Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છેક છેલ્લી ઘડીએ બચ્ચુ કડુ શિવસેનામાં જોડાયા અને વિધાનપરિષદની ટિકિટ મળી ગઈ

છેક છેલ્લી ઘડીએ બચ્ચુ કડુ શિવસેનામાં જોડાયા અને વિધાનપરિષદની ટિકિટ મળી ગઈ

Published : 01 May, 2026 11:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રહાર સંઘટનાના નેતા બચ્ચુ કડુ ગઈ કાલે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા હતા

ગઈ કાલે એકનાથ શિંદે સાથે બચ્ચુ કડુ વિધાનપરિષદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા પછી

ગઈ કાલે એકનાથ શિંદે સાથે બચ્ચુ કડુ વિધાનપરિષદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા પછી


પ્રહાર સંઘટનાના નેતા બચ્ચુ કડુ ગઈ કાલે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા હતા. તેઓ જોડાતાં એકનાથ શિંદેએ તેઓ વિધાનપરિષદની ચૂંટણી માટેના ઉમેદવાર હોવાની જાહેરાત કરી હતી. બચ્ચુ કડુએ કહ્યું હતું કે ‘અમારા બધા મુદ્દા શિવસેનાએ સ્વીકાર્યા છે. ખેડૂતોને આપવામાં આવતા ટેકાના ભાવમાં સુધારો, લાડકી બહિણ યોજનામાં વિધવા મહિલાઓનો મુદ્દો, દિવ્યાંગ મંત્રાલયનું સશક્તીકરણ જેવા મોટા ભાગના મુદ્દા માન્ય થયા પછી મેં શિવસેનામાં જોડાવાનો નિર્ણય લીધો છે.’

ઓમપ્રકાશ બાબારાવ કડુ ઉર્ફે બચ્ચુ કડુએ પ્રહાર જનશક્તિ પાર્ટી સ્થાપી હતી અને તેઓ ૨૦૦૪થી ૨૦૨૪ દરમ્યાન ૪ વખત વિધાનસભ્ય તરીકે અમરાવતીની અચલાપુર બેઠક પરથી સતત જીતતા આવ્યા છે. મુખ્યત્વે ખેડૂતોના પ્રશ્નો, ખેડૂતોની આત્મહત્યા, તેમની લોનમાફી જેવા પ્રશ્નોને લઈને તેઓ વિવિધ આંદોલન કરતા આવ્યા છે.



૨૦૨૫માં તેમણે નાગપુરથી મુંબઈની બૉર્ડર સુધી પહોંચી ગયેલા ખેડૂત આંદોલનનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું જેમાં ખેડૂતોની લોનમાફી અને અન્ય મુદ્દાઓ માટે તેમણે સરકાર સમક્ષ માગણી કરી હતી. તેમના એ ટ્રૅક્ટર-આંદોલનની સરકારે ગંભીરતાથી નોંધ લઈને તેમની સાથે બેઠક કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો.  


૨૪ કલાકમાં શું ચર્ચા થઈ જેથી તેઓ શિવસેનામાં સામેલ થયા

બચ્ચુ કડુએ શિવસેનામાં સામેલ થવા બાબતે કહ્યું હતું કે ‘બુધવારે રાતે મારી એકનાથ શિંદેસાહેબ સાથે બેઠક થઈ હતી જેમાં મેં ખેડૂતો, મજૂરો અને દિવ્યાંગો માટેના મુદ્દા રજૂ કર્યા હતા. એ બધા મુદ્દા પર નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સહમતી દર્શાવી હતી. જ્યારે આપણા કામ માટે સત્તા અને સંઘટના બન્ને આપણને સપોર્ટ કરે ત્યારે વિરોધ કરવાની જરૂર નથી રહેતી.’


બચ્ચુ કડુએ ત્યાર બાદ મજાકના અંદાજમાં કહ્યું હતું કે ‘વિધાનપરિષદ માટે મને ઑફર કરવામાં આવી છે અને મારા નામની ચર્ચા થઈ છે એની મને પણ ખબર નહોતી. મને તો મીડિયામાંથી જાણ થઈ હતી.’

પ્રહાર સંઘટના હવે સામાજિક કાર્ય કરશે

બચ્ચુ કડુએ તેમના પક્ષ પ્રહાર સંઘટના બાબતે કહ્યું હતું કે ‘પક્ષ અને સંઘટના ચલાવવાનું હવે મુશ્કેલ બની ગયું છે. મારું કામ છે પ્રામાણિક રીતે કામ કરવું. મારો રાજકીય જન્મ શિવસેનામાં થયો અને હવે અંત પણ શિવસેનામાં જ થાય. પ્રહાર સંઘટના રહેશે પણ એ હવે સામાજિક કાર્ય કરશે. જેમને રાજકારણમાં જોડાવું હોય તેઓ શિવસેનામાં જોડાય.’

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK