જૈન સમુદાયની લાંબા સમયથી ચાલી આવતી માગણી વિધાનસભ્ય મિહિર કોટેચાના પ્રયાસથી પૂરી થઈ
રાજા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ નજીક તૈયાર કરવામાં આવેલો શ્રી નવકાર મહામંત્ર ચોક.
મુલુંડ-વેસ્ટના સર્વોદયનગરમાં રાજા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ નજીક શ્રી નવકાર મહામંત્ર ચોકનું ઉદ્ઘાટન આજે સવારે જૈન સમુદાયના સાધુભગવંતો અને નાગરિકોની હાજરીમાં કરવામાં આવશે. મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાના પ્રયાસને કારણે મુલુંડમાં જૈન સમુદાયની લાંબા સમયથી ચાલી આવતી માગણી પૂરી થઈ રહી છે.
શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ દીપક ગોસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડમાં જૈન સમુદાય માટે શ્રી નવકાર મહામંત્ર ચોકનું નામકરણ એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ છે. આ ચોક જૈન ધર્મનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવામાં અને સમુદાયના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં મદદ કરશે. મુલુંડ જૈન સમુદાયે આ કાર્યક્રમ માટે વ્યાપક તૈયારીઓ કરી છે. શ્રી મુલુંડ જૈન સંઘ અને શ્રી મુલુંડ ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સંઘ જેવાં જૈન સંગઠનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સખત મહેનત કરી છે. મુલુંડમાં આશરે ૨૫ ટકાથી વધારે નાગરિકો જૈન સમુદાયના રહે છે. અમારી વર્ષોથી માગણી હતી કે મુલુંડના એક ચોકનું નામ શ્રી નવકાર મહામંત્ર રાખવામાં આવે. અમારી માગણીને વિધાનસભ્ય મિહિર કોટેચાએ વાચા આપી સતત એના પર કામ કરીને એ પૂરી કરી છે જેના માટે અમારો જૈન સમાજ તેમનો ઋણી રહેશે. આજે સવારે સાડાનવ વાગ્યે ચોકના ઉદ્ઘાટન બાદ શ્રી નવકારશીની વ્યવસ્થા કરવામાં આવી છે.’
ADVERTISEMENT
મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૯ એપ્રિલે વિશ્વ શ્રી નવકાર મહામંત્ર દિવસે ભારતમાં વિવિધ જગ્યાએ શ્રી નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. એના ભાગરૂપે મુલુંડના કાલિદાસમાં પણ શ્રી નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં પધારેલા મોટી સંખ્યામાં જૈન સમાજના નાગરિકો દ્વારા મુલુંડના કોઈ એક ચોકનું નામ શ્રી નવકાર મહામંત્ર રાખવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. આ માગણીને ધ્યાનમાં રાખીને મુલુંડ તેમ જ મુંબઈના જૈન સમાજના નાગરિકોની ભાવનાને માન આપીને મેં મારા પ્રયાસ શરૂ કરી દીધા હતા. સતત પ્રયાસો બાદ BMCએ મુલુંડના અગત્યના રસ્તા પરના ચોકને શ્રી નવકાર મહામંત્ર ચોક નામ આપવાનું નક્કી કર્યું હતું. આજે જૈન સમાજના નાગરિકોની વચ્ચે આ ચોકનું ઉદ્ઘાટન કરવામાં આવશે.’


