એમ ૧૧ ડિસેમ્બરથી ગાયબ યશ કેટરર્સના હિતેશ રાઠોડને દસ લાખ ઍડ્વાન્સ આપનાર દુલ્હનના પિતા કહે છે : કાંદિવલીના પ્રખ્યાત યશ કેટરરનો માલિક ઘણાના ઍડ્વાન્સ લઈને ગાયબ હતો, પણ હવે તે પોલીસ સામે હાજર થવા તૈયાર : આર્થિક ભીંસને લીધે ગુમ થયો હતો
કાંદિવલીમાં યશ કેટરર્સની ઑફિસ અને હિતેશ રાઠોડ.
મુંબઈ ઃ પાંચ દિવસ સુધી રહસ્યમય રીતે ગાયબ રહીને અહીં ભલભલાના શ્વાસ અધ્ધર કરી નાખનાર કાંદિવલીના મહાવીર નગરમાં ઑફિસ ધરાવતા યશ કેટરર્સના હિતેશ રાઠોડે તેના મિત્રને જણાવ્યું કે મારો ઇરાદો અધિકારી સામે આત્મસમર્પણ કરવાનો છે. રાઠોડે સુરતમાં હોવાનો દાવો કરીને શુક્રવારે રાતે મુંબઈ આવાની બાંયધરી આપી હતી. તેણે ગાયબ થવા પાછળ આર્થિક સંકડામણનું કારણ આપ્યું હતું. દુલ્હા-દુલ્હનના પરિવારોએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે રાઠોડ પાછો આવીને ફરી તેનું ઇવેન્ટ બુકિંગનું કામ શરૂ કરી દેશે. રાઠોડ ૧૧ ડિસેમ્બરે સોમવારે ગુમ થયો હતો. લગ્નની સીઝન ચાલુ છે ત્યારે કાંદિવલીના આ વિખ્યાત કેટરર ઘણાં પાસેથી ઍડવાન્સ લઈને ગુમ થઈ જતા તેને કેટરિંગનું કામ સોંપનારાઓમાં ભારે રોષ ફેલાયો હતો.
એફઆઇઆર કરવામાં ખચકાટ નહીં
રાઠોડના મિત્ર અને બિઝનેસમાં સહ-કર્મચારીને તેનો ફોન આવ્યો હતો, જેમાં તેણે રડતાં-રડતાં કહ્યું કે ‘મેં બિઝનેસમાં બધું ગુમાવી દીધું છે અને મારા માથે દેવું થઈ ગયું છે. મેં જેમની પાસેથી વેડિંગનું બુકિંગ લીધું છે તેમને હું ફેસ નથી કરી શકતો. હું આજે (શુક્રવારે) રાતે મુંબઈ આવી રહ્યો છું અને તમામ પડકારનો સામનો કરવા તૈયાર છું.’
કાંદિવલી પોલીસ-સ્ટેશનનાં સૂત્રોનું કહેવું છે કે ‘અમે નોંધ્યું છે કે કેટલાક ગભરાયેલા પીડિતો એફઆઇઆર નથી નોંધાવી રહ્યા, કારણ કે તેમણે રાઠોડને કૅશમાં ચૂકવણી કરી છે એવી અમને શંકા છે. આથી જ તેઓ આગળ આવવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. અમે લોકોને ફરિયાદ દાખલ કરવા વિનંતી કરી છે.’
રાઠોડ પાછો આવવાની આશા દર્શાવીને તેના મિત્રએ કહ્યું કે રાઠોડે મારી પાસે ૬.૫ લાખ રૂપિયા ડેકોરેશનના લીધા છે. અમે તે પાછો આવે અને લોકોના પૈસા આપે એવી અપેક્ષા રાખીએ છીએ.
‘મિડ-ડે’એ એવા એક બ્રાઇડના પરિવાર સાથે વાત કરી જેનો પ્રસંગ ૧૪ ડિસેમ્બરે હતો અને તેમનો આ પ્રસંગ હિતેશ રાઠોડ ગુમ થઈ જવાથી બગડ્યો હતો. તેમણે દસ લાખ રૂપિયા રાઠોડને ઍડવાન્સ ચુકવ્યા હતા. દુલ્હનના પિતાએ જણાવ્યું હતું કે ‘હિતેશે મારી દીકરીનો લગ્નપ્રસંગ બગાડ્યો છે. તે અમારા પૈસા લઈને નાસી ગયો છે. હું તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવું છું અને તેને જેલના સળિયા ગણતો જોવા માગું છું. મેં જેમતેમ કરીને મારા મિત્રો અને સગાંસંબંધીઓ પાસેથી બે દિવસમાં ૧૫ લાખ રૂપિયા ભેગા કરીને દીકરીનાં લગ્ન પાર પાડ્યાં હતાં.’
અન્ય માતા-પિતા જેમણે ૩૦-૪૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા તેમણે પણ ફરિયાદ નોંધાવીને રાઠોડને જેલમાં ધકેલવાની માગણી કરી છે.


