પોલીસની પ્રાથમિક તપાસમાં સુસાઇડ કરનારી વ્યક્તિ ચરસી હોવાની શંકા
ઘાટકોપર ઈસ્ટના સ્કાયવૉક પર લટકી રહેલી અજાણી વ્યક્તિ.
ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી મહાનગરપાલિકાના ‘એન’ વૉર્ડની ઑફિસ સામેના સ્કાયવૉક પર બપોરના સમયે એક અજાણી વ્યક્તિ ગળે ફાંસો ખાઈને લટકી રહી છે એવો વિડિયો વાઇરલ થતાં ઘાટકોપરમાં ઊહાપોહ મચી ગયો હતો. લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે જમા થઈ ગયાં હતાં. પંતનગર પોલીસને આ બાબતની માહિતી મળતાં પોલીસ, ફાયર-બિગ્રેડ અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. જોકે પોલીસને આ વ્યક્તિની ઓળખ કે તેની આત્મહત્યા કરવા પાછળનું કારણ હજી જાણવા મળ્યું નથી.
આ બાબતની માહિતી આપતાં ઝોન-૭ના ડેપ્યુટી પોલીસ-કમિશનર વિજય સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે ૧.૪૦ વાગ્યે એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં ઘાટકોપર-ઈસ્ટના સ્કાયવૉક પર એક અજાણી વ્યક્તિ દોરડાથી ગળામાં ફાંસો ખાઈને લટકતી હતી. આથી પંતનગરના પોલીસ-અધિકારી ગિરીશ હાટે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતક વ્યક્તિને જોતાં જ તેમની પ્રાથમિક તપાસમાં તે વ્યક્તિ દારૂના નશામાં હોવાનું જણાયું હતું. તેની પાસેથી એક બૅગ પણ મળી હતી, પણ તેની ઓળખ થાય એવું અમને કાંઈ જ મળ્યું નહોતું. મૃતદેહને રાજાવાડી હૉસ્પિટલ મોકલી દેવાયો હતો. ત્યાર પછી અમારી તપાસમાં સ્કાયવૉકના પરિસરમાં જ ચંદુ રાજબોગ નામની એક વ્યક્તિએ કહ્યું હતું કે જેણે આત્મહત્યા કરી હતી તે ચરસી હતો અને સ્કાયવૉક પર જ સૂતો હતો. અત્યારે તો કોઈ શંકાસ્પદ મૃત્યુ થયું હોય એવું અમને દેખાતું નથી. આમ છતાં સ્કાયવૉકની આસપાસના વિસ્તારોમાં બેસાડેલાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે અમારી તપાસ ચાલી રહી છે.’


