સુસાઇડ-નોટમાં પત્નીને સંબોધીને આવું લખનારા ઍનિમેટર નિશાંત ત્રિપાઠીએ તેનાથી જ કંટાળીને કરી આત્મહત્યા : તેણે પોતાનાં માસીને પણ મોત માટે જવાબદાર ગણાવ્યાં
મહિલાઓ માટે લડતાં નીલમ ચતુર્વેદીના દીકરા નિશાંતે પત્ની અને માસીને લીધે આત્મહત્યા કરી હોવાનું સુસાઇડ-નોટમાં લખ્યું છે.
પત્નીથી ત્રાસીને આત્મહત્યા કરનારા બૅન્ગલોરના સુભાષ અતુલનો કિસ્સો હજી તાજો જ છે ત્યાં મુંબઈમાં આવી જ એક આત્મહત્યાની ઘટના બહાર આવી છે. સહારા સ્ટાર હોટેલમાં ૨૮ ફેબ્રુઆરીએ ૪૧ વર્ષના ઍનિમેટર નિશાંત ત્રિપાઠીએ પત્ની અપૂર્વા પરીખ અને તેની માસી પ્રાર્થના મિશ્રાના કથિત ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. નિશાંત જે કંપનીમાં કામ કરતો હતો એની વેબસાઇટ પર તેણે સુસાઇડ-નોટ પોસ્ટ કરી હતી. મહત્ત્વની વાત એ છે કે મહિલાઓના હક માટે લડત ચલાવતાં નિશાંતનાં મમ્મી નીલમ ચતુર્વેદી ઍક્ટિવિસ્ટ છે અને આ કેસમાં તેમણે જ પૂત્રવધૂ અપૂર્વા અને પ્રાર્થના મિશ્રા સામે નિશાંતને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.
નિશાંતે આત્મહત્યા કરવાના ત્રણ દિવસ પહેલાં સહારા સ્ટાર હોટેલમાં ચેક-ઇન કર્યું હતું. એ પછી તેણે દરવાજા પર ડૂ નૉટ ડિસ્ટર્બનું બોર્ડ લગાવ્યું હતું. જ્યારે હોટેલના સ્ટાફને તેના તરફથી લાંબા સમય સુધી કોઈ રિસ્પૉન્સ નહોતો મળ્યો ત્યારે તેમણે માસ્ટર કીથી રૂમ ખોલતાં અંદરથી નિશાંતનો મૃતદેહ મળી આવ્યો હતો.
ADVERTISEMENT
નિશાંતે સુસાઇડ-નોટમાં તેની પત્નીને ઉદ્દેશીને લખ્યું હતું કે ‘જ્યારે તું આ વાંચતી હોઈશ ત્યારે હું નહીં હોઉં. તેં મારી સાથે જે કર્યું એ જોતાં હું મારી છેલ્લી ક્ષણોમાં તને નફરત કરી શક્યો હોત, પણ હું એમ નથી કરી રહ્યો. હું પહેલાં પણ તને પ્રેમ કરતો હતો અને હજી પણ કરું છું અને મેં તને જે રીતે પ્રૉમિસ કર્યું હતું એ જ રીતે મારો પ્રેમ પણ ક્યારેય ઓછો નહીં થાય. મેં શું સ્ટ્રગલ કરી છે એ મારી મમ્મી જાણે છે. તે બહુ દુખી હશે. તું અને પ્રાર્થનામાસી મારા મોત માટે જવાબદાર છો. હું વિનંતી કરું છું કે હવે મારી મમ્મીનો અપ્રોચ કરીને તેમને વધુ દુ:ખ ન પહોંચાડતાં. તેમને વધારે ભાંગી નાખવાની જરૂર નથી, તેમને હવે શાંતિથી રહેવા દો.’
આ કેસમાં પોલીસે આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો કેસ નિશાંતની પત્ની અને માસી સામે રજિસ્ટર કર્યો છે, પણ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી. નિશાંતનાં મમ્મીએ કરેલી પોસ્ટને લીધે આ કેસ હવે બહાર આવ્યો છે.
મહિલા ઍક્ટિવિસ્ટ મમ્મીએ કરી ભાવુક પોસ્ટ
નિશાંતનાં મમ્મી આ ઘટનાથી હચમચી ગયાં છે અને તેમણે સોશ્યલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી છે જેમાં કહ્યું છે કે ‘મેં જીવનમાં ૪૬,૦૦૦ મહિલાઓને મદદ કરી અને એમાંથી ૩૬,૦૦૦ મહિલાઓને ન્યાય અપાવવામાં હું નિમિત્ત બની. મેં હજારો મહિલાઓને ટ્રેઇનિંગ આપી જેથી તેઓ આત્મનિર્ભર બની શકે, પણ આજે હું ભાંગી ગઈ છું. એક જીવતી લાશ જેવી મારી સ્થિતિ છે. મેં વિચાર્યું હતું કે મારો દીકરો મારા અંતિમ સંસ્કાર કરશે, પણ મારી મોટી દીકરીએ નિશાંતના અંતિમ સંસ્કાર કરવા પડ્યા. મેં જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે, પણ આજે હવે એકદમ તૂટી ગઈ છું.’

