વિલે પાર્લેમાં જૈન સમાજના ચારેય ફિરકાઓની મળેલી સભામાં જૈન સમાજને જાગવાની હાકલ કરવામાં આવી: રાજસ્થાન અને ગુજરાતના અકસ્માતોમાં જૈન સંતો કાળધર્મ પામ્યા એ પછી જૈન સમાજની પોલીસ સમક્ષ માગણી
ગઈ કાલે વિલે પાર્લે-ઈસ્ટમાં એમ. જી. રોડ પર આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન દેરાસરમાં યોજાયેલી મીટિંગ.
રાજસ્થાનના પાલી અને ગુજરાતના બારડોલી પાસે તાજેતરમાં થયેલા જૈન સાધુઓના રોડ-અકસ્માત એ અકસ્માત નથી પણ સાધુઓની નિર્મમ હત્યા છે. પ્રત્યેક પૂજ્ય ગુરુભગવંત જિન શાસનની અણમોલ મૂડી છે, પ્રત્યેક સાધુભગવંત જંગમ તીર્થ છે. આ ઘટના માત્ર દુર્ઘટના નથી, જૈન શાસનના કાળજા પરનો કુઠારાઘાત છે. પોલીસે આવા અકસ્માતને ડ્રાઇવરની લાપરવાહીની દૃષ્ટિએ જોવાને બદલે એક સાજિશ તરીકે જોઈને ડ્રાઇવરો સામે ગુનો નોંધવો જોઈએ અને કોઈના પણ દબાણમાં આવ્યા વગર આખા બનાવની નિષ્પક્ષ તપાસ કરીને ડ્રાઇવર અને તેની સાથે સંકળાયેલા ગ્રુપ કે ટોળી પર કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. પ્રશાસન અને સરકારે આવા બનાવોમાં રસ લઈને આવી હત્યાઓને રોકવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ તેમ જ ભારતભરના જૈન સંઘોએ લીગલ ટીમોની રચના કરીને આવા બનાવો સામે લડત આપવી જોઈએ.
ગઈ કાલે વિલે પાર્લેમાં જૈનાચાર્યો અને સંતોની નિશ્રામાં યોજાયેલી એક સભામાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન, શ્રી વિલે પાર્લે પાર્શ્વ જૈન સંઘ ઍન્ડ ચૅરિટીઝ દ્વારા આ માગણીઓ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અકસ્માત નહીં, હત્યાનો ટાર્ગેટ
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના કમલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલની સભામાં જૈનાચાર્ય પુંડરિકસ્વામી અને મુનિ અભિનંદન મહારાજસાહેબના હત્યાના આશયથી કરવામાં આવેલા રોડ-અકસ્માત સામે જૈન સાધુઓ અને શ્રાવકોમાં જબરદસ્ત આક્રોશ હતો. સરકાર અને પોલીસ-પ્રશાસન આ બનાવો સામે આંખ આડા કાન કરવાને બદલે એને ગંભીરતાથી લઈને સંબંધિત ડ્રાઇવરો અને ટોળીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે. હમણાં જે રીતના રોડ-અકસ્માત રાજસ્થાન અને ગુજરાતમાં થયા અને સાધુઓ કાળધર્મ પામ્યા એવા અકસ્માતો મહિનામાં ઓછામાં ઓછા બેથી ત્રણ થતા રહે છે જેનો અંત લાવવો જરૂરી છે. ડ્રાઇવરો અને તેમના માલિકો સામે ઍક્શન લેવાને બદલે તેમને છોડી મૂકવામાં આવે છે જે ખરેખર દુખદ ઘટના છે. હમણાંના બન્ને અકસ્માતો દિવસના સમયમાં થયા છે તેમ જ જે રીતે અકસ્માત થયા એ જાણે સાધુભગવંતનું મોત બનીને આવ્યા હોય એ સ્પષ્ટ દેખાય છે.’
સાધુભગવંતોએ આ સભામાં કહ્યું હતું કે ‘અમારી તો એક જ માગણી છે કે આ બન્ને અકસ્માતોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અમે જાણતા નથી કે કોણ ગુનેગાર છે, અમે જાણતા નથી કે એમાં કોણ સંડોવાયેલું છે, પણ જે રીતે અકસ્માતો થાય છે એની મોડસ ઑપરેન્ડી જોતાં આ ડ્રાઇવરની લાપરવાહી નહીં પણ જૈન સાધુઓની હત્યા કરવાનો ટાર્ગેટ જ દેખાઈ આવે છે. પોલીસે આ સંદર્ભમાં આની પાછળનો ઉદ્દેશ જાણવાની તેમ જ ડ્રાઇવરો કોના કહેવાથી આ કરી રહ્યા છે એ જાણીને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર છે. પોલીસે જૈન સમાજની લાગણીને સમજીને આ બન્ને બનાવમાં અને ભવિષ્યમાં આવા અકસ્માતોના બનાવોમાં ઊંડાણ અને ગંભીરતાપૂર્વક તપાસ કરીને ગુનેગારોને કડકમાં કડક સજા કરવી જોઈએ.’
જૈન સમાજને જાગવાની હાકલ
ગઈ કાલની સભા કલાપૂર્ણ સમુદાયના આચાર્ય કનકરત્નસૂરીશ્વરજી, આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી, ભુવનભાનુસૂરી સમુદાયના આચાર્ય મુક્તિવલ્લભસૂરીશ્વરજી, આચાર્ય અજિતશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ તેમ જ અન્ય સાધુસંતોની નિશ્રામાં યોજવામાં આવી હતી જેમાં આ સાધુઓએ જૈન સાધુઓના હત્યાના આશયથી થઈ રહેલા રોડ-અકસ્માતો સામે તેમની વ્યથા વર્ણવી હતી એમ જણાવતાં શ્રી વિલે પાર્લે પાર્શ્વ જૈન સંઘ ઍન્ડ ચૅરિટીઝના પ્રમુખ પ્રવીણ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સભામાં જૈનોના ચારેય ફિરકાઓના આગેવાનો અને મહારાષ્ટ્રના કૅબિનેટ મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢાએ જૈન સાધુઓના થઈ રહેલા રોડ-અકસ્માતો સામે જૈન સમાજને જાગવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી જૈન સમાજ જાગશે નહીં અને એવી માન્યતા સાથે સૂતા રહેશે કે બાજુના ઘરમાં આગ લાગી છે, મારા ઘરમાં લાગશે ત્યારે જોઈશું તો એનાથી આવા બનાવો પર અંકુશ લાવી શકાય નહીં. જૈનોના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ રાજસ્થાનના ચીફ મિનિસ્ટરને મળવા જઈ રહ્યું છે એની સાથે જવા હું પણ તૈયાર છું એમ પણ મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું. મંગલ પ્રભાત લોઢાએ સભામાં જ સ્પીકર-ફોન કરીને પાલીના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સાથે વાત કરીને તેમની પાસે પ્રૉમિસ લીધું હતું કે તેઓ ગુનેગાર ડ્રાઇવર અંકિત જાટને પોલીસ-કસ્ટડીમાં નાખીને તેની સામે કાયદાની કડકમાં કડક કલમ લગાડીને મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરશે.’
પાલીમાં સાધુઓની સુરક્ષા માટે બાઉન્સર

રાજસ્થાનમાં જૈનાચાર્ય પુંડરિકસ્વામી રત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબ (ડાબે) અને બારડોલીમાં અભિનંદન મુનિ રોડ-અકસ્માતમાં કાળધર્મ પામ્યા હતા.
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના કન્વીનર નીતિન વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલીમાં બિરાજમાન મુનિશ્રી મહાવિદેહ વિજયજી મહારાજસાહેબ અને અન્ય મુનિ ભગવંતોને મુંબઈ સંગઠન તરફથી ચાર બાઉન્સરની મજબૂત સુરક્ષા આપવામાં આવી છે. આ સિવાય પણ જે પ્રકારની સુરક્ષાની જરૂર હશે એ તાત્કાલિક પૂરી કરવામાં આવશે.


