શંકરાચાર્યએ માતોશ્રીની મુલાકાત પછી મીડિયાને કહ્યું હતું કે ‘આપણે બધા હિન્દુ અને સનાતન ધર્મનું પાલન કરનારા લોકો છીએ`
અવિમુક્તેશ્વરાનંદ, આચાર્ય પ્રમોદ કૃષ્ણમ, મહંત નારાયણગિરિ
અનંત અંબાણીનાં લગ્નમાં હાજરી આપનારા જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ઉદ્ધવ ઠાકરેના આમંત્રણ પર માતોશ્રીમાં હાજરી આપી ત્યારે પૉલિટિકલ સ્ટેટમેન્ટ કરીને વિવાદ ઊભો કર્યો હતો. તેમણે ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે તમારી સાથે વિશ્વાઘાત થયો છે, જ્યાં સુધી તમે ફરી મુખ્ય પ્રધાન નહીં બનો ત્યાં સુધી દુ:ખ હળવું નહીં થાય.
શંકરાચાર્યએ માતોશ્રીની મુલાકાત પછી મીડિયાને કહ્યું હતું કે ‘આપણે બધા હિન્દુ અને સનાતન ધર્મનું પાલન કરનારા લોકો છીએ. સૌથી મોટો ઘાત એ વિશ્વાસઘાત હોય છે. ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વાસઘાત થયો છે. આ બાબતની પીડા અનેકને છે. ઉદ્ધવ ઠાકરેએ આપેલા આમંત્રણને કારણે હું માતોશ્રી આવ્યો. તેમણે મારું સ્વાગત કર્યું. મેં કહ્યું કે જ્યાં સુધી તમે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદની ખુરસી પર ફરી બેસતા નથી ત્યાં સુધી લોકોના મનમાંથી દુ:ખ ઓછું નહીં થાય. કોનું હિન્દુત્વ સાચું એ સમજવું પડશે, પણ જે વિશ્વાસઘાત કરે છે એ ક્યારેય હિન્દુત્વવાદી નથી હોતો, જે વિશ્વાસઘાત સહન કરે છે એ હિન્દુ હોય છે. જનતાનું પણ અપમાન કરાયું છે, જનતાનો અનાદર કરવો એ ખોટું છે.’
ADVERTISEMENT
જોકે હવે શંકરાચાર્યના આ વિધાનની સામે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું છે કે ‘પૂજ્યપાદ શંકરાચાર્યને પૂછવું જોઈએ કે જે વ્યક્તિએ છત્રપતિ શિવાજી મહારાજની સનાતનની અને વીર સાવરકરની વિચારધારા સાથે વિશ્વાસઘાત કર્યો એના વિશે તેમનું શું કહેવું છે? શંકરાચાર્યએ આના પર પ્રકાશ નાખવો જોઈએ, મને પૂરો વિશ્વાસ છે કે પૂજ્યપાદ શંકરાચાર્યજી આના પર ચોક્કસ પ્રકાશ ફેંકશે.’
જૂના અખાડાના મહંત નારાયણગિરિએ કહ્યું છે કે ‘આપણે કોને વિશ્વાસઘાતી કહીએ છીએ, કોને ધોખેબાઝ કહીએ છીએ એ સમજી-વિચારીને પૂજ્ય શંકરાચાર્યએ બોલવું જોઈતું હતું. ઉદ્ધવ ઠાકરે વિધર્મીઓની સાથે ગયા છે. હવે તેમને ઘરે જઈને આશીર્વાદ આપવા એ સમગ્ર હિન્દુ સમાજનું અપમાન કહેવાય.’


