મહા વિકાસ આઘાડીના ૮ મત ફૂટ્યા એમાંથી પાંચ દાદાના ફાળે ગયા: મહાયુતિના તમામ ૯ ઉમેદવારો જીતી ગયા, કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના એક-એક ઉમેદવારનો વિજય : સત્તાની સેમી-ફાઇનલમાં સત્તાધારી પક્ષનો હાથ ઉપર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પાંચેય ઉમેદવારો વિધાન પરિષદની ચૂંટણીમાં જીતી ગયા હતા. (તસવીર -સૈયદ સમીર અબેદી)
બે વર્ષ પહેલાં મહારાષ્ટ્ર વિધાન પરિષદની અને રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કૉન્ગ્રેસના મત ફોડીને વિજય મેળવ્યો હતો. ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાન પરિષદના ૧૧ સભ્યો માટે થયેલી ચૂંટણીમાં મત ફોડવાની ભૂમિકા રાજ્યના બીજા નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવારે ભજવી હતી. NCP પાસે પોતાના ૪૦ વિધાનસભ્યો અને બે અપક્ષ વિધાનસભ્યો મળીને કુલ ૪૨ મત હતા, પણ એના બે ઉમેદવારને ૪૭ મત મળ્યા હતા. આ પાંચ મત ‘દાદા’ના નામે ઓળખાતા અજિત પવારે કૉન્ગ્રેસના તોડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વિધાન પરિષદની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ BJP, શિવસેના અને NCPના તમામ નવ ઉમેદવારો વિજયી થયા હતા; જ્યારે વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડીના ત્રણમાંથી બે ઉમેદવાર ચૂંટાયા હતા અને શરદ પવારે જેને ટેકો આપ્યો હતો એ ઉમેદવારનો પરાજય થયો હતો. લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ બાદ લાગતું હતું કે વિધાન પરિષદની ચૂંટણીમાં પણ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કૉન્ગ્રેસ સત્તાધારી પક્ષો પર હાવી રહેશે; પણ મહાયુતિએ એક બેઠક વધુ મેળવી છે. આથી મહારાષ્ટ્ર વિધાનસભાની ત્રણેક મહિના બાદ યોજનારી ચૂંટણીની સેમી-ફાઇનલમાં સત્તાધારી પક્ષોનો હાથ ઉપર રહ્યો છે. શરદ પવારના ઉમેદવારને પરાસ્ત કરીને અજિત પવારે બારામતીની હારનો બદલો વિધાન પરિષદની ચૂંટણીમાં લીધો હોવાની ગઈ કાલે ચર્ચા શરૂ થઈ હતી.
ચૂંટણીમાં શું-શું થયું?
ADVERTISEMENT
વિધાન પરિષદની ચૂંટણીમાં રાજકીય પક્ષોની સંખ્યાને ધ્યાનમાં રાખીને દરેક બેઠક માટે ૨૩ મતનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો. ૧૧ બેઠકની ચૂંટણી હતી, પણ સત્તાધારી મહાયુતિએ વધુ એક ઉમેદવાર જાહેર કર્યો હતો. વિધાનસભ્યોની સંખ્યાના આધારે મહાયુતિના ૮ ઉમેદવારો સરળતાથી જીતી શકે એમ હતા, પણ ૯ ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા. વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડીમાં સામેલ કૉન્ગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) પાસે એક-એક ઉમેદવાર વિધાન પરિષદમાં મોકલી શકાય એટલા મત હોવા છતાં કૉન્ગ્રેસનાં પ્રજ્ઞા સાતવ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના મિલિંદ નાર્વેકરનો વિજય થયો હતો, જ્યારે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)એ સમર્થન આપ્યું હતું એ શેતકરી કામગાર પક્ષના જયંત પાટીલનો પરાજય થયો હતો.
ફાયરિંગ કરનારા વિધાનસભ્યે મત આપવા સામે વિરોધ
કલ્યાણમાં શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કરીને હત્યા કરવાના મામલામાં જેલમાં બંધ BJPના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ ગઈ કાલે જેલમાંથી વિધાનભવન પહોંચ્યા હતા. કૉન્ગ્રેસે રાજ્યના ચૂંટણીપંચને પત્ર લખીને ગણપત ગાયકવાડને મત ન આપવાની માગણી કરી હતી. રાજ્યના ચૂંટણીપંચે કેન્દ્રીય ચૂંટણીપંચ પાસેથી આ સંબંધે સલાહ લીધી હતી. કેન્દ્રીય ચૂંટણીપંચે ૨૦૧૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે અખંડ NCPના જેલમાં બંધ વિધાનસભ્ય રમેશ કદમને બૉમ્બે હાઈ કોર્ટે મત આપવાની મંજૂરી આપી હોવાનો દાખલો આપીને ગણપત ગાયકવાડ પણ મતદાન કરી શકે છે એમ કહ્યું હતું. આથી લાઇનમાં ઊભા રહેતા ગણપત ગાયકવાડે મત આપ્યો હતો.
કૉન્ગ્રેસના કુલ ૮ મત ફૂટ્યા
NCPના ઉમેદવાર શિવાજીરાવ ગર્જે અને રાજેશ વિટેકરને વિજયી બનાવવા માટે અજિત પવારે કૉન્ગ્રેસના પાંચ મત ફોડવા ઉપરાંત બીજા ત્રણ મત પણ મહાયુતિના ઉમેદવારોને મળ્યા છે. આથી કૉન્ગ્રેસના કુલ ૮ મત ફૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
બૉક્સ
કોને કેટલા મત મળ્યા?
મહાયુતિ મત
પંકજા મુંડે, BJP ૨૬
પરિણય ફુકે, BJP ૨૩
સદાભાઉ ખોત, BJP ૨૬
અમિત ગોરખે, BJP ૨૩
યોગેશ ટિળેકર, BJP ૨૩
શિવાજી ગર્જે, NCP ૨૩
રાજેશ વિટેકર, NCP ૨૪
કૃપાલ તુમાને, શિવસેના ૨૫
ભાવના ગવળી, શિવસેના ૨૪
-----
મહા વિકાસ આઘાડી મત
પ્રજ્ઞા સાતવ, કૉન્ગ્રેસ ૨૫
મિલિંદ નાર્વેકર, ઉદ્ધવ ઠાકરે જૂથ ૨૪
જયંત પાટીલ, શરદ પવાર જૂથ ૧૨
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વિધાનસભ્યો ફોડી ન શક્યા
લોકસભાની ચૂંટણી બાદ આત્મવિશ્વાસમાં વધારો થવાથી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મહાયુતિના વિધાનસભ્યોને ફોડે એવી શક્યતા હતી. ખાસ કરીને અજિત પવારના વિધાનસભ્યો તૂટવાની ચર્ચા હતી. જોકે શરદ પવાર અજિત પવારના અને ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેના વિધાનસભ્યોને ફોડી ન શક્યા. એને લીધે જ શરદ પવારે જેને સમર્થન આપ્યું હતું તેનો પરાજય થયો છે.

