Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ત્રણ બેઠક પર શિવસેના v/s શિવસેના

મુંબઈમાં ત્રણ બેઠક પર શિવસેના v/s શિવસેના

01 May, 2024 08:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ નૉર્થ વેસ્ટ અને સાઉથ મુંબઈની બેઠકોના ઉમેદવાર જાહેર થવાની સાથે જ મુંબઈની તમામ છ લોકસભા બેઠકોનું પિક્ચર હવે ક્લિયર થઈ ગયું છે

એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીરો

એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીરો


લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના વચ્ચે મુંબઈ નૉર્થ વેસ્ટ અને મુંબઈ સાઉથની બેઠકો માટે ખેંચતાણ ચાલી રહી હતી એનો આખરે અંત આવ્યો છે. આ બેઠકો પર શિંદેસેનાએ ગઈ કાલે અનુક્રમે જોગેશ્વરીના ત્રણ વખતના વિધાનસભ્ય રવીન્દ્ર વાયકર અને ભાયખલાનાં શિવસેનાનાં વિધાનસભ્ય યામિની જાધવને ઉમેદવાર જાહેર કર્યાં હતાં. આ બન્ને લોકસભા બેઠકો ૨૦૧૪થી શિવસેના પાસે છે. જોકે શિવસેનાના ભાગલા પડ્યા બાદ BJP મુંબઈમાં ત્રણને બદલે ચારથી પાંચ લોકસભા બેઠકો મેળવે એવી અટકળો શરૂ થઈ હતી અને ઉમેદવારોની જાહેરાત થવામાં વિલંબ થતાં BJP અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથમાં મોટા પ્રમાણમાં ખેંચતાણ થઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું હતું. મુંબઈ નૉર્થ વેસ્ટ અને સાઉથ મુંબઈની બેઠકોના ઉમેદવાર જાહેર થવાની સાથે જ મુંબઈની તમામ છ લોકસભા બેઠકોનું પિક્ચર હવે ક્લિયર થઈ ગયું છે. ત્રણ બેઠક પર BJP, ત્રણ પર શિંદેસેના તો તેમની સામે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના ચાર અને કૉન્ગ્રેસ બે બેઠક લડશે એ ફાઇનલ થઈ ગયું છે. મહાવિકાસ આઘાડીના ગઠબંધનમાં કૉન્ગ્રેસને ફાળવવામાં આવેલી મુંબઈ નૉર્થ બેઠકમાં ૨૦૧૨માં BMCની ચૂંટણી પણ ન જીતી શકનારા મુંબઈ કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી ભૂષણ પાટીલના નામની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી.

એકનાથ શિંદેની શિવસેનાએ ગઈ કાલે મુંબઈ નૉર્થ વેસ્ટ લોકસભા બેઠક માટે એક સમયે ઉદ્ધવ ઠાકરે જૂથના અત્યંત નજીકના નેતા અને લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાના થોડા સમય પહેલાં જ પાલો બદલીને શિંદેસેનામાં સામેલ થયેલા જોગેશ્વરી-ઈસ્ટના ત્રણ વખતના વિધાનસભ્ય રવીન્દ્ર વાયકરને ઉમેદવાર જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર વાયકર સામે જોગેશ્વરીમાં એક પ્લેગ્રાઉન્ડ માટે રિઝર્વ રાખવામાં આવેલા પ્લૉટમાં ફાઇવસ્ટાર હોટેલ બાંધવાનો આરોપ છે અને આ મામલાની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) સહિત મુંબઈ પોલીસ કરી રહી છે.



મુંબઈ સાઉથ લોકસભાની બેઠક મોટા ભાગે BJPના હિસ્સામાં જશે એમ માનવામાં આવી રહ્યું હતું એટલે અહીંથી BJPના કોલાબાના વિધાનસભ્ય અને વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર અને મલબાર હિલના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ ચૂંટણીની તૈયારીઓ પણ આરંભી દીધી હતી. આ બેઠકમાં બે વખત કૉન્ગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવેલા મિલિંદ દેવરાને ઉતારવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી.  જોકે શિંદેસેનાએ આ બેઠકમાં ભાયખલાનાં શિવસેનાનાં વિધાનસભ્ય યામિની જાધવની ઉમેદવારીની જાહેરાત કરી હતી. યામિની જાધવ ૨૦૧૨માં મુંબઈનાં નગરસેવિકા તરીકે ચૂંટાયાં હતાં અને ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ભાયખલાની બેઠક પરથી ચૂંટાયાં હતાં. તેમના પતિ યશવંત જાધવ BMCની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન હતા ત્યારે તેમની સામે અમુક કૉન્ટ્રૅક્ટરોને જ BMCનાં કામ આપીને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ થતાં તેમની સામે EDએ મામલો નોંધ્યો હતો. એટલું જ નહીં, ઇન્કમ ટૅક્સ વિભાગે તેમના ભાયખલાના ઘરે સતત ત્રણ દિવસ સર્ચ-ઑપરેશન કરીને ૧૩૦ કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરી હતી. જોકે બાદમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરતાં યશવંત જાધવ તેમની સાથે જોડાઈ ગયા હતા. હવે યામિની જાધવને લોકસભાનાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે એટલે હવે તેમનો મુકાબલો શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઉમેદવાર અને અહીંથી ત્રણ વખતના સંસદસભ્ય અરવિંદ સાવંત સાથે થશે.


મુંબઈમાં કોણ કોની સામે
મુંબઈ સાઉથ
યામિની જાધવ, શિવસેના
અરવિંદ સાવંત, શિવસેના (UBT)

મુંબઈ સાઉથ સેન્ટ્રલ
રાહુલ શેવાળે, શિવસેના
અનિલ દેસાઈ, શિવસેના (UBT)


મુંબઈ નૉર્થ સેન્ટ્રલ
ઉજ્જવલ નિકમ, BJP
વર્ષા ગાયકવાડ, કૉન્ગ્રેસ

મુંબઈ નૉર્થ ઈસ્ટ
મિહિર કોટેચા, BJP
સંજય દીના પાટીલ, શિવસેના (UBT)

મુંબઈ નૉર્થ વેસ્ટ
રવીન્દ્ર વાયકર, શિવસેના
અમોલ કીર્તિકર, શિવસેના (UBT)

મુંબઈ નૉર્થ
પીયૂષ ગોયલ, BJP
ભૂષણ પાટીલ, કૉન્ગ્રેસ

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK