Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મિડ-ડેનો મેસેજ વાંચીને લગ્નનો ભપકો કૅન્સલ કરી નાખ્યો આ યંગસ્ટરે

મિડ-ડેનો મેસેજ વાંચીને લગ્નનો ભપકો કૅન્સલ કરી નાખ્યો આ યંગસ્ટરે

Published : 09 July, 2026 07:21 AM | IST | Mumbai
Darshini Vashi

લગ્ન પાછળ લાખો-કરોડો રૂપિયા વેડફવાને બદલે એનો ઉપયોગ સત્કાર્યમાં કરતા હોય એવા લોકોને શોધવા ‘મિડ-ડે’એ થોડા સમય પહેલાં એક મેસેજ ફરતો કર્યો હતો.

હર્ષ દોશી અને પાયલ લોહાની જેઓ ૨૫ નવેમ્બરે લગ્ન કરવાનાં છે.

ગર્વ કરો આ ગુજરાતી પર

હર્ષ દોશી અને પાયલ લોહાની જેઓ ૨૫ નવેમ્બરે લગ્ન કરવાનાં છે.


ચર્ની રોડમાં રહેતા હર્ષ દોશીએ પોતાનાં લગ્ન માટે કર્જતમાં રિસૉર્ટ બુક કરાવી લીધો હતો, લાખો રૂપિયા વાપરવાનું પ્લાનિંગ થઈ ગયું હતું; પણ પછી બધું માંડી વાળીને પૈસાનો ઉપયોગ બ્લાઇન્ડ લોકોની રોજગારી ઊભી કરવા પાછળ કર્યો; ભવિષ્યમાં પણ તે થોડા-થોડા સમયે જરૂરિયાતમંદ લોકો માટે મદદગાર બનતો રહેવાનો છે

લગ્ન પાછળ લાખો-કરોડો રૂપિયા વેડફવાને બદલે એનો ઉપયોગ સત્કાર્યમાં કરતા હોય એવા લોકોને શોધવા ‘મિડ-ડે’એ થોડા સમય પહેલાં એક મેસેજ ફરતો કર્યો હતો. મેસેજ ચર્ની રોડમાં રહેતા ૨૭ વર્ષના હર્ષ દોશીને પણ મળ્યો હતો. તેની પાસે આ મેસેજ આવ્યો એ પહેલાં તેણે તેનાં લગ્ન માટે આલીશાન રિસૉર્ટ બુક કરાવી લીધો હતો, પરંતુ આ મેસેજ વાંચ્યા બાદ તેનું મન બદલાઈ ગયું અને તેણે એ રિસૉર્ટમાં બુકિંગ કૅન્સલ કરાવી દીધું. આ વિશે વધુ માહિતી આપતાં હર્ષ દોશી કહે છે, ‘મારાં લગ્ન પચીસ નવેમ્બરે પાયલ લોહાની સાથે થવાનાં છે. એ માટે અમે કર્જતમાં આવેલો એક ફેમસ રિસૉર્ટ બુક કરાવ્યો હતો જેનું ભાડું જ લાખોમાં હતું. ગેસ્ટનું લિસ્ટ પણ રેડી થઈ ગયું હતું. બસ, આમંત્રણ જ આપવાનાં બાકી હતાં. અમારા બન્ને ઘરના સભ્યો અને અમે બન્ને ખૂબ જ ખુશ હતાં. જોકે ત્રણેક મહિના પહેલાં મારા મોબાઇલમાં એક મેસેજ આવ્યો. ‘મિડ-ડે’ એવા લોકોને શોધી રહ્યું હતું જેઓ લગ્ન પાછળ બેસુમાર ખર્ચ કરવાને બદલે જરૂરિયાતમંદ લોકો માટે અથવા અન્ય સારા હેતુ પાછળ એ પૈસા વાપરી રહ્યા છે. આ મેસેજે મારા મન પર ઊંડી અસર કરી હતી. મને આમ પણ ડોનેશન કરવામાં હંમેશાં રસ રહ્યો છે અને પર્સનલી એવું લાગી રહ્યું હતું કે લગ્નમાં બહુ ખર્ચ થઈ રહ્યો છે ત્યારે આ મેસેજે મને ખર્ચ પર કાપ મૂકવાનું પ્રોત્સાહન આપ્યું. મને ત્યારે એવું લાગ્યું કે હું લગ્ન પાછળ લાખો રૂપિયા વેડફું એના કરતાં એનો યોગ્ય જગ્યાએ અને જરૂરિયાતમંદ લોકો પાછળ ઉપયોગ કરું તો સારું રહેશે. મેં લગ્ન પાછળ થનારા ખર્ચનો હિસાબ માંડ્યો તો જોયું કે આ આંકડો પચીસ લાખ રૂપિયાને પાર જતો હતો. ત્યાર બાદ મેં મારા મનની વાત મારી ફિયૉન્સે અને ફૅમિલીના લોકોને કરી. તેમને પણ મારો આ વિચાર ગમ્યો. સૌથી પહેલાં અમે આ રિસૉર્ટમાં કરેલું બુકિંગ કૅન્સલ કરી દીધું. નો ડાઉટ, બુકિંગ કૅન્સલ થવાથી અમને થોડો લૉસ ગયો, પણ એનો કોઈ વાંધો હતો નહીં. લગ્ન જ નહીં, મેં અમારી સંગીતસંધ્યા અને મેંદી-સેરેમનીનાં ફંક્શન્સ પણ કૅન્સલ કરી દીધાં. માત્ર ઘરના લોકોની હાજરીમાં સિમ્પલ અને પરંપરાગત પદ્ધતિથી લગ્ન કરવાનાં છીએ.’




હર્ષ દોશીએ જોઈ ન શકતી મહિલાઓ માટે ફૅક્ટરી શરૂ કરી છે જેમાં સિલાઈનાં મશીન પણ મૂકવામાં આવ્યાં છે.

હવે અમારો નેક્સ્ટ ટાસ્ક હતો એવા લોકોને શોધવાનો જેમને ખરેખર મદદની જરૂર છે એ વિશે આગળ જણાવતાં કોરિયોગ્રાફર હર્ષ કહે છે, ‘આજે અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, રસ્તા પર રહેતા લોકોને ઘણી મદદ મળતી રહેતી હોય છે; પરંતુ અમુક એવા લોકોને મારે અને મારા ફૅમિલી મેમ્બર્સે મદદ કરવી હતી જેમના સુધી મદદના હાથ હજી સુધી પહોંચી શક્યા નથી અથવા તો તેમને જોઈએ છે એટલી મદદ મળી શકી નથી. ત્યાં મારા પપ્પાના એક મિત્ર સાથે અમારી વાત થઈ. તેઓ એક ટ્રસ્ટ ચલાવે છે જેનું નામ ઇન્ડિયન મલ્ટિ-પર્પઝ ટ્રસ્ટ ફૉર બ્લાઇન્ડ છે. એટલે તેઓ અનેક બ્લાઇન્ડ લોકોના સંપર્કમાં હતા તેમ જ તેમની પાસે બધી વિગતો પણ હતી. તેઓ એવા ઘણા બ્લાઇન્ડ લોકોને ઓળખતા હતા જેમને કામની જરૂર છે. ત્યારે અમને વિચાર આવ્યો કે આપણે આવા લોકોને મદદ કરી શકીએ છીએ. પૈસા આપીને મદદ કરવા કરતાં તેમને રોજગારી આપવામાં આવે તો આજીવન તેમને સહાય મળી રહે. એટલે અમે તેમને એક ફૅક્ટરી શરૂ કરી આપવાનો વિચાર કર્યો. અંકલે અમને એવા ૮ જણ શોધીને આપ્યા જેમને રોજગારીની જરૂર હતી.’


લગ્ન પાછળ ખોટો ખર્ચ કરવાને બદલે એ પૈસાનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે કરવો છે એવું મેસેજ-કાર્ડ હર્ષ દોશીએ ફૅમિલી અને ફ્રેન્ડ્સ માટે તૈયાર કર્યું છે.

ફૅક્ટરી વિશે જણાવતાં હર્ષ દોશી કહે છે, ‘કલ્યાણની આગળ વાંગણી નામનું એક ગામ આવેલું છે જ્યાં ઘણા બ્લાઇન્ડ લોકો રહે છે. અહીં રહેતા લોકો પાસે વ્યવસ્થિત રોજગારી નથી અને જેમની પાસે છે તેમણે ઘરથી ઘણું દૂર જવું પડતું હોય છે. એટલે અમે અહીં માત્ર બ્લાઇન્ડ લોકો માટે એક નાનકડી ફૅક્ટરી શરૂ કરી આપી છે. અહીં તેમના માટે ૩ અલગ-અલગ જાતનાં મશીન મૂકી આપ્યાં છે અને એવું કેટલુંક રૉ મટીરિયલ પ્રોવાઇડ કરતા લોકો સાથે તેમનો સંપર્ક પણ કરી આપ્યો છે. આ રૉ મટીરિયલ પ્રોવાઇડર તેમને બધું મટીરિયલ પૂરું પાડશે અને કામ પૂરું થઈ ગયા બાદ તૈયાર કરેલો માલ પણ તેઓ લઈને વેચી આપશે. એટલે આ બ્લાઇન્ડ બહેનો અને ભાઈઓએ તૈયાર કરેલા માલને વેચવા માટે તેમણે જાતે બહાર જવું નહીં પડે. મારે આવી રીતે થોડા-થોડા સમયાંતરે કંઈક ને કંઈક કરવું છે જેનાથી હું વધુ ને વધુ લોકોની મદદ કરી શકું.’

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 07:21 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK