Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોટી પ્રાઇવેટ હૉસ્પિટલોના સામાન્ય કોવિડ દરદીઓને હોટેલમાં ખસેડાશે

મોટી પ્રાઇવેટ હૉસ્પિટલોના સામાન્ય કોવિડ દરદીઓને હોટેલમાં ખસેડાશે

16 April, 2021 08:56 AM IST | Mumbai
Prakash Bambhroliya | prakash.bambhroliya@mid-day.com

મુંબઈ મહાનગરપાલિકાએ કોવિડના ગંભીર દરદીઓને તાત્કાલિક બેડ મળી રહે એ માટે પ્રાઇવેટ હૉસ્પિટલોના દરદીઓને નજીકમાં આવેલી ફોર કે પછી ફાઇવસ્ટાર હોટેલમાં શિફ્ટ કરવાની સ્ટેપડાઉન ફૅસિલિટી શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં કોરોનાના દરદીઓને પ્રશાસન દ્વારા સંચાલિત કે પ્રાઇવેટ હૉસ્પિટલમાં બેડ મેળવવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ જે દરદીઓની તબિયતમાં સુધારો થયો હોય એવા દરદીઓને હૉસ્પિટલમાંથી હોટેલમાં શિફ્ટ કરવા માટેની સ્ટેપડાઉન ફૅસિલિટીની શરૂઆત કરી છે. આ દરદીઓને ફોર કે ફાઇવસ્ટાર હૉસ્પિટલમાં શિફ્ટ કરવા માટેનો ખર્ચ હૉસ્પિટલ પેશન્ટ પાસેથી લેશે. આ માટે પાલિકાએ દરરોજ બેડદીઠ ૪૦૦૦ રૂપિયા ચાર્જની લિમિટ નક્કી કરી છે. પાલિકા અને મોટી પ્રાઇવેટ હૉસ્પિટલ નજીકની ઓછામાં ઓછી ૨૦ રૂમ હોય એવી હોટેલો સાથે ટાઇ-અપ કરીને ૨૪ કલાક ડૉક્ટરની સુવિધા પૂરી પાડશે.

મુંબઈમાં મોટા પ્રમાણમાં દરદીઓ પ્રશાસન સંચાલિત અને પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. એને લીધે જેમને સારવારની અત્યંત જરૂર છે એવા પેશન્ટોને બેડ મળતા ન હોવાની અનેક ફરિયાદ મળતાં મુંબઈ મહાનગરપાલિકાએ મોટી પ્રાઇવેટ હૉસ્પિટલમાં જરૂરી ન હોવા છતાં બેડ રોકીને ઍડ્મિટ દરદીઓને ફોર કે ફાઇવસ્ટાર હોટેલમાં શિફ્ટ કરવા માટેની સ્ટેપડાઉન ફૅસિલિટીની યોજના બનાવી છે.



મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ગઈ કાલે જાહેર કરેલા સ્ટેપડાઉન ફૅસિલિટીના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ‘છેલ્લા કેટલાક સમયથી કોરોનાના ગંભીર દરદીઓને બેડ મેળવવામાં પડી રહેલી મુશ્કેલી માટે કેટલીક મોટી પ્રાઇવેટ હૉસ્પિટલમાં વધુ સારવારની જરૂર ન હોવા છતાં ઍડ્મિટ થયેલા દરદીઓ જવાબદાર છે. આવા દરદીઓને જે-તે હૉસ્પિટલ નજીકની ફોર કે ફાઇવસ્ટાર હોટેલમાં શિફ્ટ કરાય તો થોડા બેડ ઉપલબ્ધ કરાવી શકાય છે. કોરોનાનાં સામાન્ય લક્ષણો કે જે દરદીઓને ત્રણ-ચાર દિવસથી તાવ ન આવ્યો હોય એવા દરદીને શિફ્ટ કરી શકાય છે કે કેમ એ દરેક મોટી પ્રાઇવેટ હૉસ્પિટલે ચેક કરીને રિપોર્ટ આપવો.’


બેડ મળવાની સાથે હોટેલોને લાભ

સ્ટેપડાઉન ફૅસિલિટીથી કોરોનાના ગંભીર પેશન્ટોને બેડ ઉપલબ્ધ થશે. એની સાથે જે-તે હૉસ્પિટલ સાથે ટાઇ-અપ કરનારી હોટેલોને પણ ફાયદો થશે. કોરોનાને લીધે હોટેલોનો ધંધો બંધ છે ત્યારે તેમને પેશન્ટના રૂપમાં કસ્ટમરો મળશે તો તેમને થોડી આવક થશે. પેશન્ટદીઠ નક્કી કરેલા બેડ કે રૂમના ચાર્જ ઉપરાંત દરદી કે તેની સાથેના રિલેટિવની જમવાની વ્યવસ્થા પણ હોટેલે કરવાની હોવાથી એને ફૂડ-સર્વિસ દ્વારા વધારાની ઇન્કમ પણ થશે.


બે હૉસ્પિટલે ટાઇ-અપ કર્યું

પાલિકાએ આપેલી માહિતી મુજબ બૉમ્બે હૉસ્પિટલે મરીન ડ્રાઇવમાં આવેલી ઇન્ટર-કૉન્ટિનેન્ટલ હોટેલ સાથે ટાઇ-અપ કર્યું છે. અહીં બે ટ્વિન શૅરિંગ રૂમ સાથે કુલ ૨૨ બેડ છે. આવી જ રીતે એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલે બીકેસીમાં આવેલી હોટેલ ટ્રાઇડન્ટ સાથે ટાઇ-અપ કર્યું છે. અહીં ૨૦ બેડની સુવિધા છે. અત્યારે બે હૉસ્પિટલે આ બે હોટેલ સાથે સ્ટેપડાઉન ફૅસિલિટી મુજબ ટાઇ-અપ કર્યું છે. ટૂંક સમયમાં આવાં વધુ ટાઇ-અપ થવાની શક્યતા પાલિકાએ વ્યક્ત કરી છે.

શનિવારે વધુ બેડ ઉપલબ્ધ થશે

જસલોક હૉસ્પિટલમાં વધુ ૨૫૦ કોવિડ બેડ ઉપલબ્ધ કરાવાશે, જેમાં ૪૦ આઇસીયુના બેડ હશે. ઑનલાઇન આ બેડ શનિવારે સવારથી બુક કરાવી શકાશે. સેવનહિલ્સ હૉસ્પિટલમાં ગઈ કાલે ૩૦ વધુ આઇસીયુ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. આ સિવાય આગામી એક અઠવાડિયામાં ઑક્સિજનની સુવિધાવાળા ૧૫૦૦ બેડ નેસ્કો જમ્બો સેન્ટરમાં ઉમેરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2021 08:56 AM IST | Mumbai | Prakash Bambhroliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK