જોકે હજી નોટો માન્ય છે, જમા કરાવી શકો છો
૨૦૦૦ રૂપિયાની નોટ
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ જાહેર કરેલા આંકડા મુજબ ચલણમાંથી પાછી ખેંચવામાં આવેલી ૨૦૦૦ રૂપિયાની લગભગ ૯૮ ટકા નોટો બૅન્કમાં પરત આવી ગઈ છે છતાં આશ્ચર્યજનક રીતે ૭૧૧૭ કરોડની કિંમતની ૨૦૦૦ રૂપિયાની નોટો હજી પણ જનતાની પાસે છે.
૨૦૦૦ રૂપિયાની ચલણી નોટો વિશે લોકોના મનમાં સવાલ છે કે શું આ નોટો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે? શું તેમને રાખવી સલામત છે કે પછી એ નકામી થઈ જશે? આ મૂંઝવણ દૂર કરવા માટે RBIએ તાજેતરમાં એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. RBIએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ૨૦૦૦ રૂપિયાની નોટ હજી પણ માન્ય છે અને જેમની પાસે એ છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. લોકો સરળતાથી તેમની ૨૦૦૦ રૂપિયાની નોટો બદલી શકે છે અથવા તેમના બૅન્ક-ખાતામાં જમા કરી શકે છે. તેમણે એક સરળ પ્રક્રિયા પણ પૂરી પાડી છે જેના પગલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મુશ્કેલી વિના નોટો જમા કરી શકે છે અથવા બદલી શકે છે. RBIએ જણાવ્યું હતું કે ‘મોટા ભાગના લોકોએ સમયસર આ નોટો જમા કરાવી હતી અથવા બદલી હતી. શરૂઆતમાં લોકોએ ઝડપથી નોટો જમા કરાવી હતી, પણ પછીથી આ ગતિ ધીમી પડી ગઈ હતી. ઘણા લોકો પાસે હજી ઘરે નોટો છે, કારણ કે તેઓ એવું ધારે છે કે એ હવે માન્ય નથી.’


