૨૩૭ કેસમાંથી ૨૯ જણે સર્ટિફિકેટ પાછું આપવાની ના પાડી અને ૮૭ વ્યક્તિઓ મળતી નથી, એ બધા સામે દાખલ થશે FIR : બીજાં બે સર્ટિફિકેટ વિશે સિસ્ટમમાં એરર દેખાય છે
રિતુ તાવડે
છેતરપિંડીથી બર્થ-સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવ્યાં હોય એવા ૨૩૭ કેસની BMC દ્વારા સમીક્ષા કરવામાં આવી છે અને એમાંથી ૧૧૯ ઑનલાઇન પોર્ટલ પરથી દૂર કરવામાં આવ્યાં છે અને જે પરિવારોને એ ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં તેમની પાસેથી પાછાં લેવામાં આવ્યાં છે એમ મુંબઈનાં મેયર રિતુ તાવડેએ બુધવારે જણાવ્યું હતું. બંગલાદેશી નાગરિકોને છેતરપિંડીથી ઇશ્યુ કરાયેલાં બર્થ-સર્ટિફિકેટો અંગે ચિંતા વ્યક્ત કર્યાના લગભગ એક મહિના પછી તેમણે BMCના હેડક્વૉર્ટરમાં અધિકારીઓ સાથે આ બાબતે બોલાવેલી સમીક્ષા-બેઠક બાદ આ સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ બેઠકમાં BJPના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા પણ હાજર રહ્યા હતા. રિતુ તાવડેએ જણાવ્યું હતું કે ‘બાકીના કેસોમાં ૨૯ લોકોનો સંપર્ક કરવા છતાં તેમણે સર્ટિફિકેટ પાછાં આપવાનો ઇનકાર કર્યો હતો. અમે ઍડ્મિનિસ્ટ્રેશનને તેમની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવા સૂચના આપી છે. ૮૭ વ્યક્તિઓ શોધી શકાઈ નથી અને અમે અધિકારીઓને એ કિસ્સાઓમાં પણ FIR દાખલ કરવા કહ્યું છે.’
આમ કુલ ૧૧૬ વ્યક્તિઓ સામે FIR દાખલ કરવાની છે. બે અન્ય સર્ટિફિકેટ વિશે સિસ્ટમમાં એરર દર્શાવે છે.
ADVERTISEMENT
રિતુ તાવડેએ ઉમેર્યું હતું કે ‘કિરીટ સોમૈયાને મતદારયાદીઓના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર દેખરેખ રાખવા માટે મહારાષ્ટ્ર BJPની ૯ સભ્યોની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કૌભાંડની તપાસ માટે એક ખાસ તપાસટીમની રચના કરવાની પણ માગણી કરવામાં આવી છે.’
