ગુજરાતી યુવાને મલાડની બે હોટેલોમાં મહિનો રહીને, ખાઈપીને, મિત્રોને પાર્ટી આપીને ૪+ લાખ રૂપિયાનાં બિલ બીજા કોઈના ક્રેડિટ કાર્ડમાંથી ભર્યાં : જેનું ક્રેડિટ કાર્ડ હતું તેણે ફરિયાદ કરી તો ફટકો હોટેલોને પડ્યો
આરોપી પ્રતીક ભાયાણી.
મલાડ-વેસ્ટના ઇનઑર્બિટ મૉલ નજીક આવેલી લેમન ટ્રી પ્રીમિયર હોટેલ અને બાજુમાં આવેલી હોટેલ મુંબઈ હાઉસમાં એક મહિનો સ્ટે કરીને અને મિત્રોને એમાં લક્ઝરી પાર્ટી આપીને ચાર લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર ૩૫ વર્ષના પ્રતીક ભાયાણીની મંગળવારે બાંગુરનગર પોલીસે ધરપકડ કરી હતી. કલવામાં રહેતા અને એક પ્રાઇવેટ બૅન્કના ક્રેડિટ કાર્ડ વિભાગમાં ભૂતકાળમાં નોકરી કરતા પ્રતીકે તેના ગ્રાહકોની ક્રેડિટ કાર્ડની ડિટેઇલ પોતાની પાસે સેવ કરી રાખી હતી એના આધારે તેણે બન્ને હોટેલમાં પેમેન્ટ કર્યું હતું, પણ જ્યારે મૂળ ક્રેડિટ કાર્ડધારકે ફરિયાદ કરતાં બન્ને હોટેલના ખાતામાં જમા થયેલા પૈસા બૅન્કે પાછા ખેંચી લેતાં ઘટના પ્રકાશમાં આવી હતી. પ્રતીકે થાણે, નવી મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં આ રીતે હોટેલો સાથે છેતરપિંડી કરી હોવાનો દાવો પોલીસે કર્યો છે.
બાંગુરનગરના પોલીસ-ઇન્સ્પેક્ટર રોહન પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મલાડની થ્રીસ્ટાર લેમન ટ્રી પ્રીમિયર હોટેલમાં ૧૮ ઑગસ્ટે ચેક-ઇન કરીને પ્રતીક લક્ઝરી રૂમમાં ૨૩ ઑગસ્ટ સુધી રહ્યો હતો. તેણે હોટેલમાંથી જ ડ્રિન્ક અને જમવાનું ઑર્ડર કરી આશરે ૯૫,૦૦૦ રૂપિયાનું બિલ બનાવ્યું હતું અને પેમેન્ટ કરતી વખતે માત્ર ક્રેડિટ કાર્ડનો ફોટો હોવાનો દાવો કરીને ક્રેડિટ કાર્ડ નંબર, સીવીવી નંબર અને ક્રેડિટ કાર્ડની એક્સપાયરી ડેટ પેમેન્ટ મશીનમાં ફીડ કરીને પેમેન્ટ કર્યું હતું. ત્યાર બાદ પ્રતીક બાજુમાં આવેલી હોટેલ મુંબઈ હાઉસમાં એક મહિનો રહ્યો હતો જ્યાં તેણે મિત્રોને લક્ઝરી પાર્ટી આપીને દારૂ અને ફૂડ સહિત તમામ વસ્તુઓ હોટેલમાંથી જ મગાવી હતી જેમાં ૩.૭૦ લાખ રૂપિયાનું બિલ બન્યા બાદ એ હોટેલમાં પણ માત્ર ક્રેડિટ કાર્ડ નંબર, સીવીવી નંબર અને ક્રેડિટ કાર્ડની એક્સપાયરી ડેટ પેમેન્ટ મશીનમાં ફીડ કરીને તેણે પેમેન્ટ કર્યું હતું. જોકે હોટેલમાં પેમેન્ટ રિસીવ થયાના થોડા દિવસમાં જ બન્ને હોટેલનાં બૅન્ક-અકાઉન્ટમાંથી પૈસા ઊપડી ગયા હતા. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પ્રતીકે બીજાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કર્યો હતો. અંતે ઘટનાની ફરિયાદ નોંધાતાં અમે મંગળવારે તેની ધરપકડ કરી હતી.’
ADVERTISEMENT
રોહન પાટીલે ‘મિડ-ડે’ને વધુમાં કહ્યું હતું કે ‘પ્રતીક થોડા વખત પહેલાં એક પ્રાઇવેટ બૅન્કના ક્રેડિટ કાર્ડ વિભાગમાં સિનિયર પોસ્ટ પર નોકરી કરતો હતો. એ દરમ્યાન તેણે ગ્રાહકોને આપવામાં આવેલા ક્રેડિટ કાર્ડની ડિટેઇલ પોતાની પાસે સેવ કરી રાખી હતી. સેવ કરેલી ક્રેડિટ કાર્ડની માહિતીના આધારે તે અનેક જગ્યાએ પેમેન્ટ કરતો હતો. આ પેમેન્ટ થોડું-થોડું હોવાથી જેના નામે ક્રેડિટ કાર્ડ હતું તેને વન ટાઇમ પાસવર્ડ (OTP) પણ આવતો નહોતો. એ ઉપરાંત પ્રતીકને બૅન્કની ટેક્નિકલ માહિતી હતી જેનો તેણે આ છેતરપિંડીમાં ભરપૂર ઉપયોગ કર્યો હતો. આરોપી પ્રતીકે થાણે, નવી મુંબઈ સહિત અન્ય જગ્યાએ પણ આ રીતે છેતરપિંડી કરી હોવાની અમને શંકા છે.’


