Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આપણા ઘરે બાપ્પા નહીં લાવો તો હું બીજા માટે મૂર્તિ બનાવીશ

આપણા ઘરે બાપ્પા નહીં લાવો તો હું બીજા માટે મૂર્તિ બનાવીશ

Published : 13 September, 2026 08:58 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

પોતાના ઘરમાં જ્યારે ગણપતિબાપ્પાની સ્થાપનાનો સિલસિલો અટક્યો ત્યારે તેણે પરિવાર સમક્ષ આવી જીદ પકડીને ખરેખર મૂર્તિ બનાવવાના ક્ષેત્રમાં ઝંપલાવી દીધું અને મોટી મૂર્તિઓ બનાવવાની તાલીમ પણ લીધી

તસવીર : નિમેશ દવે

તસવીર : નિમેશ દવે


મુંબઈના ગણેશોત્સવની અને ગણપતિબાપ્પાની ભવ્ય મૂર્તિઓની વાત આવે ત્યારે આપણી નજર પરંપરાગત મરાઠી શિલ્પીઓ તરફ જતી હોય છે. મૂર્તિકળાના ક્ષેત્રમાં પેઢીઓથી તેમનો દબદબો રહ્યો છે. મરાઠી કલાકારોના આ ગઢમાં કાંદિવલીના ગુજરાતી યુવા શિલ્પકાર વૈભવ મિસ્ત્રીએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ વર્ષે તેણે ૨૩ ફુટ ઊંચી ‘મલાડચા રાજા’ સહિત કુલ ૮ મોટી મૂર્તિઓ બનાવી છે. વ્યવસાયે ઍનિમેશન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) આર્ટિસ્ટ વૈભવે મોટી મૂર્તિઓ બનાવવાની કળા કઈ રીતે આત્મસાત્ કરી તેમ જ આ ગણેશોત્સવમાં તેણે કેવી મૂર્તિઓ કંડારી છે એ જોઈ લો. 

૨૩ ફુટની મૂર્તિ હવામાં  
આ વર્ષના સૌથી ચૅલેન્જિંગ પ્રોજેક્ટ વિશે વાત કરતાં વૈભવ મિસ્ત્રી ​‘મિડ-ડે’ ઉત્સાહભેર કહે છે, ‘સળંગ ૪ વર્ષથી હું ‘મલાડચા રાજા’ની મૂર્તિ કંડારી રહ્યો છું. આ વર્ષે મંડળ માટે અમે અનોખો કન્સેપ્ટ વિચાર્યો છે. મૂર્તિ ૨૩ ફુટ ઊંચી છે અને એ હવામાં બૅલૅન્સિંગ પોઝિશનમાં છે. ભગવાન કૃષ્ણએ જે રીતે કાળિયા નાગને નાથ્યો હતો એ જ દિવ્ય અને આક્રમક કન્સેપ્ટ પર ગણપતિબાપ્પાનું રૂપ તૈયાર કરવામાં આવ્યું છે. બૅલૅન્સિંગ સ્ટ્રક્ચરને સમયસર પૂરું કરવા માટે ૭ ઑગસ્ટથી કામ શરૂ કર્યું હતું. દરરોજ ૧૨ કલાક કામ કરીને માત્ર પચીસ દિવસના ટૂંકા ગાળામાં અમે આ ૨૩ ફુટના ભવ્ય કન્સેપ્ટને સાકાર કર્યો છે. ૨૦૨૩માં મંડળના આયોજકોએ મારો સંપર્ક કર્યો હતો. પહેલા જ વર્ષે તેમને શંકર ભગવાનની થીમ પર મૂર્તિ બનાવી આપી હતી.’
વૈભવની કારીગરી અને હટકે આઇડિયાઝ જોઈને અન્ય મંડળો પણ તેના પર વિશ્વાસ મૂકે છે. તે કહે છે, ‘આ સીઝનમાં કુલ ૮ વિશાળકાય મૂર્તિઓ બનાવી છે. એમાં મલાડની ઈરાનીવાડીનાં બે મોટાં મંડળોનો સમાવેશ થાય છે. એક મંડળ માટે ૧૨ ફુટની કાલભૈરવ થીમ પર આધારિત મૂર્તિ કંડારી છે. મલાડની કેડી હાઇટ્સ ઇમારત માટે પ્રભુ શ્રીરામના વનવાસની કહાણી દર્શાવતી ૨૦ ફુટની નયનરમ્ય મૂર્તિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. ૬ હાથવાળા બાપ્પા પણ બનાવ્યા છે. આ બધી જ મોટી મૂર્તિઓની ડિલિવરી વારાફરતી શરૂ થઈ ગઈ છે. મોટાં મંડળો ઉપરાંત ગણેશભક્તોનાં ઘરોમાં બિરાજતા બાપ્પા માટે પણ અમે એટલા જ ઉત્સાહિત છીએ. આ વર્ષે અમારી પાસે ઘરગથ્થુ ગણપતિનાં આશરે ૭૦ જેટલાં બુકિંગ થયાં છે. એક કલાકાર તરીકે પર્યાવરણ પ્રત્યેની ફરજ સમજીને નિયમ બનાવ્યો છે કે તમામ નાની ઘરગથ્થુ મૂર્તિઓ ૧૦૦ ટકા ઇકો-ફ્રેન્ડ્લી (શાડૂ માટીની) જ રાખવી.’



ટર્નિંગ પૉઇન્ટ
મૂર્તિકળાના વ્યવસાયમાં વૈભવની એન્ટ્રી પાછળ રસપ્રદ અને સંવેદનશીલ કહાણી છુપાયેલી છે. મુંબઈકર હોવાના નાતે નાનપણથી જ ગણેશોત્સવ પ્રત્યે તેને આકર્ષણ હતું. દર વર્ષે તેના ઘરે બાપ્પાની પધરામણી થતી અને આગમનથી લઈને વિસર્જન સુધી ઘરમાં ઉત્સાહનો માહોલ રહેતો. સાર્વજનિક મંડળોના કાર્યક્રમમાં પણ તે ભાગ લેતો. મલાડની નૂતન વિદ્યામંદિર હાઈ સ્કૂલના દિવસોને યાદ કરતાં ૨૯ વર્ષનો વૈભવ કહે છે, ‘૨૦૦૭માં પપ્પાએ કહ્યું કે બાપ્પાની પધરામણીની આ પરંપરા અહીં જ અટકાવીએ, આવતા વર્ષથી આપણે ઘરે ગણપતિબાપ્પા નથી બેસાડવાના. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. મેં જીદ પકડી કે જો તમે ઘરે પધરામણી નહીં કરો તો હું બીજા ભક્તો માટે બાપ્પાની મૂર્તિ બનાવીશ. આર્ટમાં મને પહેલેથી રસ હતો. ૨૦૦૮માં ખરેખર માટી અને ક્લે લાવીને ઘરમાં જ સુંદર મૂર્તિ તૈયાર કરી. મૂર્તિ એટલી આબેહૂબ બની કે પાડોશીઓ અને મિત્રમંડળી આશ્ચર્યચકિત થઈ ગયાં. લોકોએ સામેથી નાની મૂર્તિઓના ઑર્ડર આપવાનું શરૂ કર્યું. બાળહઠ મને આ ફીલ્ડમાં લઈ આવી. ૨૦૧૮માં પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો.’


વૈભવ પરંપરાગત કારીગર નથી, પણ નવી પેઢીનો મલ્ટિ-ટૅલન્ટેડ આર્ટિસ્ટ છે. મૂર્તિ બનાવવાની સાથે તેણે કાંદિવલીની ઠાકુર કૉલેજમાંથી ઍનિમેશન-VFXમાં ડિગ્રી લીધી. પેરન્ટ્સે પહેલેથી શરત મૂકી હતી કે ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી માટે નોકરી પણ કરવાની છે. જોકે વૈભવને હંમેશાંથી વિશાળ મૂર્તિ બનાવાની ઇચ્છા હતી. મોટી મૂર્તિઓનું બૅલૅન્સિંગ અને ટેક્નિકલ પાસાં શીખવા તે મુંબઈના કારીગરો દ્વારા હૈદરાબાદમાં બનાવેલી વર્કશૉપમાં તાલીમ લેવા ગયો. ત્યાં તેણે ૭૦ જેટલી મોટી મૂર્તિ બનાવવાનો અનુભવ લીધો. ૨૦૨૩માં ‘મલાડચા રાજા’ના આયોજકોએ તેનો સંપર્ક કર્યો અને પહેલો મોટો પ્રોજેક્ટ મળ્યો. બસ, ત્યારથી તેણે પાછું વળીને જોયું નથી. જોકે તે નોકરી પણ કરે છે. પૅશન સાથે જોડાઈ રહેવા દર વર્ષે દોઢ મહિનો નોકરીમાંથી રજા લઈને મૂર્તિઓ બનાવે છે.

મોટી મૂર્તિની સંભાળ
વૈભવને નવા આઇડિયાઝ અને કન્સેપ્ટ મગજમાં આવે એ મંડળના આયોજકો સમક્ષ રજૂ કરે. એ લોકોને શું જોઈએ છે એના પર પણ ચર્ચા કરી લે. ગણપતિબાપ્પાની મોટી મૂર્તિ બનાવવામાં મૂર્તિકારે ઘણીબધી ટેક્નિકલ બાબતોનું ધ્યાન રાખવું પડે. એની જાણકારી આપતાં તે કહે છે, ‘મોટી મૂર્તિ બનાવવામાં, મંડપ સુધી સુર​િક્ષત પહોંચાડવામાં અને વિસર્જન સુધીની પ્રક્રિયાને નજરમાં રાખવી પડે. મૂર્તિ હવામાં છે તો એને કઈ રીતે બૅલૅન્સ કરીને મંડપ સુધી લઈ જવાની છે એ સમજાવવું પડે. મૂર્તિનું વજન કેટલું છે, કઈ બાજુ વજન વધુ છે, કઈ બાજુ વધુ સપોર્ટ આપવાનો છે વગેરે ઝીણી-ઝીણી બાબતો મહત્ત્વની છે. ટેબલ લોખંડનું છે કે લાકડાનું એ પ્રમાણે સપોર્ટ આપવાનો હોય. આયોજકોએ રસ્તામાં કઈ રીતે સંભાળ લેવાની છે, વિસર્જન વખતે કઈ બાજુના નટ-બોલ્ટ ખોલવાના છે એ સમજાવી દઈએ જેથી નિર્વિઘ્ને બધું પાર પડી જાય.’


ગણપતિબાપ્પાની મૂર્તિ બનાવતાં કારખાનાંઓમાં સામાન્ય રીતે મરાઠી કારીગરોની મોટી ટીમ હોય છે. એક ગુજરાતી તરીકે અનુભવ કેવો રહ્યો? આ પ્રશ્નનો હસતાં-હસતાં જવાબ આપતાં વૈભવ કહે છે, ‘મરાઠીઓમાં પણ મિસ્ત્રી અટક હોય છે. ઘણા મને મરાઠી સમજે છે. મારી સાથે વાતચીત કર્યા પછી તેમને ખબર પડે કે હું ગુજરાતી છું. જોકે એનાથી કોઈ ફરક પડતો નથી. મારી ટીમમાં મિત્રો, પરિવારના સભ્યો ઉપરાંત મરાઠીઓ, ઉત્તર પ્રદેશના ભાઈઓ અને મુસ્લિમ બિરાદરો પણ છે. બધા બાપ્પાના પરમ ભક્ત છે.’

 સાંઈ કુટિર મિત્ર મંડળ, ઈરાનીવાડીચા શ્રી
સ્થળ : ઈરાનીવાડી, 
કાંદિવલી-વેસ્ટ
મૂર્તિની ઊંચાઈ : ૧૨ ફુટ
થીમ : જટાધારી કાળભૈરવ

ડોંગરી બૉય્ઝ મિત્ર મંડળ, ડોંગરીચા ઇચ્છાપૂર્તિ
સ્થળ : ડોંગરી, મલાડ-ઈસ્ટ, મૂર્તિની ઊંચાઈ : ૧૩ ફુટ, 
થીમ : વિષ્ણુ સ્વરૂપ, ૬ હાથવાળા બાપ્પા

શ્રી શિવસાંઈ શક્તિ મંડળ યંગ સ્ટાર ગ્રુપ, નડિયાદવાલા કૉલોનીચા ગણરાજા
સ્થળ : નડિયાદવાલા કૉલોની, મલાડ-વેસ્ટ
મૂર્તિની ઊંચાઈ : ૧૦ ફુટ
થીમ : રાજાશાહી (સિલ્વર જ્યુબિલી યર)

વર્કશૉપમાં વૈભવ મિસ્ત્રી.

શ્રી બાપા સીતારામ ગણેશ મિત્ર મંડળ, વેલાણીચા દગડુ શેઠ
સ્થળ : વેલાણી એસ્ટેટ, 
મલાડ-ઈસ્ટ
મૂર્તિની ઊંચાઈ : ૧૦ ફુટ
થીમ : દગડુ શેઠ ગણપતિ, ફુલ વાઇટ કલર, ઓરિજિનલ ફેંટા ઍન્ડ ડાયમન્ડ વર્ક 

વૈભવે બનાવેલી ભવ્ય મૂર્તિઓ અહીં જોવા મળશે

સીતારામ મિત્ર મંડળ 
સ્થળ : ઈરાનીવાડી, 
કાંદિવલી-વેસ્ટ
મૂર્તિની ઊંચાઈ : ૭ ફુટ
થીમ : રામ હનુમાન

શ્રી મહાકાલ મિત્ર મંડળ, કેડીચા રાજા
સ્થળ : કેડી આઇસ બિલ્ડિંગ, મલાડ-ઈસ્ટ
મૂર્તિની ઊંચાઈ : 
૨૦ ફુટ
થીમ : રામ વનવાસ

શ્રી બાલ મિત્ર મંડળ 
સ્થળ : ડોંગરી, મલાડ-ઈસ્ટ 
મૂર્તિની ઊંચાઈ : ૬ ફુટ
થીમ : બૅલૅન્સિંગ શંકર ભગવાન

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 08:58 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK