છેલ્લા કેટલાક દિવસોથી કાંદિવલી પૂર્વ (Kandivali East) લોખંડવાલા ટાઉનશિપ વિસ્તારમાં આવેલી અલિકાનગર સોસાયટી (Mumbai News)માં છૂપી રીતે ઝાડની કતલ થઈ રહી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે
કપાયેલા ઝાડ (જમણે) અને બગીચામાં ફેલાયેલા સિમેન્ટના પથ્થરો (ડાબે)
છેલ્લા કેટલાક દિવસોથી કાંદિવલી પૂર્વ (Kandivali East) લોખંડવાલા ટાઉનશિપ વિસ્તારમાં આવેલી અલિકાનગર સોસાયટી (Mumbai News)માં છૂપી રીતે ઝાડની કતલ થઈ રહી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સોસાયટીના ગાર્ડનમાં આવેલા 20 વર્ષથી વધુ જૂના અને મધ્યમ અને નાના કદના ઝાડને છે બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)ની પરવાનગી વગર કાપવામાં આવ્યા છે. પહેલાં કેટલાક સુકાઈ ગયેલા ઝાડને હટાવવામાં આવ્યા હતા અને બાદમાં આખા ગાર્ડનમાં સિમેન્ટના પથ્થરો એ રીતે પાથરવામાં આવ્યા હતા, જેથી અન્ય મોટા વૃક્ષોને પણ અસર થાય.
આ વિશે લોખંડવાલા રેસિડેન્ટ્સ એસોસિયેશનના સ્થાપક (એલઆરએ) અને ઍક્ટિવિસ્ટ શિશિર શેટ્ટીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીટ ઑફિસરને (Mumbai News) નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, “7મી ડિસેમ્બરના રોજ જ્યારે હું મોર્નિંગ વૉક કરીને પાછો આવ્યો ત્યારે મેં બગીચામાંથી મોટા વૃક્ષો ગાયબ જોયા. મેં આ અચાનક ગાયબ થયેલા વૃક્ષો વિશે સફાઈ કરી રહેલા માળીને પૂછ્યું. તો તેણે મને કહ્યું કે તેને સોસાયટીના ચેરમેન દ્વારા તમામ વૃક્ષો કાપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને જો તે તેમ ન કરે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. એવી ધમકી પણ આપી હતી.”
ADVERTISEMENT
તેમણે લેખિતમાં આપેલી ફરિયાદમાં ઉમેર્યું છે કે, “મેં આ મામલે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સાથે કાયદાકીય આંટીઘૂટી વિશે ચર્ચા કરી હતી. મેં ફોન પર સેક્રેટરીને પણ સૂચન કર્યું કે તેમણે આગળ જતાં બાકીના જૂના વૃક્ષોને બચાવવા માટે પ્રોફેશનલ ટ્રી રિપ્લેસમેન્ટ કંપનીની મદદથી યોગ્ય પગલાં લેવા જોઈએ. જોકે, 12મી ડિસેમ્બર 2023ના રોજ, હું આ જોઈને ચોંકી ગયો હતો કે આખા બગીચામાં સિમેન્ટના પથ્થરો પાથરી દેવામાં આવ્યા હતા, જેથી અન્ય વૃક્ષોને પાણી મેળવવામાં મુશ્કેલી આવે અને આખરે આ વૃક્ષો પણ સુકાઈ જાય.”
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ (Mumbai News) સાથે વાત કરતાં શિશિર શેટ્ટીએ જણાવ્યું કે, “મેં ૧૨ ડિસેમ્બરે સાંજે આ મામલે ૧૦૦ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલે અહીં આવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ મેં બીટ ઑફિસરને પણ પત્ર લખીને આ મામલે વહેલી તકે પગલાં લેવાની વિનંતી કરી છે. મારી પાસે આ મામલે જરૂરી પુરાવા પણ ઉપલબ્ધ છે, જે પોલીસ કે બીએમસીના સંબધિત અધિકારીઓ માગશે ત્યારે હું રજૂ કરીશ. એલઆરએ હંમેશા આ પ્રકારના પર્યાવરણીય અને સામાજિક મુદ્દા ઉઠાવે છે. આ ઉપરાંત, કાયદાની માર્ગદર્શિકા વિરુદ્ધ ભાડૂતો પાસેથી વધારાના પૈસા વસૂલવા માટે જવાબદાર સોસાયટી અને સમિતિ સામે પણ અવાજ ઉઠાવીશું.”
આ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વિસ્તારના બીટ ઑફિસર પીએસઆઇ રાઓસાહેબ શિંદે સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “મને ગઈકાલે જ આ અંગે ફરિયાદ મળી છે. નિયમ મુજબ મેં બીએમસીના ટ્રી ડિપાર્ટમેન્ટના સંબંધિત અધિકારીને ફરિયાદ મોકલી છે, તેઓ તપાસ કરશે અને તેમના નિરીક્ષણ સાથે મને ફરી ફરિયાદ નોંધાવશે અને ત્યાર બાદ કાયદાકીય રીતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.


