રાજુ પાટીલે ડોમ્બિવલીમાં આયોજિત કરાયેલી એક સભામાં કહ્યું હતું

ફાઇલ તસવીર
ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કર્યું, પણ અમદાવાદનું નામ ક્યારે બદલો છો? એવો સીધો સવાલ એમએનએસના ડોમ્બિવલીના અધ્યક્ષ રાજુ પાટીલે કર્યો હતો.
રાજુ પાટીલે ડોમ્બિવલીમાં આયોજિત કરાયેલી એક સભામાં કહ્યું હતું કે ‘ગુજરાતના લોકો મુસ્લિમોએ કરેલા અતિક્રમણનો વિરોધ કરી રહ્યા છે, પણ હવે ગુજરાતના લોકો જ તેમની સ્થાનિક સરકાર પર નહીં પરંતુ રાજ ઠાકરે પર મીટ માંડીને બેઠા છે કે તમે અમદાવાદનું નામ બદલાવો. રાજ ઠાકરેએ માહિમ દરગાહ પાછળ દરિયામાં કરાયેલા અતિક્રમણને જાહેરમાં લાવતાં તરત જ એનું ડિમોલિશન કરાયું છે. રાજ ઠાકરે હિન્દુત્વના મુદ્દે ચાલે છે એટલે હવે ગુજરાતની જનતાની તેમની પાસે આશા છે કે તે અમદાવાનું નામ ચેન્જ કરાવે.’
દરમિયાન ગેરકાયદે બેસતા ફેરિયાઓ સંદર્ભે પણ એમએનએસે હવે આકરું વલણ અખત્યાર કર્યું છે. ડોમ્બિવલીને પંદર દિવસમાં ફેરિયામુક્ત કરવામાં આવે એવી ચીમકી સાથેની રજૂઆત તેમના દ્વારા કેડીએમસીને કરાઈ હતી. એ પંદર દિવસની મુદત પૂરી થઈ જતાં એમએનએસ દ્વારા હવે ડોમ્બિવલીમાં પોસ્ટરો લગાડાયાં છે કે ડેડલાઇન પૂરી થઈ, હવે અમારી તરફ દુર્લક્ષ કરો.
રાજુ પાટીલે ડોમ્બિવલી સ્ટેશનના ઈસ્ટ ભાગનું પાલિકાના અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું અને એ વખતે ફેરિયાઓ પર કાર્યવાહી ન કરનાર અધિકારીઓને કહ્યું હતું કે ‘ક્યાંથી હપ્તા લેવાય છે એ લાઇન બતાવું? કોણ કેટલો હપ્તો વસૂલ કરે છે એ કહું? તમે રાજીનામું આપશો? કોણ કેટલો હપ્તો લે છે અને હપ્તો કઈ રીતે વહેંચાય છે એ બધું કહું?’
રાજુ પાટીલે કહ્યું હતું કે છ મહિનામાં પાલિકાએ માત્ર ત્રણ વખત ફેરિયાઓ સામે કાર્યવાહી કરી છે તો શું તેમની પાસે જવાબ ન માગવો જોઈએ?