ઘરની આગળ કરિયાણા, કપડાં અને કૉસ્મેટિક્સની દુકાનો હોવાથી કૉસ્મેટિક્સનો ઝેરી ધુમાડો બળતામાં ઘી બન્યો: ફાયર-એન્જિનમાં ડીઝલ નહોતું અને એ પછી પાણી ભરાવવામાં પણ મોડું થયું એટલે જીવ ગયા હોવાનો ગામવાસીઓનો આક્ષેપ
આગ ઓલવ્યા પછી કાટમાળમાં ફેરવાઈ ગયેલી દુકાનો
ધારાશિવ જિલ્લાના યેડશી ગામમાં દિવાળીના શુભ દિવસે જ મધરાત બાદ ૨.૩૦ વાગ્યે લાગેલી વિનાશક આગમાં કરંડે પરિવારના ત્રણ પેઢીના ૬ સભ્યોનાં મૃત્યુ થતાં આખું ગામ સ્તબ્ધ થઈ ગયું હતું. દિવાળી હોવાથી આખો પરિવાર ભેગો થયો હતો અને ગોઝારી આગમાં હોમાઈ ગયો હતો. આગનું સ્પષ્ટ કારણ જાહેર નથી થયું, પણ ઘરમાં દીવાને કારણે અથવા શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે.

ADVERTISEMENT
આગમાં હોમાઈ ગયેલી મા-દીકરી.

આગમાં જીવ ગુમાવનાર કરંડે દંપતી.
આગ લાગ્યાની જાણ થતાં જ ગામના લોકો મદદ માટે દોડ્યા હતા. ઘટના નજરે જોનારા ગામવાસીઓનું કહેવું હતું કે કરંડે પરિવારની પોતાના ઘરની આગળ કરિયાણા, કપડાં અને કૉસ્મેટિક્સની દુકાનો હતી. આગ પહેલાં દુકાનની બહારની સાઇડ લાગી હતી. આગ લાગવાને કારણે ઘરનો મેઇન દરવાજો આગમાં ભડ-ભડ બળવા માંડતાં બહાર નીકળવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. આગળની સાઇડ એટલી જોરદાર આગ લાગી હતી કે ઘરના આંગણામાં આવેલાં પીપળાનું અને નારિયેળનું ઝાડ પણ સળગી ઊઠ્યાં હતાં. નીચે સૂતેલા પરિવારના બે સભ્યોની બૉડી એટલી હદે બળી ગઈ હતી કે તેમના બન્નેના પગ શરીરથી છૂટા પડી ગયા હતા. ઉપરના માળે સૂતેલા ૪ જણનાં ગૂંગળાવાથી મોત થયાં હતાં. ત્રણ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. કૉસ્મેટિક્સને કારણે ઝેરી ધુમાડો ફેલાયો હોવાનું કહેવાય છે.
અન્ય એક ચોંકાવનારી બાબત એ જાણવા મળી હતી કે ફાયર-એન્જિન મોડેથી પહોંચ્યાં હતાં એથી ગામવાસીઓ સમય ન બગાડતાં JCB લઈને પહોંચ્યા હતા. તેમણે એની મદદથી ઘરની આગળની દીવાલ તોડી હતી. એટલું જ નહીં, હથોડાથી પણ તેમણે દીવાલ તોડી હતી. એવા આક્ષેપો કરાયા છે કે ફાયર-એન્જિનમાં ડીઝલ નહોતું અને પાણી પણ નહોતું એથી ડીઝલ ભરાવવા જવામાં અને પાણી ભરવામાં સમય બગડ્યો હતો. એટલું જ નહીં, એ લોકો સ્પૉટ પર પહોંચ્યા પણ એમની પાસે બીજાં પૂરતાં સાધનો જ નહોતાં. ગામવાસીઓનું કહેવું હતું કે પહેલાં તો અંદરથી બચાવો-બચાવોની બૂમો સંભળાતી હતી પણ ત્યાર બાદ ધીમે-ધીમે એ ઓછી થતી ગઈ હતી. ગામવાસીઓનો આક્ષેપ હતો કે જો ફાયર-એન્જિન વહેલાં આવ્યાં હોત તો કદાચ ૩-૪ જણને બચાવી શકાયા હોત.
