લાંબા ગાળાની ગ્રોથ સ્ટોરીની આશા અકબંધ
ગયા શનિવારે જીઝાનમાં સાઉદી અરામકો રિફાઇનરી પર હુમલા પછી ધુમાડાનાં વાદળો ઊડતાં દેખાય છે. યમનના ઈરાન સમર્થિત બળવાખોરોએ સાઉદી અરેબિયા પર મિસાઇલ હુમલો કરવાનો દાવો કર્યો હતો.
શૅરબજાર ફરી વાર ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધના તનાવમાં ઘેરાયું છે. ગ્લોબલ પરિબળો અને સંકેતો પુનઃ નકારાત્મક અસર કરી રહ્યાં છે જેમાં ભારત માટે સૌથી મુખ્ય પરિબળ ક્રૂડનું છે જે અર્થતંત્રની વૃદ્ધિમાં અવરોધ બની રહ્યું છે. લાંબા ગાળાની આશા વચ્ચે અત્યારની નિરાશામાંથી પસાર થવું પડશે.
આપણે ગયા વખતની ચર્ચામાં જ સવાલ ઉઠાવ્યો હતો કે યુદ્ધ પૂરું થઈ ગયું છે એમ પાકે પાયે કહી શકાય? ત્યારે પણ આપણે જવાબમાં ના લખ્યું હતું અને નથી થયું એવું માન્યું હતું જેને આ વીતેલા સપ્તાહમાં મજબૂત સમર્થન મળ્યું. નેગેટિવ ગ્લોબલ પરિબળો પાછાં કામે લાગી ગયાં છે અને બજાર અગાઉની જેમ જ ઘટવા લાગ્યું છે. રોકાણકાર વર્ગ કન્ફયુઝ ન થાય તો જ નવાઈ. બીજી બાજુ લાંબા ગાળાના વિકાસની આશા અને અનુમાન પણ વ્યક્ત થતાં રહે છે. આમ બજારની નેગેટિવ અને પૉઝિટિવ બન્ને બાજુને સમજવી જરૂરી છે.
ADVERTISEMENT
પૉઝિટિવ વાત સાથે આરંભ કરીએ તો મજબૂત ગ્રોથ સ્ટોરીને આધારે ભારતીય માર્કેટ આકર્ષક અને અગ્રતાની માર્કેટ બનતી જાય છે, ખાસ કરીને ગ્લોબલ પરિપ્રેક્ષ્યમાં પણ ભારતનું મહત્ત્વ વધી રહ્યું છે, આ શબ્દો ગ્લોબલ રોકાણ સંસ્થા J. P. મૉર્ગનના ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગના કો-હેડ કેવિન ફોલેના છે. આ જ પ્રકારનું નિવેદન અન્ય વૈશ્વિક રોકાણ સંસ્થા ગોલ્ડમૅન સાક્સે પણ કર્યું છે. ભારતીય અર્થતંત્રના વિકાસ માટે ઊંચો આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું છે કે વર્તમાન તમામ સમસ્યા વચ્ચે પણ ભારતની લૉન્ગ ટર્મ ગ્રોથ સ્ટોરી અકબંધ છે. આ બન્ને સંસ્થાઓના મતે ગ્લોબલ અનિશ્ચિતતા, વૅલ્યુએશનની ચિંતા અને બહાર જતાં વિદેશી રોકાણપ્રવાહ છતાં લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ભારત હજી પણ બહેતર બજાર છે. અલબત્ત, ક્રૂડના ઊંચા ભાવ ટૂંકા ગાળાનું જોખમ છે તેમ જ સપ્લાયની સંભવિત સમસ્યા પણ ગણતરીમાં લેવી પડે. તેમ છતાં, લંબા ગાળાનું ચિત્ર ઊજળું રહેવાની આશા ઊંચી છે.
ક્રૂડની ચિંતા સૌથી વધુ
શું ભારતીય માર્કેટ ઓવર વૅલ્યુડ છે? એવા સવાલના જવાબમાં નિષ્ણાતો કહે છે, ભારતીય બજાર નોંધપાત્ર કરેક્શન કરી ચૂક્યું છે. અત્યારે તીવ્ર ચિંતા ક્રૂડ ઑઇલની છે જેની અસર ગંભીર રહે છે. એનું કારણ એ છે કે ભારત વિશ્વનું સૌથી મોટું ક્રૂડ આયાતકાર છે. જોકે અગાઉ કરતાં ભારત આ ભાવોનો બોજ ઊંચકી શકે છે, પરંતુ અેને વધુ સમસ્યા સપ્લાય સ્ટૉકની છે. ભારત અન્ય માર્ગ પણ ઊભા કરતું જાય છે. વિદેશી રોકાણપ્રવાહ બહાર જતો ઓછો થયો છે અને ધીમો પણ પડ્યો છે. અગાઉ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ અન્ય બજારો તરફ ખેંચાતા ગયા હતા જે ભારત તરફ પુનઃ દૃષ્ટિ કરતા થયા છે. રૂપિયો પણ સ્થિર થવા તરફ વળી રહ્યો છે. આમ હવે પછીના સમયમાં વિદેશી રોકાણપ્રવાહ આવતો થવાની શક્યતા ઊંચી થતી જાય છે.
નોંધનીય વાત એ છે કે ભારતના વિકાસદર માટે આશાવાદ ઊંચો છે અને જે રીતે મૂડીબજાર ગહન તેમ જ વ્યાપક થતું જાય છે તેમ જ કૉર્પોરેટ સેક્ટર વિસ્તરતું જાય છે, તેને ધ્યાનમાં રાખતાં ગ્લોબલ રોકાણકારો ભારત તરફ પાછા ખેચાય એ સહજ છે. ભારતીય રીટેલ અને મોટા રોકાણકારો પણ આ સમજ વિકસાવતા રહ્યા છે જેથી એક યા બીજા માર્ગે ભારતીય સ્ટૉક્સને વધુ પસંદ કરે છે. જોકે આ મામલે સિલેક્શનમાં વધુ સ્માર્ટ બનવું જરૂરી હોવાનું નિષ્ણાતો માને છે.
માર્કેટને કરેક્શનનાં મળેલાં કારણો
નેગેટિવ પરિબળોની વાત તરફ વળીએ તો ગયા સોમવારે અમેરિકા-ઈરાન યુદ્ધ પ્રકરણ તનાવવાળું રહેતાં બજારે કરેક્શન સાથે આરંભ કર્યો હતો. આ તનાવ વધતાં મંગળવારે અને બુધવારે પણ બજાર કરેક્શન મોડમાં જ રહ્યું. આ પ્રકરણ જાણે નવેસરથી શરૂ થયું હોય એવો ઘાટ બનતો જાય છે. સમજૂતી કે વાટાઘાટની વાત બાજુએ મૂકી બન્ને દેશો ફરી લડી લેવાના મૂડમાં હોય એવું વલણ દર્શાવી રહ્યા છે જેની અસરે ક્રૂડના ભાવ ફરી વધવા લાગ્યા, રૂપિયો ફરી ઘટવા લાગ્યો, વૉલિટિલિટી ઈન્ડેક્સ પુનઃ વધવા લાગ્યો. આમ ઓવરઑલ ગ્લોબલ અનિશ્ચિતતા વધતાં બજારનું સેન્ટિમેન્ટ બગડતું ગયું. ગુરુવારે પણ ક્રૂડ અને ગ્લોબલ નબળાઈને કારણે ભારતીય બજારમાં વધુ ગાબડું પડ્યું હતું. શુક્રવારે બજારે કડાકા ચાલુ રાખ્યા હતા, પરંતુ બંધ થતાં પહેલાં રિકવરી તરફ વળ્યું છતાં નેગેટિવ રહ્યું હતું. ક્રૂડના ભાવ બજાર માટે ક્રૂર થયા છે, જ્યારે કે ફૉરેન ઇન્વેસ્ટર્સ ફરી નેટ સેલર્સ બન્યા છે. ટ્રમ્પના ટૅરિફ મુદ્દા મૂંઝવણો સર્જી રહ્યા છે. બીજી બાજુ વૈશ્વિક નિરાશા-નબળાઈ પણ માર્કેટ કરેક્શન માટે કારણ બનતી રહી છે. બજાર ન ઘટે-ન તૂટે તો જ નવાઈ. ભાવિ લૉન્ગ ટર્મ સ્ટોરી સારી હોવાના દાવા કે આશા સામે હાલ તો વર્તમાન ધૂંધળું બનતું જણાય છે. જોકે નિષ્ણાતો આને ખરીદીની તક માને છે અને સિલેક્ટિવ સ્ટૉક્સ જમા કરતા રહેવાની સલાહ આપે છે, બાકી આ સલાહથી સહમત ન હોય તેઓ મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ તો અપનાવી જ શકે છે. નવા સપ્તાહમાં વૅલ્યુ બાઇંગ આવી શકે. દરમ્યાન IPOની કતાર ચાલુ હોવાથી રોકાણપ્રવાહ એ તરફ પણ જઈ રહ્યો છે.
મહત્ત્વના આર્થિક સમાચાર - સંકેત
નિયમન તંત્ર સેબી કૅશ માર્કેટના ટ્રેડર્સને રાહત થાય એવું પગલું વિચારે છે જેમાં ટ્રેડરે અપફ્રન્ટ માર્જિન ઓછું ભરવું પડે એવી સુવિધા હશે.
સેબી સ્મૉલ અૅન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME)ના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) સંબંધી નવા નિયમો લાવવાની તૈયારી કરી રહ્યું છે.
વિખ્યાત ઇન્વેસ્ટર રમેશ દામાણીએ ૨૦૨૬માં નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સિયલ કંપનીઝ (NBFC) સ્ટૉક્સમાં બે ટકા સ્ટેક લીધો હોવાની બજારમાં ચર્ચા છે. આ સ્ટૉક્સમાં ૧૭ ટકાનો ઘટાડો નોંધાયો છે, જેને ધ્યાનમાં રાખી આ ખરીદી થઈ હોવાનું સમજાય છે.
ગ્લોબલ ઇન્વેસ્મેન્ટ સંસ્થા J.P. મૉર્ગન ભારતમાં ૧૦૦૦ કર્મચારીઓની નિમણૂક કરવાનું પ્લાનિંગ ધરાવે છે.
હાલમાં અમેરિકા-ઈરાન વિવાદ-સંવાદ પર તેમ જ ટ્રમ્પના ટૅરિફ વિશેનાં નિવેદનો પર સતત નજર રાખવી જોઈશે.
