લાવવાનું લક્ષ્ય
ગ્રેટર મુંબઈમાં ચૅરિટી-કમિશનરની ઑફિસની નિયમિત મુલાકાતો દરમ્યાન મને જાણવા મળ્યું કે ૫૦૦૦થી વધુ ચૅરિટી સંસ્થાઓ કાનૂની વિવાદોમાં ફસાયેલી છે, જેને કારણે એમની સામાજિક અને ચૅરિટી પ્રવૃત્તિઓ બંધ પડી છે. મારું માનવું છે કે જો એક પણ સંસ્થા વિવાદમાંથી બહાર આવે તો એ સમાજ માટે મોટી આવક ઊભી કરી શકે છે અને લોકોને મદદરૂપ થઈ શકે છે. હવે વકીલ બન્યા બાદ હું આવી ચૅરિટી સંસ્થાઓને વિવાદોમાંથી બહાર લાવવા પર મારું ધ્યાન કેન્દ્રિત કરીશ અને જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી સમાજ માટે નિઃસ્વાર્થભાવે કાર્ય કરતો રહીશ. - મનોજ કોટક
