ફરિયાદ મુજબ આ ઘટના પચીસમી જુલાઈએ સવાર ૯ વાગ્યે મસ્જીદ સ્ટેશન પર બની હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સેન્ટ્રલ રેલવેના પ્રવાસી સચિન મૌર્ય દ્વારા ટ્રેનમાં ટિકિટ કલેક્ટર (TC)એ ટિકિટ વગરના એક મુસાફરને લાત મારીને ટ્રેનમાંથી બહાર ફેંક્યો હોવાનો આરોપ કરીને પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ આ ઘટના પચીસમી જુલાઈએ સવાર ૯ વાગ્યે મસ્જીદ સ્ટેશન પર બની હતી. સચિન મૌર્ય ટ્રેનમાંથી ઊતરી રહ્યો હતો ત્યારે TC ટિકિટ વગર પ્રવાસ કરી રહેલા એક પ્રવાસી સાથે ઝઘડો કરી રહ્યો હતો. તે પ્રવાસી પાસે દંડની રકમ ભરવા પૂરતા પૈસા નહોતા એવું જણાઈ આવતાં TCએ તેને ચાલુ ગાડીમાંથી લાત મારીને બહાર ધકેલી દીધો હતો. એથી તે પ્રવાસી સીધો ટ્રૅક પર પટકાયો હતો. એ પછી સચિન મૌર્યએ ૯.૨૬ વાગ્યે રેલવેની હેલ્પલાઇન ૧૫૧૨ પર પણ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
રેલવેએ આરોપો નકાર્યા
સેન્ટ્રલ રેલવેએ સચિન મૌર્યના આ આરોપો ફગાવી દીધા છે. રેલવેના કહેવા મુજબ એ ખુદાબક્ષ પ્રવાસીએ TCને જોતાં જ ડબ્બાની બીજી બાજુ જઈને જાતે જ તેનાથી બચવા ટ્રૅક પર ઝંપલાવી દીધું હતું. એ પછી તરત જ TC પણ તેની પાછળ ઊતર્યો હતો. રેલવેનું કહેવું છે કે ભાયખલા રેલવે પ્રોટેક્શન ફોર્સના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં જણાઈ આવ્યા મુજબ TC ડબ્બામાં ચડી રહેલો દેખાય છે, પણ તેણે પ્રવાસી સાથે મારઝૂડ કરી હોવાના કે ધક્કો માર્યો એવા કોઈ પુરાવા નથી. વળી TC ચારથી પાંચ જ સેકન્ડમાં ડબ્બામાં ચડીને પાછો ઊતરે છે. આટલા ઓછા સમયમાં ટ્રેનમાં ચડી પ્રવાસી સાથે મારઝૂડ કરીને ફરી પાછા નીચે ઊતરવું શક્ય નથી એવો દાવો રેલવેએ કર્યો છે.
