મોહમ્મદ શરીફની ધરપકડ ૧૯ જાન્યુઆરીએ કર્ણાટકના દક્ષિણ કન્નડમાંથી કરી તેને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરાયો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નવી દિલ્હી :યુએઈના સરકારી અધિકારીનો સ્વાંગ રચી દેશની રાજધાની નવી દિલ્હીની હોટેલનું ૨૩ લાખ રૂપિયાનું બિલ ચૂકવ્યા વિના પલાયન થયેલી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું દિલ્હી પોલીસે જણાવ્યું હતું.
બનાવટી બિઝનેસ કાર્ડ રજૂ કરીને દિલ્હીની લીલા પૅલેસમાં લગભગ ત્રણ મહિના કરતાં વધુ સમય માટે રોકાણ કરનારી આ વ્યક્તિની ઓળખ કર્ણાટકના દક્ષિણ કન્નડના ૪૧ વર્ષના મોહમ્મદ શરીફ તરીકે કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મોહમ્મદ શરીફ હોટેલની કીમતી ચીજો લઈને તેમ જ ૨૩,૪૬,૪૧૩ રૂપિયાનું બિલ છોડીને પલાયન થતાં હોટેલને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો : દિલ્હી મહિલા પંચનાં ચીફને પરેશાન કરનારે બીજી એક મહિલાને પણ ટાર્ગેટ કરી હતી
હોટેલના જનરલ મૅનેજર અનુપમ દાસ ગુપ્તાની ફરિયાદના આધારે સરોજિની નગર પોલીસ સ્ટેશને ૧૪ જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપી મોહમ્મદ શરીફ પહેલી ઑગસ્ટ, ૨૦૨૨થી ૨૦ નવેમ્બર, ૨૦૨૨ સુધી હોટેલમાં રહ્યા બાદ હોટેલની કીમતી ચીજો ચોરીને બિલ ચૂકવ્યા વિના ભાગી ગયો હતો. પલાયન થયેલા આ ગુનેગારને પકડવા માટે પોલીસે એક ટીમનું ગઠન કર્યું હતું. મોહમ્મદ શરીફની ધરપકડ ૧૯ જાન્યુઆરીએ કર્ણાટકના દક્ષિણ કન્નડમાંથી કરી તેને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ પોતાને યુએઈ સરકાર (હિઝ હાઇનેસ શેખ ફલાહ બિન ઝાયેદ અલ નાહયાનના કાર્યાલય)ના મહત્ત્વના અધિકારી તરીકે જણાવતા બનાવટી બિઝનેસ કાર્ડ ઉપરાંત પોતાના રહેઠાણના કાર્ડ પણ રજૂ કર્યા હતા. લગભગ સાડાત્રણ મહિના રોકાણ કર્યા બાદ ૨૦ લાખ રૂપિયાનો પોસ્ટ ડેટેડ ચેક આપીને હોટેલની કીમતી ચીજો સાથે રવાના થઈ ગયો હતો. જોકે ચેક પાછો ફરતાં તેની બદદાનત ઉઘાડી પડી હતી.