ઘાટકોપર-ઈસ્ટની ફેમસ ખાઉગલી વિરુદ્ધના આંદોલનમાં તો ઊતર્યા, પણ સ્થાનિક રહેવાસીઓ તેમના અભિગમથી નારાજઃ આ જ આંદોલન વખતે વલ્લભબાગ લેનમાં રૉન્ગ સાઇડથી આવતા રિક્ષાવાળાને લાફો માર્યો એમાં રાજકીય રમખાણ થઈ ગયું
શુક્રવારે વલ્લભબાગ લેનમાં હોટેલ અચીજાના મૅનેજરને રસ્તા પર ખુરસીઓ ન લગાડવાની ચેતવણી આપતા પરાગ શાહ. તસવીર : પી. સૃષ્ટિ અને શુક્રવારે જ વલ્લભબાગ લેનમાં રૉન્ગ સાઇડથી આવતા રિક્ષાવાળાને રોક્યો ત્યારે તેણે ઉદ્ધતાઈ કરતાં પરાગ શાહે તેમને લાફો મારી દીધો હતો.
ઘાટકોપર-ઈસ્ટમાં ઘણા સમયથી આડેધડ વિકસેલી ખાઉગલી આજકાલ ચર્ચામાં છે. આ ખાઉગલી એટલે એમ.જી. રોડથી તિલક રોડ સુધીની વલ્લભબાગ લેન અને તિલક રોડનો અમુક પટ્ટો. વલ્લભબાગ લેન અને તિલક રોડના ત્રસ્ત રહેવાસીઓએ આ બન્ને રોડને ફેરિયામુક્ત કરવા માટેની ચળવળ શરૂ કરી છે. આ ચળવળમાં વધુ ને વધુ અસરગ્રસ્તોને જોડવા અને આ લડાઈ એકત્રિત થઈને લડવા રહેવાસીઓએ વલ્લભબાગ લેન સિટિઝન્સ ફોરમ નામના એક સંગઠનની પણ રચના કરી છે. આ ચળવળને સપોર્ટ કરવા શુક્રવારે સાંજે ૫.૩૦ વાગ્યે ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય સેંકડો લોકો સાથે રોડ પર ઊતર્યા હતા. જોકે સ્થાનિક રહેવાસીઓ પરાગ શાહના આંદોલનથી નિરાશ થયા હતા. આ રહેવાસીઓના કહેવા પ્રમાણે આંદોલનનો મુખ્ય ઉદ્દેશ મોડી રાત સુધી ખુલ્લી રહેતી ખાઉગલીને બંધ કરવાનો છે, પરંતુ પરાગ શાહની ફેરિયાઓ પ્રત્યેની રહેમનીતિને કારણે આંદોલન અસરકારક નીવડે એવી અમને કોઈ આશા નથી. અમે ફેરિયાઓ સામે ચળવળ શરૂ કરી છે અને અમારી ચળવળ જ્યાં સુધી અમારો વિસ્તાર ફેરિયામુક્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે એવો નિર્ધાર વ્યક્તિ કરીને રહેવાસીઓએ કહ્યું હતું કે અમે જરૂર પડ્યે આને માટે કાયદાકીય લડત લડવાની તૈયારીમાં છીએ.
આંદોલનમાં શું બન્યું?
ADVERTISEMENT
ગુરુવારે પરાગ શાહે જાહેરાત કરી હતી કે તેઓ શુક્રવારે સાંજે વલ્લભબાગ લેનમાં આવશે. આ જાહેરાત પછી શુક્રવારે સાંજે ૪ વાગ્યાથી સેંકડો સ્થાનિક રહેવાસીઓ અને BJPના કાર્યકરો વલ્લભબાગ લેનમાં ઊતરી આવ્યા હતા. મહાનગરપાલિકા અને પોલીસ શુક્રવારે વહેલી સવારે ૮ વાગ્યાથી જ ફેરિયાઓ સામે ઍક્શનમાં આવી ગયાં હતાં. તેમણે આંદોલન પૂરું ન થાય ત્યાં સુધી ફેરિયાઓને ઊભા રહેવા નહોતા દીધા. આ વિસ્તારના જે ફૂડ-સ્ટૉલના માલિકો પોતે કાયદેસર હોવાનો દાવો કરી રહ્યા છે તેમણે પણ સ્ટૉલ બંધ રાખ્યા હતા જે આંદોલન પૂરું થયા પછી રાતે આઠ વાગ્યા પછી પાછા ખૂલી ગયા હતા. બે-અઢી કલાક ચાલેલા આંદોલનમાં પરાગ શાહે પ્રથમ શરૂઆત રૉન્ગ સાઇડથી આવતાં વાહનો સામે ઍક્શન લઈને કરી હતી. તેમણે પોલીસને કડક શબ્દોમાં વાહનચાલકો પર દંડાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે જો તમે આ વાહનચાલકો પર ઍક્શન નહીં લેશો તો હું તેમની સામે ઍક્શન લઈશ. ત્યાર પછી તેમણે વલ્લભબાગ લેન અને તિલક રોડના વિસ્તારો જેની હેઠળ આવે છે એ પંતનગર અને તિલકનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરોને કડક શબ્દોમાં કહ્યું હતું કે ‘આજથી કોઈ પણ હોટેલ કે સ્ટૉલવાળા રોડ પર તેમની ખુરસી લગાડે તો તેમની સામે ઍક્શન લેવાની જવાબદારી તમારી છે. જો તમે એમાં નિષ્ફળ જશો તો તમારા ફોટો સામે જે-તે સ્ટૉલની બહાર બોર્ડ મારવામાં આવશે કે આ પોલીસ-અધિકારીની મહેરબાનીથી રાહદારીઓને, સિનિયર સિટિઝનોને ત્રાસ થઈ રહ્યો છે, એ રીતે તમારા પર ઍક્શન લેવામાં આવશે.’
ત્યાર પછી જેટલી હોટેલો અને ફૂડ-સ્ટૉલવાળા રોડ પર ખુરસી નાખીને ગ્રાહકોને ફૂડ સર્વ કરે છે તેમને ચીમકી આપતાં પરાગ શાહે કહ્યું હતું કે ‘તમે કોઈ પણ સંજોગોમાં પબ્લિકની જગ્યા પર અતિક્રમણ ન કરતા. જો તમને એક-બે વાર આ બાબતની સૂચના આપ્યા પછી પણ પરિસ્થિતિ યથાવત્ રહેશે તો મારા કાર્યકરો અને રહેવાસીઓ તમારી જગ્યાએ અતિક્રમણ કરશે એ નક્કી છે.’
પરાગ શાહે લોકોને પણ સલાહ આપતાં કહ્યું હતું કે ‘આ દૂષણને કાઢવા માટે તમારે પણ પોલીસ અને મહાનગરપાલિકાને સાથ-સહકાર આપવો પડશે. તમે જો આ ફૂડ-સ્ટૉલ પર કે ફેરિયાઓની રેંકડી પર ખાવાનું બંધ કરી દો તો જ આ દૂષણ હંમેશ માટે દૂર કરવામાં સફળતા મળશે. બાકી અમારા પ્રયાસથી અને આંદોલનની ચીમકીથી ફક્ત પચીસ ટકા દૂષણ નિયંત્રણમાં રહેશે.’
રહેવાસીઓમાં અસંતોષ અને નારાજગી
સ્થાનિક રહેવાસીઓએ પરાગ શાહના આંદોલન સામે નારાજગી અને અસંતોષ પ્રગટ કર્યો હતો. આંદોલન વખતે ભેગા થયેલા રહેવાસીઓ વતી વલ્લભબાગ લેન સિટિઝન્સ ફોરમના રાજા હરીઆએ ‘મિડ-ડે’ને રોષભર્યા શબ્દોમાં કહ્યું હતું કે ‘અમે અમારા નેતાના ભરોસે આજથી ૧૫ દિવસ પહેલાં ફેરિયામુક્ત વલ્લભબાગ લેન અને તિલક રોડ માટે ચળવળ શરૂ કરી છે. એ વખતે પહેલા જ દિવસે પરાગ શાહ અમારી ચળવળથી દૂર રહ્યા હતા. ત્યાર પછી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનાં ભૂતપૂર્વ નગરસેવિકા રાખી જાધવે આ વિસ્તારની મુલાકાત લઈને અમને તેઓ અમારી ચળવળમાં જોડાશે અને વિસ્તારને ફેરિયામુક્ત કરશે એવી હૈયાધારણ આપી હતી. આ વાત પરાગ શાહ સુધી પહોંચતાં તેમણે અમારી સાથે કોઈ પણ ચર્ચાવિચારણા કર્યા વગર શુક્રવારના આંદોલનની જાહેરાત કરી હતી. શુક્રવારે તેમણે જે ઍક્શન લીધી એમાં ‘ફેરિયામુક્ત રસ્તાઓ’ને બદલે ‘ખુરસીમુક્ત રસ્તાઓ’ કરવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો જે અમારા ઉદ્દેશ પરિપૂર્ણ કરવામાં સફળ જાય એવી અમને કોઈ આશા દેખાઈ નથી. એનું મુખ્ય ઉદાહરણ ચળવળ અને આંદોલન ચાલુ હોવા છતાં રાતના જમવાના સમયે જ શરૂ થઈ જતી ખાઉગલીથી સ્પષ્ટ દેખાય છે. અમારી ચળવળ ચાલુ રાખીશું અને કાયદાકીય લડત લડવા માટે પણ અમે તૈયાર છીએ.’
લોકોની નારાજગી સામે પરાગ શાહ શું કહે છે?
મને ખોટાં પ્રૉમિસ આપતાં આવડતું નથી, મારે સંપૂર્ણ ઘાટકોપરને ફેરિયામુક્ત કરવું છે એમ જણાવતાં પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરમાં ફેરિયાઓની સમસ્યા એક-બે વર્ષથી નથી, છેલ્લાં ૩૦-૪૦ વર્ષથી ઘાટકોપરના રહેવાસીઓ આ સમસ્યા સામે લડી રહ્યા છે. હું જ્યારે પહેલી વાર નગરસેવક બન્યો ત્યારે મારા માટે પણ રાતોરાત ઘાટકોપરને ફેરિયામુક્ત કરવાનું ઝનૂન હતું. એને માટે મેં આજ સુધી મારા પ્રયત્ન ચાલુ રાખ્યા છે, પણ આ એક એવી સમસ્યા છે જેનું નિરાકરણ હાથવેંતમાં નથી. મેં હથિયાર હેઠાં મૂક્યાં નથી પણ લોકોને ભ્રમમાં રાખીને ખોટો મેસેજ પણ આપવા માગતો નથી કે રાતોરાત ઘાટકોપર ફેરિયામુક્ત થઈ જશે. મેં પોલીસ અને મહાનગરપાલિકાને પણ કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. આમ છતાં હું ઘાટકોપરવાસીઓને કહીશ કે તમે જ્યારે પણ કહેશો ત્યારે આપણે આ મુદ્દે લડત લડતા રહીશું, પણ કર્મ પછી પણ ફળ મળતાં વાર લાગશે એ સમજીને આપણે લડત લડવી પડશે. ત્યાર પછી પણ કોઈ વ્યક્તિ કે નગરસેવક આ મુદ્દે ચમત્કાર સર્જી શકતી હોય તો એ વ્યક્તિને એક સામાન્ય નાગરિક તરીકે હું હંમેશાં સાથ આપીશ.’
રૉન્ગ સાઇડથી આવતા રિક્ષાવાળાને લાફો મારીને વિવાદ નોતર્યો પરાગ શાહે
ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય પરાગ શાહ શુક્રવારે સાંજે ખાઉગલીમાં ઊભા રહેતા ફેરિયાઓ અને ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન કરીને રૉન્ગ સાઇડથી આવતાં વાહનો સામે આંદોલન કરવા માટે રોડ પર ઊતર્યા હતા. એ જ સમયે વલ્લભબાગ લેનમાં રૉન્ગ સાઇડથી આવતા એક રિક્ષાચાલકને તેમણે થપ્પડ મારીને ગાળાગાળી કરી હોવાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર જોરદાર વાઇરલ થયો છે જે લોકચર્ચા સાથે રાજકીય ગરમાવાનો વિષય બની ગયો છે. આ બનાવ સામે અનેક રાજકારણીઓ સવાલ પૂછી રહ્યા છે કે કદાચ રિક્ષાચાલકે કાયદાનું ઉલ્લંઘન કર્યું પણ હતું તો શું પરાગ શાહને તેને લાફો મારવાનો હક છે? આ બાબતે તેઓ પરાગ શાહ સામે કાયદેસરની કાર્યવાહીની માગણી કરી રહ્યા છે.
વર્ષા ગાયકવાડની તીખી પ્રતિક્રિયા
કૉન્ગ્રેસનાં નેતા વર્ષા ગાયકવાડે ટ્વીટ કરીને પરાગ શાહે રિક્ષાચાલક પર લીધેલી ઍક્શન સામે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે પરાગ શાહની ટીકા કરીને તેમના પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ‘પરાગ શાહે તેમની સત્તાનો દુરુપયોગ કરીને એક ગરીબ વ્યક્તિને ટાર્ગેટ કરી છે. BJPના વિધાનસભ્યો એટલા ઘમંડી બની ગયા છે કે તેઓ હવે રસ્તા પર રિક્ષાચાલકો પર હુમલો કરી રહ્યા છે. BJPના નેતાઓ કાયદો પોતાના હાથમાં લે છે, કારણ કે તેઓ સત્તામાં રહેલા લોકો દ્વારા પોતાને સુરક્ષિત અનુભવે છે. BJP મોટા ઉદ્યોગપતિઓ અને કૉન્ટ્રૅક્ટરોની તરફેણ કરે છે, જ્યારે ગરીબ અને શ્રમજીવી વર્ગના નાગરિકો પ્રત્યે કઠોરતા દર્શાવે છે.’
પૈસાનું ઘમંડ કે સત્તાનો નશો?
શિવસેના (UBT)એ સોશ્યલ મીડિયામાં પરાગ શાહની ટીકા કરતાં કહ્યું હતું કે ‘એક ગરીબ રિક્ષાચાલકને લાફો મારવો એ શું લોકપ્રતિનિધિને શોભે છે? રિક્ષાચાલકની ભૂલ હોય તો તેને સમજાવી શક્યા હોત. BJPના વિધાનસભ્યોએ બંધારણ અને નિયમોને પગ નીચે કચડી નાખ્યાં છે. મુંબઈ ગરીબોના સંઘર્ષથી ઊભી થયેલી નગરી છે, પૈસાવાળાઓને લીધે નહીં. શિવસેના (UBT) હંમેશાં ગરીબો અને સંઘર્ષ કરતા લોકો માટે લડતી આવી છે.’
પરાગ શાહની સ્પષ્ટતા
ઘાટકોપરની જનતા શિવાજીનગર, ગોવંડી અને માનર્ખુદના રિક્ષાચાલકોની દાદાગીરીથી ત્રાહિમામ્ પોકારી ગઈ છે એમ જણાવતાં પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરમાં બેફામ સ્પીડ, રૉન્ગ-સાઇડ ડ્રાઇવિંગ, ભાડાં નકારીને દાદાગીરી કરતા રિક્ષાચાલકો સામે સ્થાનિક સિનિયર સિટિઝનો અને મહિલાઓ ફરિયાદ કરી રહ્યાં છે. એની સામે અમે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. શૅર-અ-રિક્ષામાં પણ કાયદાનું ઉલ્લંઘન કરીને ત્રણથી વધુ પૅસેન્જરોને બેસાડીને રૅશ-ડ્રાઇવિંગ એક સામાન્ય ઘટના છે. એને કારણે ઘાટકોપરના સિનિયર સિટિઝનો, મહિલાઓ અને બાળકો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યાં છે. તેઓ અનેક વાર અકસ્માતનો ભોગ પણ બન્યાં છે. શુક્રવારે ત્રસ્ત રહેવાસીઓના આંદોલનને સપોર્ટ આપવા હું રોડ પર ઊતર્યો હતો. એ જ સમયે મારી નજર સામે જ વલ્લભબાગ લેનમાંથી એક રિક્ષાડ્રાઇવર સ્પીડમાં રૉન્ગ સાઇડથી ડ્રાઇવ કરીને આવી રહ્યો હતો. મેં તેને કાયદાનું ઉલ્લંઘન કરવા માટે અટકાવ્યો હતો. જોકે તે રિક્ષા રોકવાને બદલે આગળ જવા લાગ્યો હતો. એનાથી ત્યાં જમા થયેલા લોકોમાંથી કોઈ પણ અકસ્માતનો ભોગ બની શકે એમ હોવાથી મેં પહેલાં તેની સાથે ગુસ્સાથી વાત કરી હતી, પણ તેણે મારી સાથે ઉદ્ધતાઈથી વાત કરતાં મેં તેને લાફો મારી દીધો હતો. ત્યાં હાજર રહેલી ટ્રાફિક-પોલીસને રિક્ષાચાલક પર ઍક્શન લેવાની મેં સૂચના આપી હતી. ત્યાર પછી રિક્ષાચાલક ત્યાંથી જતો રહ્યો હતો અને મામલો શાંત પડી ગયો હતો. આવા કાયદાનું ઉલ્લંઘન કરતા રિક્ષાડ્રાઇવરો પર જો કાયદાકીય ઍક્શન લેવામાં નહીં આવે તો ઘાટકોપરમાં સિનિયર સિટિઝનો માટે રસ્તા પર ચાલવું અત્યંત મુશ્કેલ બની જશે. અત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી હોવાથી વિરોધ પક્ષને એક મુદ્દો મળી ગયો છે.’


