સાસરિયે આવેલા જમાઈને ગાડીમાં રોકડની બૅગ મૂકીને જવાનું ભારે પડ્યું
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-વેસ્ટની ચીકુવાડીમાં સોની પાર્ક સોસાયટી નજીક ગરબા રમવા આવેલા ૩૩ વર્ષના ગુજરાતી વેપારીની કારમાંથી ચોરી કરવાનો કિસ્સો બહાર આવ્યો છે. કારની વિન્ડોના કાચ તોડીને ગઠિયાઓ ૪૫,૫૦૦ રૂપિયાની રોકડ સેરવી ગયા હોવાની ફરિયાદ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં શુક્રવારે નોંધાઈ હતી. કાલબાદેવીમાં સાડીની દુકાન ધરાવતા અને બોરીવલી-વેસ્ટના ગોરાઈ રોડ પર રહેતા ગુજરાતી વેપારી તેમના સસરાની સોસાયટીમાં ગરબાના કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. ગુરુવારે રાતે તેઓ ગરબા રમીને પાછા આવ્યા હતા ત્યારે ડ્રાઇવરની બાજુની સીટનો કાચ તૂટેલો હતો. કાચ તોડીને કોઈ ગાડીમાં રહેલા રૂપિયા ચોરી કરી ગયું હોવાની જાણ તેમને થઈ હતી.
બોરીવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસ ચોરીની આ ઘટના બની હતી. ૈઆ ઘટનાની જાણ અમને કરવામાં આવતાં આ મામલે ચોરીની ફરિયાદ નોંધીને અમે વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવમાં નજીકના વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજના આધારે વધુ તપાસ કરી રહ્યા છીએ.’


