એમાંની મોટા ભાગની બેઠકો મુંબઈ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માંની હોવાનું જાણવા મળ્યું છે
ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીઓ વખતે શિવસેના સાથે હોવા છતાં ઉદ્ધવ ઠાકરેને મત અને બેઠકો વધુ મળી શકે એવી શક્યતા હોવાથી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) દ્વારા શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ને માત આપવા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના રાજ ઠાકરેને પડખામાં લેવામાં આવ્યા હતા. એથી રાજ ઠાકરેએ લોકસભા કે રાજ્યસભામાં એક પણ બેઠકની માગણી નહીં કરીને તેમને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો એટલું જ નહીં, મરાઠી મતદારો NDAના ઉમેદવારોને મત આપે એ માટે સભાઓ પણ ગજવી હતી.
લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિનશરતી ટેકો આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હોય એવું લાગી રહ્યું છે અને એ અંતર્ગત જ એણે નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) પાસે ૨૦ બેઠકોની માગણી કરી છે. એટલું જ નહીં, એમાંની મોટા ભાગની બેઠકો મુંબઈ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માંની હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
MNS દ્વારા વરલી, દાદર-માહિમ, શિવડી, ચેમ્બુર, ઘાટકોપર (વેસ્ટ), વર્સોવા, જોગેશ્વરી, દિંડોશી, માગાઠાણે, થાણે, ભિવંડી (ગ્રામીણ), કલ્યાણ (ગ્રામીણ) નાશિક (ઈસ્ટ), વણી, પંઢરપુર, ઔરંગાબાદ (મધ્ય), પુણેની એક ઉપરાંત અન્ય બે બેઠકોની માગણી કરી છે. MNS વરલીમાં આદિત્ય ઠાકરેની સામે સંદીપ દેશપાંડે, દાદર-માહિમમાં નીતિન સરદેસાઈ અને વર્સોવાની બેઠક પરથી શર્મિલા ઠાકરેને ઉમેદવારી આપી શકે છે.
લોકસભામાં રાજ્યમાં માત્ર ૯ બેઠકો મળતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ઝટકો લાગ્યો છે. હવે થોડા મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે ત્યારે એ માટે તૈયારીઓ ચાલુ કરી દેવાઈ છે અને ૧૪ જૂને મુંબઈમાં રાજ્યના જિલ્લા પ્રમુખોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.


