Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > “ગંગા પર ચિકન બિરયાની ખાવી ગુનો નથી…”: SCના જજે 14 યુવકોની ધરપકડ શું કહ્યું?

“ગંગા પર ચિકન બિરયાની ખાવી ગુનો નથી…”: SCના જજે 14 યુવકોની ધરપકડ શું કહ્યું?

Published : 26 July, 2026 09:42 PM | Modified : 26 July, 2026 10:04 PM | IST | Varanasi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વારાણસીમાં ગંગા નદી પર બોટમાં ઇફ્તાર કરનારા 14 મુસ્લિમ યુવકોની ધરપકડ અને લાંબા સમય સુધી જેલમાં રાખવાના મામલે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુયાંએ સવાલ ઉઠાવ્યા. કહ્યું માત્ર ચિકન બિરયાની ખાવી કોઈ ગુનો નથી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તેમણે કહ્યું કે ગંગા નદી પર બેસીને ચિકન બિરયાની ખાવી કોઈ ગુનો નથી અને માત્ર આ કારણસર કોઈની ધરપકડ કરવી યોગ્ય નથી. શનિવારે ભોપાલની નૅશનલ લૉ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીમાં યોજાયેલા ચોથા જસ્ટિસ જી. પી. સિંહ સ્મૃતિ વ્યાખ્યાનમાં તેમણે આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. જસ્ટિસે આ ઘટનાના આધારે વ્યક્તિગત સ્વતંત્રતા, જામીન મળવામાં થતો વિલંબ અને દેશમાં અસહમતિ વ્યક્ત કરવાની ઘટતી જતી જગ્યાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી.

"ચિકન બિરયાની ખાવી ગુનો નથી, તો ત્રણ મહિના જેલમાં કેમ?"



વારાણસીની આ ઘટનાનો ઉલ્લેખ કરતાં જસ્ટિસ ઉજ્જલ ભુયાંએ પૂછ્યું કે આખરે આ યુવકોની ધરપકડ કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગંગા નદી પર બેસીને ચિકન બિરયાની ખાવા પર કોઈ કાયદો પ્રતિબંધ મૂકતો નથી. જ્યારે કોઈ ગુનો જ બનતો નથી, ત્યારે માત્ર આવી બાબત માટે લોકોને પકડીને ત્રણ મહિના સુધી જામીન વગર જેલમાં રાખવા કેવી રીતે યોગ્ય ગણાય? જસ્ટિસ ભુયાંએ ભારપૂર્વક કહ્યું કે કાયદાનો ઉપયોગ લોકોને સજા આપવા માટે નહીં, પરંતુ તેમના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે થવો જોઈએ. તેમણે એ પણ કહ્યું કે ધરપકડ એ સજા બની ન જવી જોઈએ અને વ્યક્તિગત સ્વતંત્રતાનું હંમેશાં રક્ષણ થવું જરૂરી છે.


ઇફ્તારની તસવીરો વાયરલ થતાં નોંધાયા અનેક ગુના

આ સમગ્ર મામલો માર્ચ 2026નો છે. વારાણસીમાં 14 મુસ્લિમ યુવકોએ ગંગા નદીમાં બોટ પર ઇફ્તારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે યુવકો સામે અનેક કલમો હેઠળ કેસ નોંધ્યા હતા. તેમના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો, પૂજાસ્થળને અપવિત્ર કરવાનો, જાહેરમાં અશાંતિ ફેલાવવાનો અને ગંગા નદીને પ્રદૂષિત કરવાનો આરોપ મૂકાયો હતો. આ ઉપરાંત બોટ પર બળજબરીથી કબજો કરવાનો ગંભીર આરોપ પણ તેમની સામે ઉમેરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેટલાક આરોપો એવા દાવા પર આધારિત હતા કે ઇફ્તાર દરમિયાન બચેલો ખોરાક ગંગા નદીમાં ફેંકવામાં આવ્યો હતો. આ કેસમાં 14 યુવકોને બે મહિનાથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. પછી અલ્હાબાદ હાઈ કોર્ટે તેમની જામીન અરજી સ્વીકારી અને તેમને રાહત આપી હતી.


"બંધારણીય અધિકારોનું રક્ષણ કરવું અદાલતોની જવાબદારી"

જસ્ટિસ ઉજ્જલ ભુયાંએ પોતાના વ્યાખ્યાન દરમિયાન આ કેસને ઉદાહરણ તરીકે રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે જામીન મળવામાં થતો વિલંબ, વિદ્યાર્થીઓ અને વિરોધ-પ્રદર્શન કરનારાઓની ધરપકડ જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. શાંતિપૂર્ણ રીતે પોતાના વિચારો વ્યક્ત કરવાનો અને બંધારણથી મળેલા અધિકારોનું રક્ષણ થવું ખૂબ જ જરૂરી છે. તેમણે ફોજદારી ન્યાય પ્રણાલીમાં એકસરખો અભિગમ અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે એવા એક બીજા કેસનો પણ સંકેત આપ્યો, જેમાં કેટલાક બિન-મુસ્લિમ લોકો પર ગંગા કિનારે દારૂ પીવાનો અને ચિકન બનાવવાનો આરોપ હતો, પરંતુ તેમને ઝડપથી જામીન મળી ગયા હતા. જસ્ટિસ ભુયાંએ કહ્યું કે ગંગા નદીને પ્રદૂષિત કરવી કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપોની તપાસ અદાલત જરૂર કરશે. પરંતુ માત્ર બોટમાં બેસીને ચિકન બિરયાની ખાધી હોવાના આધારે કોઈને લાંબા સમય સુધી જેલમાં રાખવું યોગ્ય નથી.

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2026 10:04 PM IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK