પનીરની ૬ ટ્રક કર્ણાટકથી આવી હતી અને માવો વાશીથી આવ્યો હતો, મીઠાઈની ૩૦થી ૪૦ દુકાનમાં આ માલ સપ્લાય થવાનો હતો
પુણેમાંથી પકડાયેલો બનાવટી માવો અને પનીરનો જથ્થો
ગણેશોત્સવ પહેલાં જ ફૂડ ઍન્ડ ડ્રગ અૅડ્મિનિસ્ટ્રેશન (FDA)એ પુણેમાં જોરદાર કાર્યવાહી કરીને ૬ ટ્રક ભરીને બહારથી આવેલો ૧૦,૦૦૦ કિલો માવો અને ૫૦૦૦ કિલો પનીરનો ૩૯.૪૩ લાખ રૂપિયાનો સ્ટૉક જપ્ત કર્યો હતો. FDAને મળેલી ગુપ્ત માહિતીના આધારે છેલ્લા આઠથી ૧૨ દિવસથી વૉચ રાખવામાં આવી હતી. એમાં ૨૭ લાખ રૂપિયાનું પનીર હતું અને ૧૧.૬૦ લાખ રૂપિયાનો માવો હતો.
પનીરની ટ્રકો કર્ણાટકથી આવી હતી, જ્યારે માવો વાશીથી આવ્યો હતો. આ ટ્રકનાં બધાં જ બિલ ચેક કરવામાં આવશે. કહેવાય છે કે મીઠાઈની અંદાજે ૩૦થી ૪૦ દુકાનોમાં આ માલ સપ્લાય થવાનો હતો.
ADVERTISEMENT
માવાનાં સૅમ્પલ જો ટેસ્ટિંગમાં ફેલ જાય તો મને ફાંસી આપો : માલ પકડાયો એ ખેડૂતની અપીલ
આ કાર્યવાહીમાં જે માવો પકડાયો છે એ તૈયાર કરનાર ખેડૂત બંસી ડોઈફોડેએ દાવો કર્યો છે કે ‘આ માવો ઓરિજિનલ છે. આમાં કોઈ જાતની ભેળસેળ નથી. અમે આ જાતે તૈયાર કરેલો માવો છે. હું પોતે એ લઈને આવ્યો છું. ગાય-ભેંસના દૂધમાંથી એ બનાવ્યો છે. મારું નુકસાન થયું છે. જો માવાનાં સૅમ્પલ ટેસ્ટિંગમાં ફેલ જાય તો મને ફાંસી આપો. ગામડામાં એટલી સુવિધાઓ નથી એમ છતાં અમે ખેડૂતો મહેનત કરી આ માવો તૈયાર કરીને પુણે લાવીએ છીએ. તુકારામ મુંઢેએ કેટલાક નિયમોમાં ઢીલ મૂકવી જોઈએ. ખેડૂતોને ફટકો બેસે છે અને વેપારીઓને નુકસાન નથી થતું.’
