ડૉ. વાયાલિલ વેસ્ટ એશિયામાં અબુ ધાબીમાં બુર્જિલ હોલ્ડિંગ્સના સ્થાપક અને અધ્યક્ષ છે અને વી.પી.એસ. હેલ્થના મૅનેજિંગ ડિરેક્ટર છે
ડૉ. શમશીર વાયાલિલ
ગુરુવારે અમદાવાદમાં બી. જે. મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર પ્લેન ક્રૅશ થયું એમાં કૉલેજના ચાર સ્ટુડન્ટ્સ અને ડૉક્ટરોએ જીવ ગુમાવ્યો હતો. આ સ્ટુડન્ટ્સ અને ડૉક્ટરોના પરિવારો માટે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં રહેતા ડૉ. શમશીર વાયાલિલે ૬ કરોડ રૂપિયાના સહાય-પૅકેજની જાહેરાત કરી છે. ડૉ. વાયાલિલના રાહત-પૅકેજમાં ચાર મેડિકલ સ્ટુડન્ટ્સના પરિવારોને એક-એક કરોડ રૂપિયા, પાંચ ગંભીર રીતે ઘાયલ સ્ટુડન્ટ્સને માટે ૨૦-૨૦ લાખ રૂપિયા અને પ્રિયજનો ગુમાવનારા ડૉક્ટરોના પરિવારો માટે ૨૦-૨૦ લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. આ સહાયની રકમનું વિતરણ બી. જે. મેડિકલ કૉલેજ જુનિયર ડૉક્ટર્સ અસોસિએશન દ્વારા કરવામાં આવશે.
ડૉ. વાયાલિલ વેસ્ટ એશિયામાં અબુ ધાબીમાં બુર્જિલ હોલ્ડિંગ્સના સ્થાપક અને અધ્યક્ષ છે અને વી.પી.એસ. હેલ્થના મૅનેજિંગ ડિરેક્ટર છે. તેઓ પોતે હૉસ્ટેલમાં રહીને ભણ્યા હોવાથી મેડિકલ સ્ટુડન્ટ્સ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને એથી તેમણે અસરગ્રસ્તોના પરિવારોને સહાયની જાહેરાત કરી છે. મેડિકલ ડિગ્રીના અભ્યાસ માટે તેઓ મૅન્ગલોરની કસ્તુરબા મેડિકલ કૉલેજ અને પછી ચેન્નઈમાં શ્રી રામચંદ્ર મેડિકલ કૉલેજની હૉસ્ટેલમાં રહ્યા છે.
ADVERTISEMENT
મેડિકલ સ્ટુડન્ટ્સની પરેશાનીના મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘જ્યારે મેં ક્રૅશ પછીનું દૃશ્ય જોયું ત્યારે હું ખૂબ જ સ્તબ્ધ થઈ ગયો હતો. મેં મેસ અને હૉસ્ટેલનાં ફુટેજ જોયાં અને એ ખરેખર હચમચાવી નાખે એવાં છે. આ દૃશ્યોએ મને એ સ્થાનોની યાદ અપાવી હતી જેને હું એક સમયે ઘર કહેતો હતો. કૉરિડોર, પલંગ, હાસ્ય, પરીક્ષાનું દબાણ અને પરિવાર તરફથી ફોન આવવાની અપેક્ષા... આ બધામાંથી હું પસાર થયો છું. હૉસ્ટેલના ફોટોગ્રાફ મારા હૃદયને સ્પર્શી ગયા. કોઈને પણ એવી અપેક્ષા ન હોય કે કોઈ કમર્શિયલ વિમાન મેડિકલ હૉસ્ટેલ પર ક્રૅશ થશે. એ સ્ટુડન્ટ્સે દિવસની શરૂઆત લેક્ચર્સ, અસાઇનમેન્ટ્સ અને પેશન્ટ્સ વિશે વિચારીને કરી હશે. તેમનું જીવન એવી રીતે સમાપ્ત થયું કે આપણામાંથી કોઈએ એની ક્યારેય કલ્પના પણ ન કરી હોય. આ બાબત મને ખૂબ જ સ્પર્શી ગઈ હતી.’

