સ્થાનિક રહેવાસીઓ કહે છે કે મહાનગરપાલિકાના કર્મચારીઓની વસાહતમાં આવેલા આ મંદિરને નોટિસ પ્રમાણે જો આજે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે તો અમે અમારા જાનના જોખમે એને બચાવવા ઝઝૂમીશું એમાં કોઈ શંકા નથી
આર્થર રોડ પર મહાનગરપાલિકાના કર્મચારીઓની વસાહતની બહાર આવેલું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર
આર્થર રોડ નાકા પર મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓની વસાહત પાસે આવેલા ૧૦૦ વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને મહાનગરપાલિકા અને એક બિલ્ડરે તોડી પાડવાની ફાઇનલ નોટિસ આપતાં સ્થાનિક રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં આક્રોશ ફેલાયો છે. તેઓ કહે છે કે મહાનગરપાલિકા કે બિલ્ડરની સત્તા સામે શાણપણ નકામું છે, પરંતુ જો આ મંદિરને નોટિસ પ્રમાણે આજે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે તો અમે અમારા જાનના જોખમે એને બચાવવા ઝઝૂમીશું એમાં કોઈ શંકા નથી.
ચિંચપોકલી-વેસ્ટમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને ૧૦૦થી અધિક વર્ષ થયાં હશે. એને જાન્યુઆરીના અંતમાં મહાનગરપાલિકા દ્વારા તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે. ગુજરાતી સમાજે બનાવેલું પૌરાણિક એવું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સ્થાનિક લોકોની ધાર્મિક આસ્થાનું પ્રતીક છે. ૧૦૦ વર્ષથી આ લોકોએ આ મંદિરનું જતન કરીને સમાજ અને લોકોમાં ધાર્મિક આસ્થા અકબંધ રાખી છે.
ADVERTISEMENT
સ્થાનિક લોકો કહે છે કે વિકાસના કાર્યમાં આ મંદિર જરાય અડચણરૂપ છે જ નહીં. અહીં ગુજરાતી, મરાઠી અને ઇતર સમાજના લોકો તેમ જ વરિષ્ઠ સરકારી અધિકારીઓ આસ્થા રાખે છે અને પૂજા-અર્ચના કરવા આવે છે. સ્થાનિક લોકોમાં આક્રોશ છે અને વિવિધ ઝુંબેશ દ્વારા મૂક વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. સ્થાનિક વિધાનસભ્ય, ભૂતપૂર્વ વિધાનસભ્યો, ભૂતપૂર્વ મેયર, સામાજિક આગેવાનો દ્વારા પોલીસ-કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરવા છતાં કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી.
એનાથી પણ વધુ મહત્ત્વનો મુદ્દો એ છે કે આ મંદિરના ૧૦૦ મીટરના અંતરમાં જ સંતોષીમાતાનું મંદિર ફુટપાથ પર આવેલું છે. આમ છતાં એને ડિમોલિશ કરવાને બદલે કૉર્ડન કરીને અભયદાન આપવામાં આવ્યું છે એ બાબત પર દુઃખ વ્યક્ત કરતાં સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમારી એ મંદિર ડિમોલિશ થાય એવી કોઈ ડિમાન્ડ કે ઇરાદો નથી. અમે કોઈ વિવાદ પણ ઊભો કરવા માગતા નથી. જોકે સત્ય તો એ છે કે એ મંદિરની સ્થાપના મરાઠી સંસ્થાએ કરી છે, જ્યારે મહાલક્ષ્મી મંદિરની સ્થાપના ગુજરાતીઓ દ્વારા કરવામાં આવી છે. અમારો સવાલ એક જ છે કે ગુજરાતીઓ સાથે અન્યાય કેમ? અમે તો દિલથી ઇચ્છીએ છીએ કે બન્ને મંદિર બચી જાય અને શ્રદ્ધાળુઓનાં દિલ દુભાય નહીં.’

શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ૧૦૦ મીટરના અંતરમાં આવેલું સંતોષીમાતાનું મંદિર (ઉપર) અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને આપવામાં આવેલી નોટિસ
અમારી પાસે જમીનના પુરાવા નથી, પણ આ મંદિર બાંધવામાં આવ્યું એ બાબતના સઘળા પુરાવા છે એમ જણાવતાં રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમે એનો પ્રૉપર્ટી ટૅક્સ પણ રેગ્યુલર ભરીએ છીએ. અમે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સૂચિત સ્થળ પર મંદિર સ્થળાંતર કરવાના અને એને ડિમોલિશ કરવાના મહાનગરપાલિકા અને બિલ્ડરના પગલાનો સખત વિરોધ કરી રહ્યા છીએ. આ ધર્મસ્થાનકને બચાવવા માટે અગાઉ આદિત્ય ઠાકરે અને મુંબઈનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે એ સ્થળની મુલાકાત પણ લીધી હતી. તેમણે એ સમયે ચેતવણી પણ આપી હતી કે આ મંદિરને સ્પર્શ કરવામાં આવશે તો એનાથી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના વેચાણ પર પણ ચોક્કસ અસર થશે.’
આ મંદિરની સ્થાપના અમારા વડીલોએ ૧૦૦ વર્ષ પહેલાં અમારા સમાજને આપેલા કેન્દ્રબિંદુ સમાન છે એમ જણાવતાં સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘આજે સવારે ૯ વાગ્યે મહાનગરપાલિકા આ મંદિરના તોડફોડની કાર્યવાહી કરવા આવશે ત્યારે સ્થાનિક રહેવાસીઓ અને મેઘનગર વિસ્તાર જ નહીં સમગ્ર મુંબઈના સમાજના લોકો એનો જોરદાર વિરોધ કરવા એકત્રિત થશે. મુંબઈની અમારા સમાજની તમામ પંચાયતો અને સર્વ શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ અમારા વડવાઓની ધરોહર સમાન મંદિરના અસ્તિત્વ માટેની લડતમાં સાથસહકાર આપશે.’
મહાનગરપાલિકા શું કહે છે?
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર મહાનગરપાલિકાના જે વૉર્ડ હેઠળ આવે છે એ વૉર્ડના એક ઉચ્ચ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારી નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે નવા પ્રોજેક્ટમાં બુદ્ધવિહાર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને સાંઈબાબાના મંદિરનું નવનિર્માણ કરવામાં આવશે. બુદ્ધવિહાર અને સાંઈબાબાના મંદિરની મૂર્તિઓ નવનિર્માણ ન થાય ત્યાં સુધી બાજુના શેડમાં સ્થળાંતર કરવામાં આવી છે, પરંતુ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના સંચાલકો અમારી વાત પર વિશ્વાસ રાખ્યા વગર સતત વિરોધ કરી રહ્યા છે જેને કારણે મહાનગરપાલિકાની ઇમારતોના રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે.’


