નાઈશા મહેતા એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં જુનિયર કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની, ટેન્થમાં ૯૮.૬ ટકા મેળવીને હવે ડૉક્ટર બનવા માગે છે
નાઈશા મહેતા
આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગની સોલો ડાન્સ - જુનિયર ગર્લ્સ કૅટેગરીમાં મુંબઈની નાઈશા મહેતા એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે. નૅશનલ લેવલ પર ૧૦ ગોલ્ડ, ૩ સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ જીતનારી નાઈશાએ પ્રથમ વખત ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો જેમાં તેણે ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું હતું.
સાઉથ કોરિયામાં તાજેતરમાં જ યોજાયેલી વીસમી રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં નાઈશા ૬.૭૨ પૉઇન્ટ્સની લીડથી ગેમ જીતી હતી. નાઈશાએ તેની અચીવમેન્ટ માટે જણાવ્યું હતું કે ‘સ્કેટિંગ એવી વસ્તુ છે જે મને મુક્ત હોવાનો અનુભવ કરાવે છે. સ્કેટિંગ રિન્ક પર જ હું ભારત માટે ગોલ્ડ જીતવાના સપના સાથે જીવી છું. મારું એ સપનું પૂરું થયું છે.’
ADVERTISEMENT
નાઈશાએ સાડાચાર વર્ષથી સ્કેટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને ૮ વર્ષની ઉંમરે પહેલી વાર નૅશનલ લેવલ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ત્યારથી સતત તે મોટા ભાગની ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી છે. તે રાજ્યસ્તરે કુલ ૨૮ ગોલ્ડ અને ૧૬ સિલ્વર મેડલ જીતી ચૂકી છે. તેના પપ્પા નિશિત મહેતા તેને બૉર્ન પર્ફોર્મર ગણાવે છે તો મમ્મી તૃપ્તિ મહેતા કહે છે કે દરેક મેડલ પાછળ વહેલા ઊઠવાની, સતત પ્રૅક્ટિસ કરવાની અને અડગ વિશ્વાસની અનેક કહાનીઓ જોડાયેલી હોય છે.
વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે તૈયારી કરનારી નાઈશા ભણવામાં પણ એટલી જ હોશિયાર છે. આ વર્ષે દસમા ધોરણની બોર્ડ એક્ઝામમાં તેણે ૯૮.૬ ટકા મેળવ્યા હતા, તેને ડૉક્ટર બનવાની ઇચ્છા છે.


