Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જોજો, તમારી પાસે ૧૦ રૂપિયાના જે સિક્કા છે એ નકલી તો નથીને?

જોજો, તમારી પાસે ૧૦ રૂપિયાના જે સિક્કા છે એ નકલી તો નથીને?

Published : 06 February, 2023 07:57 AM | Modified : 06 February, 2023 08:39 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

કથિત બનાવટી ભારતીય સિક્કાઓ સાથે કચ્છી બિઝનેસમૅન પોલીસના સકંજામાં : દિલ્હી પોલીસને તેની કારમાંથી ૯,૪૬,૦૦૦ રૂપિયાના ૯૪,૬૦૦ કૉઇન્સ મળ્યા

મલાડના જિજ્ઞેશ ગાલા પર નકલી ભારતીય ચલણી સિક્કાઓનો બિઝનેસ કરવાનો આરોપ છે. આ કેસમાં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી છે અને આ કથિત કૌભાંડમાં બીજું કોણ-કોણ સંડોવાયેલું છે એની તપાસ કરી રહી છે.

મલાડના જિજ્ઞેશ ગાલા પર નકલી ભારતીય ચલણી સિક્કાઓનો બિઝનેસ કરવાનો આરોપ છે. આ કેસમાં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી છે અને આ કથિત કૌભાંડમાં બીજું કોણ-કોણ સંડોવાયેલું છે એની તપાસ કરી રહી છે.



મુંબઈ : મલાડ-ઈસ્ટમાં પુષ્પા પાર્કમાં આવેલા વલ્લભ બિલ્ડિંગમાં રહેતા અને ઘણાં વર્ષોથી ભારતીય ચલણી સિક્કાઓની લે-વેચનો બિઝનેસ કરતા ૪૧ વર્ષના કચ્છી યુવાન જિજ્ઞેશ ગાલાની મારુતિ ઇકો વૅનમાંથી ગુરુવારે દિંડોશી પોલીસ અને દિલ્હીની સ્પેશ્યલ સેલની પોલીસે સાથે મળીને દસ રૂપિયાના મૂલ્યના ૯,૪૬,૦૦૦ રૂપિયાની ફેસવૅલ્યુના ૯૪,૬૦૦ નકલી સિક્કા રિકવર કર્યા હતા. ત્યાર બાદ દિલ્હી પોલીસ જિજ્ઞેશ કથિત રીતે બનાવટી ચલણી સિક્કાઓનો બિઝનેસ કરતી હરિયાણાની એક ગૅન્ગ સાથે સંડોવાયેલો હોવાનો આરોપ મૂકીને તેની ધરપકડ કરીને તેને દિલ્હી લઈ ગઈ હતી. આ સમાચાર કચ્છી વાગડ સમાજમાં પ્રસરતાં ખળભળાટ મચી ગયો હતો. 

આખો મામલો શું છે?
આખા મામલાની શરૂઆત દસ મહિના પહેલાં થઈ હતી. દિલ્હીની સ્પેશ્યલ સેલની પોલીસે એપ્રિલ ૨૦૨૨ના રોજ હરિયાણાના ચરખી દાદરીમાં નકલી સિક્કા બનાવવાના એકમનો પર્દાફાશ કર્યો હતો અને એના માસ્ટરમાઇન્ડ નરેશ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ પહેલાં દિલ્હી પોલીસે નરેશ પાસેથી ૧,૦૧,૧૨૦ રૂપિયાની ફેસવૅલ્યુ સાથે ૧૦,૧૧૨ રૂપિયાના દસ રૂપિયાના નકલી ભારતીય સિક્કા રિકવર કર્યા હતા. નરેશની પૂછપરછને કારણે અન્ય ચારની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં બિહારના સંતોષ મંડલ, શ્રવણ શર્મા, ધર્મેન્દ્ર મહતો અને ધર્મેન્દ્ર શર્માનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસની ટીમ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ અન્ય લોકોને શોધવા માટે કેસ પર કામ કરી રહી હતી. 
એ સમયે દિલ્હી પોલીસને જાણકારી મળી હતી કે મુંબઈના શૉપિંગ મૉલ્સ અને બજારોમાં પણ નકલી ભારતીય સિક્કાઓ ફરી રહ્યા છે અને આ નકલી સિક્કાઓના કેસમાં મલાડ-ઈસ્ટનો રહેવાસી જિજ્ઞેશ ગાલા પણ સંકળાયેલો છે. 
આ માહિતી મળતાં જ દિલ્હી પોલીસે મુંબઈમાં આવીને પહેલી ફેબ્રુઆરીએ દિંડોશી પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમને મળેલી માહિતીના આધારે દિલ્હી અને દિંડોશી પોલીસે ગુરુવારે સાંજે જિજ્ઞેશ ગાલા તેની મારુતિ ઇકો વૅનમાં ચલણી સિક્કાઓ લઈને જઈ રહ્યો હતો ત્યારે દરોડો પાડીને દસ રૂપિયાના મૂલ્યના ૯,૪૬,૦૦૦ રૂપિયાની ફેસવૅલ્યુના ૯૪,૬૦૦ નકલી સિક્કા રિકવર કર્યા હતા અને કાર જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી. પછી દિલ્હી પોલીસ જિજ્ઞેશ ગાલાની ધરપકડ કરીને દિલ્હી લઈ ગઈ હતી. 



પોલીસ સામે જિજ્ઞેશ ગાલાએ શું કહ્યું?
દિલ્હી સ્પેશ્યલ સેલના ડેપ્યુટી પોલીસ કમિશનર ઇન્દ્રજિત પ્રતાપ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિજ્ઞેશ ગાલાએ તેની પૂછપરછ દરમ્યાન ખુલાસો કર્યો હતો કે તે છેલ્લાં સાતથી આઠ વર્ષથી ભારતીય ચલણી સિક્કાઓની ખરીદી અને સપ્લાયમાં સામેલ છે. શરૂઆતમાં તે સુરતની બૅન્કો, સ્થાનિક વેપારીઓ અને જૂના ચલણના વેપારીઓ પાસેથી ચલણી સિક્કા એકઠા કરતો હતો. જોકે‍ આ સેક્ટરમાં કામ કરતી વખતે તેણે અજાણી વ્યક્તિઓ પાસેથી પણ નકલી ચલણી સિક્કાઓને એકઠા કરવાનું શરૂ કર્યું હતું અને તે માસ્ટરમાઇન્ડ નરેશને મળ્યો હતો. નરેશકુમારે તેને નિયમિત નકલી ભારતીય ચલણી સિક્કાઓ સપ્લાય કરશે એવી ઑફર કરી હતી. આ તાંબા અને પિત્તળના સિક્કાઓ નરેશની ગૅન્ગ દ્વારા હરિયાણાની એક ફૅક્ટરીમાં બનાવવામાં આવ્યા હતા. નરેશ નકલી સિક્કાઓ જયપુરથી મુંબઈ ટ્રાવેલર બસમાં મોકલતો હતો તો ક્યારેક ટ્રાવેલ એજન્ટો દ્વારા પણ મોકલતો હતો. એનું એક કન્સાઇનમેન્ટ આઠથી દસ લાખ રૂપિયાનું રહેતું હતું. બે વર્ષમાં આવાં ૧૫થી ૧૬ કન્સાઇનમેન્ટ તેણે ઓપન માર્કેટમાં મોકલી દીધાં છે.’


જિજ્ઞેશ ગાલા આ બિઝનેસમાં કેવી રીતે આવ્યો?
જિજ્ઞેશ ગાલાને સિક્કાઓ જમા કરવાનો શોખ દવાની દુકાનમાં નોકરી કરતાં લાગ્યો હતો એમ જણાવીને ઇન્દ્રજિત પ્રતાપ સિંહે કહ્યું હતું કે ‘આરોપી પાંચ વર્ષનો હતો ત્યારે તેના પિતા કચ્છથી મુંબઈ આવ્યા હતા. દસમા ધોરણ પછી જિજ્ઞેશ દવાની એક દુકાનમાં નોકરીએ લાગ્યો હતો, જ્યાં તેને સિક્કા ભેગા કરવાનો શોખ લાગ્યો હતો. ધીરે-ધીરે તેણે બૅન્કોની સાથે સંબંધો બાંધીને મોટા ઑર્ડર લઈને ચલણી સિક્કાના બિઝનેસની શરૂઆત કરી હતી. આ ઑર્ડર મૉલ અને ટોલનાકા જેવા અનેક ભાગોમાં સપ્લાય કરતો હતો. ધીરે-ધીરે તેની પાસે ઑર્ડર વધવા લાગ્યા હતા. જિજ્ઞેશે જોયું કે આ સિક્કાઓની કોઈ ચકાસણી કરતું નથી, કારણ કે ચકાસણી માટે કોઈ સાધનો કે લૅબ છે જ નહીં. એને કારણે લોકો તેની પાસેથી આંધળો વિશ્વાસ કરીને સિક્કાઓ ખરીદે છે. આથી તેને અજાણ્યા લોકો પાસેથી નકલી સિક્કાઓ ખરીદીને એને તેની પાસે રહેલા અસલી સિક્કાઓ સાથે મિક્સ કરીને વેચવાનું શરૂ કર્યું હતું. જિજ્ઞેશ તેની સુરક્ષા ખાતર તેની સાથે બૅન્કોનાં પત્રો અને સર્ટિફિકેટો રાખતો હતો અને બિન્દાસ માર્કેટમાં નકલી સિક્કાઓનું મૉલ અને મંદિરોમાં વેચાણ કરવા લાગ્યો હતો. અમને મળેલી માહિતી પ્રમાણે જિજ્ઞેશ નકલી ચલણી સિક્કાઓ બનાવવાનાં મશીનો પણ વેચતો હતો. આ સંદર્ભમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

મારો ભાઈ નિર્દોષ છે
મૂળ કચ્છના લાકડિયા ગામના જિજ્ઞેશ ગાલાના ભાઈ નીલેશ ગાલાએ તેનો ભાઈ જિજ્ઞેશ નિર્દોષ હોવાનો દાવો કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિજ્ઞેશ છેલ્લાં ૧૫-૧૬ વર્ષથી ચલણી સિક્કાઓની લે-વેચનો લીગલી બિઝનેસ કરે છે. આજ સુધી તેની સામે કોઈએ આંગળી ચીંધી નથી. તેની પાસેથી પકડાયેલા ચલણી સિક્કાઓ અધિકૃત છે કે નહીં એની સરકારી ટંકશાળમાં ચકાસણી કરવામાં આવશે. અત્યારે તો પોલીસને જિજ્ઞેશ પાસેથી આટલી મોટી સંખ્યામાં સિક્કા મળ્યા હોવાથી એ નકલી હોવાની શંકા છે. જ્યાં સુધી પોલીસને મળેલા સિક્કાઓ બનાવટી છે એવું પુરવાર ન થાય ત્યાં સુધી જિજ્ઞેશ પર નકલી સિક્કાઓનો બિઝનેસ કરે છે એવો આક્ષેપ કરવો યોગ્ય નથી. અમને તો લાગે છે કે જિજ્ઞેશ કોઈ મોટા ષડ્યંત્રનો શિકાર બન્યો છે.’

 


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2023 08:39 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK