મરીન સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટની ધ્રુવતારા બોટ, રેસ્ક્યુ ટીમ અને ઍમ્બ્યુલન્સ સર્વિસની ટુકડીએ સાથે મળીને ડૉક્ટરની શોધખોળ શરૂ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની જે. જે. હૉસ્પિટલના ડૉક્ટરે રવિવારે રાતે અટલ સેતુ પરથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાની શંકા ઉળવે પોલીસે વ્યક્ત કરી હતી. ઘટનાસ્થળ પરથી તેમની કાર અને આઇ-ફોન મળી આવ્યાં હતાં. મરીન સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટની ધ્રુવતારા બોટ, રેસ્ક્યુ ટીમ અને ઍમ્બ્યુલન્સ સર્વિસની ટુકડીએ સાથે મળીને ડૉક્ટરની શોધખોળ શરૂ કરી છે. હજી સુધી ડૉક્ટરને શોધી શકાયા નથી.
રવિવારે રાતે ૯.૪૩ વાગ્યે અટલ સેતુના મુંબઈ તરફ આવતા માર્ગ પર ૧૧.૮૦૦ કિલોમીટરના માર્ક પરથી એક વ્યક્તિએ ખાડીમાં ઝંપલાવી દીધું હોવાની અટલ સેતુ કન્ટ્રોલ રૂમને જાણ થઈ હતી. કન્ટ્રોલ રૂમે તાત્કાલિક ઉળવે પોલીસને જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી હૉન્ડા અમેઝ કાર અને આઇ-ફોન મળી આવ્યાં હતાં જેની ખરાઈ કરવા માટે પોલીસે મોબાઇલમાંથી જ તેમના પરિવારજનોનો કૉન્ટૅક્ટ કર્યો હતો. પરિવારજનોએ સામાનની ખરાઈ કરી હતી. વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે અટલ સેતુ પરથી ઝંપલાવનારનું નામ ડૉ. ઓમકાર કવિત્કે છે. તેઓ કળંબોલીના સેક્ટર-૨૦માં અવિનાશ સોસાયટીમાં રહે છે અને જે. જે. હૉસ્પિટલમાં કામ કરે છે. તેઓ અપરિણીત હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ડૉક્ટરે આ પગલું કેમ ભર્યું એનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. અટલ સેતુ કન્ટ્રોલ રૂમનાં ફુટેજ તપાસીને પોલીસ બનાવ કેવી રીતે બન્યો એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે.

