વિરારની આ લૂંટારુ ટોળકીમાંથી મમ્મી અને ગુજરાતી પરિવારમાં પરણેલી દીકરીની ધરપકડ, વહુ ફરાર
માર્કેટમાં ચોરી કરતી વખતે મા-દીકરી અને પુત્રવધૂની તસવીર CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી
દહિસર પોલીસે ઝીણવટભરી અને લાંબી તપાસ કરીને માર્કેટમાં અને દુકાનોમાં ગિરદીના સમયે મહિલાઓના પર્સમાંથી રોકડ અને દાગીના ચોરી લેતી બે મહિલાઓને ઝડપી લીધી છે. નવાઈની વાત એ છે કે તે બન્ને મા-દીકરી છે અને ત્રીજી જેની શોધ ચાલી રહી છે તે પૂત્રવધૂ છે.
પોલીસ-સૂત્રોના જણાવ્યા અનુસાર ચોરીની ઘટના એપ્રિલમાં બની હતી. જોકે એની ઝીણવટભરી અને લાંબી તપાસ કર્યા બાદ આ કેસ ઉકેલાયો હતો. મીરા રોડમાં રહેતી ૪૫ વર્ષની વૈશાલી સતીશ ચવ્હાણે ૧૦ એપ્રિલે દહિસર પોલીસ-સ્ટેશનમાં કરેલી ફરિયાદ અનુસાર ૯ એપ્રિલે રાતે તે દહિસર-ઈસ્ટના ભરૂચા રોડ પરની એક સાડીની દુકાન પાસે હતી ત્યારે ત્રણ મહિલાઓએ તેની આજુબાજુ ગિરદી કરીને તેનું પર્સ ચોરી લીધું હતું. એમાં ૧૮,૦૦૦ રૂપિયા રોકડા અને તેનું આધાર કાર્ડ હતાં.
ADVERTISEMENT
દહિસર પોલીસે આ કેસની તપાસ ચાલુ કરી હતી. જ્યાં ચોરી થઈ હતી એ જગ્યાના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મળ્યાં હતાં, જેમાં તેમના ચહેરા દેખાઈ રહ્યા હતા. એ ફોટો અન્ય પોલીસ-સ્ટેશનમાં મોકલાતાં જાણ થઈ કે આ ત્રણેય રીઢી ચોર છે અને આ પહેલાં પણ તેમની સામે આ જ પ્રકારના ગુના નોંધાયા છે. એથી તેમના વિશે માહિતી મેળવીને તેમના કૉલ-રેકૉર્ડ કાઢવામાં આવ્યા. તે ત્રણેય વિરારમાં રહેતી હોવાનું કન્ફર્મ થતાં પોલીસે ત્યાં જઈને તપાસ કરી તો તેઓ ત્યાં નહોતી. એ પછી પોલીસે તેમના મોબાઇલ નંબર ટ્રૅકિંગ પર મૂકી દીધા. ગયા અઠવાડિયે ફરી એ નંબર ઍક્ટિવેટ થયા હતા અને તેમનું લોકેશન વિરાર આવી રહ્યું હતું એથી વિરાર જઈને તેમની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલી મહિલાઓમાં ૪૫ વર્ષની સુશીલા રાજુ શિંદે અને તેની ૨૪ વર્ષની દીકરી દામિની નિમેશ શાહનો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજી મહિલા સુશીલાની પુત્રવધૂ હોવાનું જણાઈ આવ્યું છે અને તે હાલ નાસતી ફરી રહી છે. દહિસર પોલીસે તેમની પાસેથી ૧૨,૦૦૦ રૂપિયા રિકવર કર્યા છે.

મહિનાઓ પછી મોબાઇલનું લોકેશન વિરારમાં દેખાતાં પોલીસે સમય ગુમાવ્યા વગર વિરાર જઈને ધરપકડ કરી
દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સર્જેરાવ પાટીલે આ કેસ બદલ માહિતી આપતાં કહ્યું હતું કે ‘તપાસ દરમ્યાન એવું જણાઈ આવ્યું હતું કે આ મહિલાઓ પર આ પહેલાં પણ મુંબઈમાં અને પાલઘર જિલ્લામાં કેસ નોંધાયા હતા. આ મહિલાઓની ચોરી કરવાની એક ખાસ ટ્રિક હતી. તેઓ ગિરદીવાળા સમયે દુકાનોમાં અને માર્કેટમાં પહેલાં પોતાનો શિકાર નક્કી કરી લેતી અને ત્યાર બાદ શિકારની આજુબાજુમાં ગોઠવાઈ જઈ તેનું ધ્યાન બીજે દોરી સિફતથી પર્સ કે દાગીના પડાવી લેતી હતી.’


