Mumbai Crime: બોરીવલી રેલવે વિજિલન્સ અધિકારીઓએ બાંદ્રા ટર્મિનસ-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસમાંથી રૂ. ૧.૭ લાખની કિંમતનો ૩૨૦ કિલો પ્રતિબંધિત ગુટખા, તમાકુ અને પાન મસાલાનો જથ્થો જપ્ત કર્યો; આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે
આરોપીને જપ્ત કરાયેલા માલ સાથે ગવર્નમેન્ટ રેલવે પોલીસને સોંપવામાં આવ્યો (તસવીરઃ મિડ-ડે)
મુંબઈ (Mumbai)ના બોરીવલી (Borivali) રેલવે સ્ટેશન પર સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન બોરીવલી રેલવે વિજિલન્સ અધિકારીઓએ બાંદ્રા ટર્મિનસ-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ (Bandra Terminus-Ajmer Superfast Express)ના એક મુસાફર પાસેથી આશરે ૧.૭ લાખ રુપિયાની કિંમતનો ૩૨૦ કિલો તમાકુ, પાન મસાલા અને ગુટખાનો જથ્થો જપ્ત કર્યો હોવાનું અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું.
બુધવારે બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૮ પર ટ્રેન નંબર ૧૨૯૯૬ બાંદ્રા ટર્મિનસ-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ આવી પહોંચ્યા બાદ આ વિજિલન્સ ચેકિંગ (Mumbai Crime) હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન અધિકારીઓએ કોચ S-2 માંથી પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનોના ગેરકાયદેસર વહાનની જાણકારી મેળવી હતી.
ADVERTISEMENT
તપાસ દરમિયાન ૨૬ વર્ષીય અનિલ શંકર નાગડા નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી. અધિકારીઓને તેની પાસે રહેલી પાંચ બેગમાંથી પ્રતિબંધિત સામાન મળી આવ્યો હતો. વિજિલન્સ ટીમે વિવિધ બ્રાન્ડના તમાકુ, પાન મસાલા અને ગુટખાના ૧,૦૪૦ પેકેટ રિકવર કર્યા હતા, જેનું વજન આશરે ૩૨૦ કિલો છે અને તેની મહત્તમ છૂટક કિંમત (MRP) મુજબ આશરે રૂ. ૧.૭ લાખ મૂલ્ય આંકવામાં આવ્યું છે.
આરોપીને જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે આગળની કાનૂની કાર્યવાહી માટે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (Government Railway Police - GRP), બોરીવલીને સોંપવામાં આવ્યો હતો. ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ નોંધાયેલી FIR/CR નંબર ૭૨૧ હેઠળ ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita -BNS), ૨૦૨૩ ની સંબંધિત કલમો અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ (Food Safety and Standards Act, 2006) ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા જથ્થાના મૂળ સ્ત્રોત અને પહોંચાડવાના સ્થળની માહિતી મેળવવા માટે આગળની તપાસ ચાલી રહી છે.
પાલઘર પોલીસે ૧૪ લાખ રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત તમાકુનો જથ્થો જપ્ત કર્યો, ચારની ધરપકડ
આવી જ એક ઘટનામાં આ મહિનાની શરૂઆતમાં, પાલઘર પોલીસ (Palghar Police)એ રૂ. ૧૪ લાખની કિંમતના પ્રતિબંધિત તમાકુના ઉત્પાદનો જપ્ત કર્યા હતા અને સ્મગલિંગ રેકેટના સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરી હતી.
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે (Mumbai Ahmedabad National Highway) પર હાથ ધરાયેલા ચાર અલગ-અલગ ઓપરેશનમાં પોલીસે રૂ. ૨૪.૫ લાખની કિંમતના ચાર વાહનો પણ જપ્ત કર્યા હતા. પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનોના ગેરકાયદેસર પરિવહન અંગેની ચોક્કસ બાતમીના આધારે આ કામગીરી કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક યતીશ દેશમુખે જણાવ્યું હતું કે, ‘અમારા બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસ ટીમોએ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ સઘન બનાવ્યું હતું. જેના પરિણામે તમાકુ ઉત્પાદનોના ગેરકાયદેસર પરિવહન સામે ચાર સફળ દરોડા પાડવામાં આવ્યા હતા.’ SP એ વધુમાં ઉમેર્યું કે તલાસરી પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધાયા છે, જ્યારે મનોર (Manor) અને કાસા (Kasa) પોલીસ સ્ટેશનમાં એક-એક કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે આરોપીઓની ઓળખ પવઈ (Powai)ના રહેવાસી યશવંત જયરામ સિંહ તેમજ ગોવંડીના રહેવાસી સલીમ ઈસ્તિયાકાલી શાહ (૩૩) અને અબ્દુલનઈમ અંસારી (૨૬) તરીકે કરી છે. પોલીસે એક સગીરની પણ અટકાયત કરી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
