Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હું ક્યારેય પાછો નહીં આવું, ગુંડાઓની નજર મારા પર છે

હું ક્યારેય પાછો નહીં આવું, ગુંડાઓની નજર મારા પર છે

Published : 10 July, 2026 07:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવસેનાના નગરસેવકે મારપીટ કર્યા પછી ડૉક્ટરે રાજીનામું આપ્યું અને શહેર છોડીને જતા રહ્યા

ડૉક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં થાણે સિવિલ હૉસ્પિટલની નર્સોએ કાળી રિબન પહેરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

ડૉક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં થાણે સિવિલ હૉસ્પિટલની નર્સોએ કાળી રિબન પહેરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.


ડોમ્બિવલીમાં આવેલી શાસ્ત્રીનગર મ્યુનિસિપલ હૉસ્પિટલમાં શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રેએ ડૉક્ટર સાથે મારપીટ કરી ત્યાર બાદ મારપીટનો ભોગ બનનારા ડૉક્ટરે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે અને શહેર છોડીને ચાલ્યા ગયા છે. ૨૬ વર્ષના રેસિડન્ટ મેડિકલ ઑફિસરને ધમકીઓ મળ્યા બાદ તેમણે તેઓ ક્યારેય હૉસ્પિટલમાં કામ પર પાછા નહીં આવે એમ જણાવ્યું હતું. 

ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘ગુંડાઓની નજર મારા પર છે. મેં શહેર પણ છોડી દીધું છે. ડરના કારણે મેં રાજીનામું આપી દીધું છે. બાકી બધા ડૉક્ટરો ભલે ત્યાં કામ કરે, હું ત્યાં કામ કરી શકું એમ નથી. એ બધા ખૂબ જ ખતરનાક લોકો છે.’



ઉલ્લેખનીય છે કે સોમવારે હૉસ્પિટલમાં બેડ ન હોવાને કારણે એક ગર્ભવતી મહિલાને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ થવાનું કહેવાયું ત્યાર બાદ ઊભા થયેલા વિવાદમાં નગરસેવક રમેશ મ્હાત્રે તેના લોકો સાથે હૉસ્પિટલમાં આવ્યા હતા અને ડૉક્ટરો સાથે મારપીટ કરી હતી. 


કોર્ટ પણ ભડકી, વિડિયો-કૉન્ફરન્સ દ્વારા હાજરીની અપીલ ફગાવી
રમેશ મ્હાત્રેની કસ્ટડી મેળવવા માટે પોલીસે કોર્ટમાં તેમને વિડિયો-કૉન્ફરન્સ દ્વારા હાજર કરીને સુનાવણી હાથ ધરાય એવી અપીલ કલ્યાણ કોર્ટમાં કરી હતી. જોકે કોર્ટે પોલીસની આ અપીલ ફગાવી દીધી હતી અને રમેશ મ્હાત્રેને કોર્ટમાં હાજર કરવામાં આવે એવો નિર્દેશ કર્યો હતો. જ્યાં સુધી તેમને કોર્ટમાં હાજર નહીં કરાય ત્યાં સુધી પોલીસ કે જુડિશ્યલ કસ્ટડી નહીં અપાય એમ કોર્ટે જણાવ્યું હતું.

ડૉક્ટરોએ હડતાળ પાછી ખેંચી, ફરી ચડ્યા કામે
હુમલાની ઘટના બાદ કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશ‌ન (KDMC)ના ડૉક્ટરોએ પાડેલી હડતાળ બુધવારે પાછી ખેંચી હતી અને ફરી ડ્યુટી પર હાજર થયા હતા. રમેશ મ્હાત્રે અને અન્ય આરોપીઓ પર ગુનો નોંધી અદાલતી કાર્યવાહી પણ શરૂ થતાં બે દિવસથી ચાલતી હડતાળ પાછી ખેંચવામાં આવી હતી. જોકે ડૉક્ટરોને ભય છે કે એક નેતા વિરુદ્ધ કાર્યવાહી કરાતાં તેમના સમર્થકો ડૉક્ટરોને ફરી નિશાન બનાવી શકે અને એટલે તેમની સુરક્ષા માટે કડક પગલાં લેવાય અને યોગ્ય વ્યવસ્થા કરાય એવી તેમની માગણી છે. 


રમેશ મ્હાત્રેના ૩ સાથીદારોની પણ ધરપકડ 
રમેશ મ્હાત્રે ઉપરાંત ડૉક્ટર પર હુમલો કરનારા ૩ સાથીદારોની પણ ધરપકડ કરવામાં આ‍વી હોવાની માહિતી મળી હતી. રમેશ મ્હાત્રે તથા ધરપકડ કરાયેલા તેમના બાકી ૩ સાથીદારો પર ભૂતકાળમાં પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. હત્યાનો પ્રયાસ અને છેડતી સહિતના ગુનાઓ તેમના પર નોંધાયેલા હોવાની માહિતી મળી હતી.

કોર્ટમાં હાજર ન થવાના પેંતરા? ગુરુવારે ફરી પાછી તબિયત લથડી
આ કેસના આરોપી નગરસેવક રમેશ મ્હાત્રેની ધરપકડ થઈ હતી. જોકે તેમની તબિયત લથડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેને કારણે તેમને કોર્ટમાં હાજર કરી શકાયા નહોતા. ગુરુવારે તેમને ડિસ્ચાર્જ મળ્યા બાદ કોર્ટમાં હાજર કરાય એવી શક્યતા હતી. જોકે ગુરુવારે ફિટ હોવાનું સર્ટિફિકેટ મળ્યા બાદ તેમને ડિસ્ચાર્જ મળવાનો હતો ત્યારે ફરી બ્લડ-પ્રેશર વધવાને કારણે તેમને ઊલટીઓ થતી હોવાની ફરિયાદ થતાં હૉસ્પિટલમાં રાખવાની ફરજ પડી હતી. લોકોએ આ બધા કોર્ટમાં હાજર ન થવાના પેંતરા હોવાની ટીકા પણ કરી હતી.

હુમલાનો ભોગ બનેલી મહિલા ડૉક્ટરે પણ આપ્યું રાજીનામું
રમેશ મ્હાત્રેના હુમલાનો ભોગ બનેલા ડૉક્ટર વૈભવ સાળુંખે ઉપરાંત મહિલા રેસિડન્ટ મેડિકલ ઑફિસર ડૉક્ટર સૃષ્ટિ બાવીસકરે પણ રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી હતી. ડૉક્ટર વૈભવને મુક્કા માર્યા બાદ રમેશ મ્હાત્રેએ ફોન પર વાત કરી રહેલી ડૉક્ટર સૃષ્ટિ પર પણ હાથ ઉગામ્યો હતો. બન્નેએ તેઓ જે પ્રાઇવેટ એજન્સી મારફત નોકરીએ લાગ્યાં હતાં એ એજન્સીને રાજીનામાં મોકલી ચૂક્યાં હોવાનું કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)નાં મેડિકલ હેલ્થ-ઑફિસર ડૉક્ટર દીપા શુકલાએ જણાવ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK