જુહુની ગુલમોહર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના છેલ્લા રહેવાસીએ મકાન ખાલી કર્યું.
મેટ્રો 2Bનો માર્ગ મોકળો
ફક્ત એક જણના કારણે સરકારનો આખેઆખો પ્રોજેક્ટ અટકી પડ્યો હોય એવું જ્વલ્લેજ સાંભળવા મળે છે. જોકે મુંબઈ મેટ્રો 2Bના વિસ્તારનું કામ આ પ્રકારે એક જ વ્યક્તિના કારણે અટકી પડ્યું હતું. જુહુની ગુલમોહર સોસાયટીમાં રહેતી તે વ્યક્તિએ આખરે પોતાનું મકાન ખાલી કરતાં હવે મેટ્રોના વિસ્તારનું કામ આગળ વધી શકશે.
ગુલમોહર સોસાયટીમાં બેન મુથન્નાએ સોસાયટીના બધા જ રહેવાસીઓએ ઘર ખાલી કરી દીધું છતાં પોતાનું મકાન છોડવાનો ઇનકાર કરતાં મેટ્રો પ્રોજેક્ટનું કામ અટક્યું હતું. છેલ્લાં ૪૫ વર્ષથી અહીં રહેતા બેને ૧૬ નવેમ્બરે પોતાનું ઘર ખાલી કર્યું હતું. લગભગ અડધી સદીથી અહીં રહેતા બેને ઘર છોડતાં ગુલમોહર સોસાયટી સહિત અન્ય જૂનાં બિલ્ડિંગોને તોડી પાડવાનું કામ ૧૭ નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યું હતું જેને પગલે હવે મેટ્રોના વિસ્તાર માટેનું બાંધકામ શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે.
ADVERTISEMENT
બેન મુથન્નાનો ઇરાદો સરકારના કામમાં કે શહેરના વિકાસમાં બાધા નાખવાનો નહોતો, પરંતુ આટલાં વર્ષો જ્યાં વિતાવ્યાં છે એ જગ્યાથી લાગણીથી બંધાયેલા હોવાના કારણે પોતાના બાળપણને જ્યાં જવાન થતાં જોયું હોય એ ભીંતો, છત અને સોસાયટી પ્રત્યે ઊભી થયેલી આસક્તિના કારણે એને છોડવાના વિચારથી અનુભવાતું દુઃખ હતું. બેનની સ્થિતિ હાલમાં જ રિલીઝ થયેલી મનોજ બાજપેયીની ‘લાસ્ટ મૅન ઇન ટાવર’ ફિલ્મની પટકથાથી મળતી આવે છે જેમાં મનોજ બાજપેયી રીડેવલપમેન્ટ માટે ઘર ખાલી કરવા તૈયાર થતો નથી.
ઉલ્લેખનીય છે કે બેન ગુલમોહર સોસાયટીના બીજા માળે ફ્લૅટ-નંબર ૯મા રહેતા હતા. બેનનું કુટુંબ ૧૯૮૧માં અહીં શિફ્ટ થયું હતું. પોતાના જીવનનાં ૪૫ વર્ષ આ ઘરમાં વિતાવનારા બેન તેમના કુટુંબના છેલ્લા સભ્ય છે જે આ ઘરમાં રહેતા હતા. આ પહેલાં તેમની બહેન કુર્ગ શિફ્ટ થઈ ગઈ હતી અને ૨૦૨૬માં બ્રેસ્ટ-કૅન્સરના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
૮ વર્ષ સુધી રોકી રાખ્યો પ્રોજેક્ટ
બેનની વ્યક્તિગત લાગણીઓ એક સ્થાને છે અને શહેરનો વિકાસ બીજા સ્થાને. શહેરનો વિકાસ પણ મહત્ત્વનો છે. શહેરના વિકાસ અને ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી માટે મેટ્રો પ્રોજેક્ટનો વિસ્તાર જરૂરી હોવાથી અને આ બિલ્ડિંગ એલિવેટેડ કૉરિડોરના ૧૮૫ મીટરના પટ્ટામાં અવરોધરૂપ હોવાથી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા બેનને ઘર ખાલી કરવા માટે અનેક વખત મનાવવામાં આવ્યા હતા. જોકે બેન અહીંથી ખસવા તૈયાર નહોતા. લગભગ ૮ વર્ષ સુધી બેને આ પ્રોજેક્ટને રોકી રાખ્યો હતો. મેટ્રોની ડેડલાઇન નજીક આવતી હોવાથી બેનને મનાવવાના પ્રયત્નો વધુ પ્રબળ બનાવવામાં આવ્યા અને ૧૩ નવેમ્બરે બેનને ૬ બીજા ફ્લૅટ બતાવવામાં આવ્યા. જોકે બેનને એમાંથી એક પણ પસંદ આવ્યો નહોતો. આખરે બેન MMRDAની વાત માની ગયા હતા અને વન બેડરૂમ હૉલ કિચન તથા ઓપન ટેરેસ ધરાવતા MHADAના સ્ટાફ ક્વૉર્ટર્સના બિલ્ડિંગમાં શિફ્ટ થવા માન્યા.
