થાણેની સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો ઃ ૧૯૭૬થી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો
કલ્યાણમાં આવેલા દુર્ગાડી કિલ્લાનું પ્રવેશદ્વાર.
થાણે જિલ્લાના કલ્યાણમાં આવેલા દુર્ગાડી કિલ્લામાં દુર્ગામાતાનું મંદિર છે કે મસ્જિદ એનો વિવાદ ૪૮ વર્ષથી ચાલી રહ્યો હતો એનો ગઈ કાલે અંત આવ્યો હતો. ૧૯૭૬માં મુસ્લિમોએ દુર્ગાડી કિલ્લામાં દુર્ગામાતાનું મંદિર નહીં, પણ મસ્જિદ હોવાનો દાવો થાણેની કોર્ટમાં કર્યો હતો. પાંચ દાયકા સુધી કોર્ટમાં સુનાવણી ચાલી હતી. ગઈ કાલે કલ્યાણની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં કહ્યું હતું કે દુર્ગાડી કિલ્લામાં એક જૂનું સ્ટ્રક્ચર છે એ મસ્જિદ નહીં, પણ દુર્ગામાતાનું મંદિર હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવાથી સ્પષ્ટ થાય છે કે દુર્ગાડી કિલ્લામાં મસ્જિદ નહીં પણ મંદિર જ છે. કોર્ટનો ચુકાદો આવ્યા બાદ વિવિધ હિન્દુ સંગઠનોના પદાધિકારી ગઈ કાલે દુર્ગાડી કિલ્લામાં પહોંચ્યા હતા અને અહીં થોડાં વર્ષ પહેલાં બાંધવામાં આવેલા દુર્ગામાતાના મંદિરમાં માતાનાં દર્શન કરીને આરતી કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક વર્ષથી દુર્ગાડી કિલ્લામાં બકરી ઈદ વખતે મુસ્લિમો નમાજ પઢવા આવવા લાગ્યા હતા અને એ સમયે કોઈ મુશ્કેલી ન ઊભી થાય એ માટે દુર્ગામાતાનું મંદિર બંધ કરી દેવામાં આવતું હતું. જોકે આ વર્ષે બકરી ઈદ વખતે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ દુર્ગાડી કિલ્લામાં આવેલા મંદિરમાં ઘંટનાદ કરીને આંદોલન કર્યું હતું. તેમણે બકરી ઈદ વખતે પણ મંદિરમાં પ્રવેશ આપવાની માગણી કરી હતી. ૧૯૭૬માં મુસ્લિમ સમાજ દ્વારા દુર્ગાડી કિલ્લામાં મંદિર નહીં પણ મસ્જિદ હોવાનો દાવો કરતી અરજી કોર્ટમાં કરી હતી. એના વિરોધમાં નેવુંના દાયકામાં થાણે શિવસેનાના તત્કાલીન નેતા આનંદ દીઘેએ એનો વિરોધ કર્યો હતો.