જેજેસી નૉર્થ ઈસ્ટ દ્વારા આયોજિત ‘આત્મનિર્ભર લોન પરિસંવાદ’માં કેન્દ્ર સરકારની વિવિધ આર્થિક સહાય યોજનાઓની વિગતવાર છણાવટ થશે
પ્રતીકાત્મક તસવીર
જૈન જાગૃતિ સેન્ટર (જેજેસી)ના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે જેજેસી નૉર્થ ઈસ્ટ દ્વારા આખા વર્ષ દરમ્યાન અનેક લોકોપયોગી કાર્યક્રમો આયોજિત થવાના છે, જે અંતર્ગત હાલમાં રક્તદાન શિબિરનું આયોજન ભારતભરમાં ફેલાયેલાં ૧૭૦ સેન્ટર્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
હવે જેજેસી નૉર્થ ઈસ્ટ દ્વારા શુક્રવારે ૨૧ ફેબ્રુઆરીએ ઘાટકોપરના ઝવેરબેન સભાગૃહ ખાતે સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા દરમ્યાન એક અતિ મહત્ત્વના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ વિવિધ ક્ષેત્રના વ્યાવસાયિકો લઈ શકે છે.
ADVERTISEMENT
જેઓ પોતાના વ્યવસાયનો વિકાસ કરવા ઇચ્છતા હોય કે જેઓ નવો ધંધો શરૂ કરવા ઇચ્છતા હોય તેમના માટે કેન્દ્ર સરકાર તરફથી ‘આત્મનિર્ભર ભારત યોજના’ અંતર્ગત ૩૫ ટકા સબસિડી તથા એક લાખ રૂપિયાથી બે કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે. ‘આત્મનિર્ભર બિઝનેસ લોન’ પરિસંવાદમાં ભારત સરકાર દ્વારા નાના-મોટા વ્યાવસાયિકોને પોતાના વ્યવસાયના વિકાસ માટે તથા નવો વ્યવસાય શરૂ કરવા માટે ઉપલબ્ધ આર્થિક સહાય યોજનાઓ બાબતે વિગતવાર છણાવટ કરીને સમજણ આપવામાં આવશે.
સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ તથા બૅન્કના અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ પરિસંવાદ વ્યાવસાયિકોને નવી દિશા દાખવનાર સિદ્ધ થઈ શકશે. ‘આત્મનિર્ભર બિઝનેસ લોન’ મેળવવા માટે કયા-કયા માપદંડ છે, કોણ-કોણ એ લોન મેળવી શકે અને કઈ રીતે એની પરતભરપાઈ કરવાની હોય છે એવાં વિવિધ પાસાંઓની વિગતવાર છણાવટ થકી વ્યવસાયના વિકાસ માટે તથા નવો વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી આર્થિક સહાય મેળવવામાં આ સેમિનાર સહાયક સિદ્ધ થઈ શકશે.
આ પરિસંવાદમાં આવવા ઇચ્છુકોએ પોતાનાં નામ વૉટ્સઍપ-નંબર 98693 95615 ઉપર નોંધાવવાં આવશ્યક છે.


