Maharashtra: મહારાષ્ટ્રની સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધી હિન્દી ભાષા શીખવવી હવે ફરજિયાત નથી; રાજ્ય સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ આ નિર્ણય લીધો; મરાઠી અને અંગ્રેજીની સાથે હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મહારાષ્ટ્ર (Maharashtra)માં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)એ શાળાઓમાં હિન્દી અંગે એક નવો આદેશ જારી કર્યો છે. આદેશ મુજબ, હવે મહારાષ્ટ્રમાં હિન્દી (Hindi) ભાષા ફરજિયાત શીખવવાને બદલે, અંગ્રેજી (English) અને મરાઠી (Marathi) પછી તેને ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે. સરકારે નિર્ણય લીધો છે કે, ધોરણ ૧ થી ૫ સુધી હિન્દી ફરજિયાત બનાવવામાં આવશે નહીં. જોકે, હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકાર ધોરણ ૧ થી ૫ સુધી સરકારી શાળાઓમાં હિન્દી ભાષા પર એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. ત્રીજી ભાષા તરીકે હિન્દી શીખવવી હવે ફરજિયાત નથી. આ માટે શાળાઓ સમક્ષ એક શરત મૂકવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં આ અંગે એક નવો આદેશ જારી કર્યો છે. જોકે, મરાઠી ભાષાને ટેકો આપતા ઘણા લોકોએ આ અંગે સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. મરાઠી ભાષાના હિમાયતીઓનો આરોપ છે કે શાળાઓમાં હિન્દી ભાષા શીખવવાનો નિર્ણય પાછો ખેંચ્યા પછી, મહારાષ્ટ્ર સરકારે ‘પાછલા દરવાજા’ (Backdoor)ની મદદથી તેને ફરીથી લાગુ કર્યો છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર શાળા શિક્ષણ વિભાગ (Maharashtra School Education Department)એ મંગળવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (National Education Policy - NEP) ૨૦૨૦ના આધારે `શાળા શિક્ષણ માટે રાજ્ય અભ્યાસક્રમ માળખું ૨૦૨૪`ના એક ભાગને લાગુ કરતો આદેશ જારી કર્યો. આ આદેશ મુજબ, મરાઠી અને અંગ્રેજી ઉપરાંત, ધોરણ એક થી પાંચ સરકારી શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારે પોતાના આદેશમાં હિન્દી સિવાયની કોઈપણ ભાષા શીખવાનો માર્ગ પણ ખોલી દીધો છે. જો કે, આ માટે, શાળાઓએ દરેક વર્ગમાંથી ૨૦ વિદ્યાર્થીઓની પરવાનગી લેવી ફરજિયાત રહેશે. જો શાળાઓ આ કરી શકશે, તો જ તે ભાષા શીખવવા માટે એક શિક્ષકની જોગવાઈ કરવામાં આવશે અથવા તે ભાષા ઓનલાઈન માધ્યમથી શીખવવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારે તેના આદેશમાં કહ્યું, ‘જો કોઈ શાળા હિન્દીને બદલે ત્રીજી ભાષા તરીકે કોઈ અન્ય ભાષા શીખવવા માંગે છે, તો દરેક વર્ગમાં ઓછામાં ઓછા ૨૦ વિદ્યાર્થીઓની મંજૂરી ફરજિયાત રહેશે. ત્યારબાદ જ તે ભાષામાં શિક્ષકની નિમણૂક કરવામાં આવશે અથવા તે ભાષા ઓનલાઈન શીખવવામાં આવશે.’
મહારાષ્ટ્ર સરકારે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યની શાળાઓમાં ત્રણ ભાષાનું સૂત્ર (3 Language Formula) ફરજિયાત રહેશે. આમાં, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ પહેલાની જેમ ચાલુ રહેશે. આ ઉપરાંત, શાળાઓએ ત્રીજી ભાષા પણ પસંદ કરવી પડશે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા મહારાષ્ટ્ર સરકારે ધોરણ ૧ થી ૫ સુધી હિન્દી ફરજિયાત બનાવી હતી. જોકે, સરકારના આ નિર્ણયનો રાજ્યમાં ઘણો વિરોધ થયો હતો. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે ૨૨ એપ્રિલે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.


