Mumbai Rains: હવામાન વિભાગ દ્વારા મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે આખા દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા છે
ફાઇલ તસવીર
આજે શુક્રવારે ફરી એકવાર મેઘરાજાએ મુંબઈને ઘમરોળ્યું (Mumbai Rains) છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ની આગાહી મુજબ આજે સમગ્ર શહેર અને ઉપનગરોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. દિવસ દરમિયાન સામાન્ય રીતે આકાશ વાદળછાયું રહેવાનું છે. આજે હવામાન વિભાગ દ્વારા મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે આખા દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં તો સવારથી જ પાણી ભરાઈ જવાની શરુઆત થઇ ગઈ છે.
મુંબઈ અને ઉપનગરોના આજે સવારે 8થી 9 વાગ્યાની વચ્ચે ભારે વરસાદ ખાબક્યો (Mumbai Rains) હતો. જેમાં પશ્ચિમી ઉપનગરોમાં 35 મીમીથી વધુનો વરસાદ નોંધાયો છે. બીએમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે આગામી બે કલાક માટે શહેરમાં ભારે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
આજે સવારે 8થી 9 વાગ્યાની વચ્ચે નોંધાયેલા વરસાદના આંકડા પ્રાપ્ત થયા છે. સૌથી વધુ વરસાદ પશ્ચિમી ઉપનગરોમાં નોંધાયો હતો. અંધેરીમાં માત્ર એક જ કલાકમાં 36 મીમી વરસાદ ખાબક્યો છે. કેડબલ્યુ વોર્ડ વિસ્તારમાં 30 મીમી અને કેઈ વોર્ડ વિસ્તારમાં 29 મીમી વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારો જેમ કે ચકાલા મ્યુનિસિપલ સ્કૂલ પાસે 28 એમએમ, ગોરેગાંવની આરે કોલોની સ્કૂલ પાસે 27 એમએમ અને જોગેશ્વરીની એચબીટી સ્કૂલ વિસ્તારમાં 26 એમએમ વરસાદ થયો હતો.
પૂર્વીય ઉપનગરોની વાત કરવામાં આવે તો ભાંડુપની ટેમ્બીપાડા શાળા વિસ્તારમાં 24 મીમી, એમસીએમસીઆર પવઈ વિસ્તારમાં 22 મીમી અને વીર સાવરકર માર્ગ શાળા પરિસરમાં 21 મીમી વરસાદ ખાબક્યો છે. વિક્રોલી, વિહાર તળાવ અને ટાગોર નગર જેવા અન્ય કેટલાક સ્થળોએ આ જ સમયગાળા દરમિયાન 18થી 20 મીમી વરસાદ (Mumbai Rains) નોંધાયો હતો.
અંધેરી સબવે ફરી બંધ!
આજે સવારે જ થયેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. હાલ મુંબઈમાં ઠેર ઠેર ભરાઈ ગયેલા પાણીના નિકાલ માટે પચાસથી વધુ પંપ મૂકવામાં આવ્યા છે.
દરમિયાન, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં તળાવોમાં પાણીનું સ્તર ભારે વરસાદને પગલે વધ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના આંકડા અનુસાર શહેરને પાણી પૂરું પાડી રહેલાં સાત જળાશયોમાં સંયુક્ત સ્ટોક હવે 87.21 ટકા થયો છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એક સ્થળે વૃક્ષ ધરાશાયી થયું હોવાની પણ જાણકારી આપી છે. જેમાં કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી. ભારે વરસાદ હોવા છતાં તાજેતરના સત્તાવાર અપડેટ્સ મુજબ રેલવે સેવાઓ અને બેસ્ટ બસોની કામગીરી સામાન્ય રીતે ચાલુ રહી હતી.
આ સાથે જ જણાવી દઈએ કે મુંબઈ, નવી મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. પાલઘર માટે યલો એલર્ટ (Mumbai Rains) જારી કરાયું છે.


