ફામના અધ્યક્ષ જિતેન્દ્ર શાહ નૅશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડના અધ્યક્ષ સુનીલ સિંઘજીને મળ્યા
મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓની સમસ્યાઓનું આવેદનપત્ર નૅશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડના અધ્યક્ષ સુનીલ સિંઘજીને આપી રહેલા ફામના અધ્યક્ષ જિતેન્દ્ર શાહ.
ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM-ફામ)ના અધ્યક્ષ જિતેન્દ્ર શાહ નૅશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડના અધ્યક્ષ સુનીલ સિંઘજીને મળ્યા હતા અને તેમની સાથે મહારાષ્ટ્ર અને મુંબઈના વેપારીઓને પડતી સમસ્યાઓ વિશે વિવિધ રજૂઆતો કરીને આવેદનપત્ર સોંપ્યું હતું. આ આવેદનપત્ર બોર્ડ તરફથી નાણાપ્રધાન નિર્મલા સીતારમણને સોંપવામાં આવ્યું હતું. તેમણે આશ્વાસન આપતાં કહ્યું હતું કે તેઓ ફામની માગણીઓ પર ધ્યાન આપીને ચોક્કસ જરૂરી સુધારાવધારા કરવાનો પ્રયાસ કરશે.
જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર અને મુંબઈના વેપારીઓની બજેટ અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સંબંધી માગણીઓ અને મુદ્દાઓ રજૂ કરવા માટે અમે નૅશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડના અધ્યક્ષ સુનીલ સિંઘજી સાથે મીટિંગ કરી હતી. લઘુ અને નાના ઉદ્યોગો ઇન્કમ-ટૅક્સની કલમ ૪૩ (બી) સાથે કલમ-નંબર એચ જોડવાથી પરેશાન થઈ ગયા છે અને તેમના બિઝનેસ પર એની આડઅસર થઈ રહી છે એટલે આ કલમને દૂર કરવી જોઈએ. GST અધિનિયમની કલમ ૧૬ (૨) અને ૧૬ (૨)સીમાં સુધારો કરવાની જરૂર છે. મેટલ અને ટિમ્બરમાં GSTના દરને ૧૮ ટકાથી ૧૨ ટકા કરવામાં આવે તેમ જ સેલ પર ૦.૧૦ ટકા ટૅક્સ કલેક્ટેડ ઍટ સોર્સ (TCS) લાદવામાં આવ્યો છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે એવી પણ અમારી માગણી છે. આજે પણ વેપારીઓમાં નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટની કલમ ૧૩૮નો ડર નથી. આ કલમને વધુ મજબૂત કરવાની જરૂર છે. બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ બાબતનો ઉકેલ લાવવા માટે શિપિંગ મિનિસ્ટર સર્વાનંદ સોનોવાલ સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવવો જોઈએ. વાસણોમાં BISનાં ધોરણોને સરળ બનાવવાની તાતી જરૂર છે. આ નિયમથી યુટેન્સિલના વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ નિયમથી ઇન્સ્પેક્ટર-રાજ ફરીથી સક્રિય બની ગયું છે. સુનીલ સિંઘજીએ મને આ મામલામાં સંબંધિત મંત્રાલયો સાથે વાત કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવી હૈયાધારણ આપી છે.’


