BMCની ચૂંટણી પહેલાં મુંબઈ BJPના સેક્રેટરીએ શહેર-પ્રમુખને પત્ર લખીને કહ્યું આવું
વિવેકાનંદ ગુપ્તા
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી(BJP)માં આંતરિક વિવાદ સામે આવ્યો છે. મુંબઈ BJPના સેક્રેટરી વિવેકાનંદ ગુપ્તાએ પાર્ટીમાં ટિકિટ-ડિસ્ટ્રિબ્યુશન બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે મુંબઈ BJPના પ્રમુખ અમીત સાટમને એક લેટર લખીને કહ્યું હતું કે ‘મેં વૉટ્સઍપ ગ્રુપમાં તમારું સ્ટેટમેન્ટ વાંચ્યું કે BMC-ઇલેક્શન એ ફૅમિલી બિઝનેસ નથી. હું આ નિવેદનની સરાહના કરું છું અને તમને પણ વિનંતી કરું છું કે આ ચૂંટણીમાં પાર્ટીના પદાધિકારીના સંબંધીઓ કે પરિવારજનોને ટિકિટ ન આપશો.’
વિવેકાનંદ ગુપ્તાના આ લેટરથી BJPમાં શિસ્ત અને પારદર્શિતા વિશે ચર્ચાએ જોર પકડ્યું છે.
ADVERTISEMENT
આ બાબતે પાર્ટીના સિનિયર નેતાઓએ એવો મત આપ્યો હતો કે BMC-ચૂંટણી દરમ્યાન મુંબઈકરોની સીધી નજર ઉમેદવાર પર હોય છે. રાજકીય નિષ્ણાતોએ આ વિશે કહ્યું હતું કે ‘BJP માટે આ ચૂંટણીઓનું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. પાર્ટીમાં જો પરિવારવાદ કે જૂથવાદ સામે આવે તો તેમના માટે એ રાજકીય રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરિવારવાદના રાજકારણને પ્રોત્સાહન આપવાથી BJP પરથી જનતાનો વિશ્વાસ ઓછો થઈ શકે છે. જો આ ચૂંટણીમાં ભાઈ-ભતીજાવાદ હાવી થઈ જશે તો એનાં ગંભીર રાજકીય પરિણામો ભોગવવાં પડશે.’
બીજું શું લખ્યું છે લેટરમાં?
BJP તો કાર્યકર્તાની પાર્ટી છે. કાર્યકર્તા પાર્ટી માટે કામ કરે છે અને પાર્ટીએ પણ કાર્યકર્તા માટે કામ કરવું જોઈએ.
કાર્યકર્તાઓ વર્ષો સુધી તેમના વિસ્તારોમાં તનતોડ મહેનત કરે છે અને આશા-અપેક્ષા રાખે છે, પણ ઇલેક્શનના સમયે તેમના વિસ્તારના પદાધિકારીઓની જીદને કારણે જો તેમને ટિકિટ ન મળે તો ભારે નિરાશ થઈ જાય છે.
પાર્ટીએ કાર્યકરોના હિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવા જોઈએ.
ઇલેક્શન માટે ટિકિટ-વિતરણમાં કોઈ પદાધિકારીઓના દબાણમાં આવ્યા વગર કાર્યકર્તાઓને જ ટિકિટ આપવી જોઈએ.


