રાજ્યની વિધાનસભાના સ્પીકરે બન્ને જૂથના ૫૪ વિધાનસભ્યોની ગઈ કાલે સુનાવણી શરૂ કરી હતી, પરંતુ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે વધુ સમય માગ્યો
ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે
ગયા વર્ષના જૂન મહિનાથી શિવસેનામાં ચાલી રહેલો સત્તાસંઘર્ષ પૂરો થવાનું નામ નથી લેતો. વિધાનસભામાં એકનાથ શિંદે કે ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યો કાયદાકીય રીતે યોગ્ય કે અયોગ્ય છે એ વિશેની સુનાવણી ગઈ કાલે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે શરૂ કરી હતી. જોકે રાજ્યના સૌથી મોટો તહેવાર ગણેશોત્સવ માથા પર છે અને કેટલાક ડૉક્યુમેન્ટ્સની હજી સુધી આ જૂથોએ આપ-લે નથી કરી એટલે તેમણે બે અઠવાડિયાંનો સમય માગ્યો હતો. આથી સ્પીકરે બે અઠવાડિયાં સુધી સુનાવણી મોકૂફ રાખી હતી.
ગયા વર્ષે એકનાથ શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરતાં શિવસેનામાં ભંગાણ થયું હતું. આથી બન્ને જૂથે એકબીજાના વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા માટેની નોટિસ જારી કરીને કાર્યવાહી કરવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ગઈ કાલે રાજ્યની વિધાનસભાના સ્પીકર ઍડ. રાહુલ નાર્વેકરે બન્ને જૂથના વિધાનસભ્યોની સુનાવણી વિધાન ભવનના સેન્ટ્રલ હૉલમાં હાથ ધરી હતી. આ સમયે બન્ને જૂથના વકીલો પણ હાજર રહ્યા હતા. પહેલા નંબરની અરજી પર સુનાવણી શરૂ થઈ હતી.
ADVERTISEMENT
એકનાથ શિંદે જૂથના વકીલ અનિલ સિંહે માહિતી આપી હતી કે ‘આજે સુનાવણીનો પહેલો દિવસ હતો. સુનીલ પ્રભુએ દાખલ કરેલી પહેલી અરજીની સુનાવણી શરૂ થઈ હતી. વ્હીપ ન પાળવાથી એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યોને અપાત્ર કરવાની માગણી તેમણે અરજીમાં કરી છે. અમે કહ્યું હતું કે સુનીલ પ્રભુએ દાખલ કરેલી અરજીની નકલ અમને નથી મળી એટલે એ આપવામાં આવે. આથી સ્પીકર રાહુલ નાર્વેકરે બન્ને જૂથને કહ્યું હતું કે તેઓ અરજી સંબંધિત ડૉક્યુમેન્ટ્સ એકબીજાને આપે. એ બાદ જ સુનાવણી કરાશે. એટલું જ નહીં, ગણેશોત્સવનો તહેવાર નજીક છે એટલે મોટા ભાગના વિધાનસભ્યો તેમના મતવિસ્તારમાં વ્યસ્ત છે એટલે બે અઠવાડિયાં સુધી સુનાવણી મોકૂફ રાખવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. આથી સ્પીકરે બન્ને જૂથની માગણી માન્ય રાખી હતી.’
વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘હું જુડિશ્યલ ઑથોરિટી તરીકે કામ કરી રહ્યો છું. આથી પાત્રતા કે અપાત્રતા વિશે અત્યારે કંઈ બોલવું યોગ્ય નથી. જેમને આરોપ કરવા હોય તેમને કરવા દો. વિધાનસભાના જે નિયમ છે એ મુજબ નિર્ણય લેવામાં આવશે. બંધારણની જોગવાઈનું પાલન કરીને જ આખી પ્રક્રિયા કરવામાં આવશે.’

